કેશવલાલ ધ્રુવ

વિકિપીડિયામાંથી

ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ૧૯૧૫ માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪ માં નિવૃત્ત. ૧૯૨૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૦૭ માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.


સંશોધનની સંસ્કૃત-પરંપરામાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. ક્યારેક કલ્પના અને અનુમાનથી પાઠફેરફારમાં પ્રેરાતા હોવા છતાં એમનાં સંશોધન અને સંપાદન રુચિની પરિષ્કૃતતા અને સર્જકતાનો ઉન્મેષ બતાવે છે. એમના અનુવાદોમાં અનુસર્જનની તાજગી છે.


ભાષાવિષયક સંશોધન અને સાહિત્યવિચારણા રજૂ કરતા એમના લેખો ‘સાહિત્ય અને વિવેચન’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૧)માં સંગ્રહાયા છે; તો ૧૯૩૧ માં મુંબઈ યુનિવર્સિટી તરફથી યોજાયેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પિંગલવિષયક વિચારણા રજૂ કરતાં પાંચ વ્યાખ્યાનો ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ (૧૯૩૨) રૂપે મળે છે. ‘રણપિંગળ’ પછીનો ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે. એમાં ઋગ્વેદથી માંડીને અર્વાચીન સમયના છંદોનો વિકાસ ઉદાહરણો સાથે સ્ફુટ કર્યો છે.


પ્રાચીન-મધ્યકાલીન કવિઓ વિશેનાં એમનાં સંપાદનો વિદ્વત્તાપૂર્ણ પ્રાસ્તાવિકો અને દ્યોતક ટિપ્પણોથી મહત્ત્વનાં બનેલાં છે. મધ્યકાલીન ભાષા અને સાહિત્યનો એમાં દ્રષ્ટિપૂર્વકનો અભ્યાસ છે. ભાલણની ‘કાદંબરી’ના પૂર્વભાગ (૧૯૧૬) નું અને ઉત્તરભાગ (૧૯૨૭)નું સંપાદન કરવા ઉપરાંત એમણે ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય’ (૧૯૨૭)નું સંપાદન કર્યું છે. રત્નહાસકૃત ‘હરિશ્વન્દ્રાખ્યાન’ (૧૯૨૭), અખાકૃત ‘અનુભવબિંદુ’ (૧૯૩૨) વગેરે એમનાં અન્ય સંપાદનો છે. વળી, પ્રેમાનંદના નામે ચડેલાં નાટકો પાછળના સંમાર્જનમાં એમનો હાથ હોવાની અટકળ પણ કરાયેલી છે.


સંસ્કૃત કાવ્યો અને નાટકોના એમણે કરેલા અનુવાદો એમનું સૌથી મહત્ત્વનું પ્રદાન છે. રસિકતા અને પાંડિત્ય સાથે યથાર્થ ભાષાંતર કેવાં થઈ શકે એના એ નમૂનાઓ છે. મૂળ કૃતિના મર્મને ગુજરાતીમાં ઉતારવામાં એમને અધઝાઝેરી સફળતા મળી છે. ‘અમરુશતક’ (૧૮૯૨), ‘ગીતગોવિંદ’ (૧૮૯૫) અને ‘છાયાઘટકર્પર’ (૧૯૦૨) એમના સંસ્કૃત કાવ્યોના અનુવાદ છે; તો ‘પ્રધાનની પ્રતિજ્ઞા’ (૧૯૧૫), ‘સાચું સ્વપ્ન’ (૧૯૧૭), ‘મધ્યમવ્યાયોગ’ (૧૯૨૦) અને ‘પ્રતિમા’ (૧૯૨૮) એ એમના ભાસનાં નાટકોના અનુવાદ છે. વિશાખદત્તનું ‘મદ્રારાક્ષસ’, ‘મેળની મુદ્રિકા’ (૧૮૮૯)ને નામે, હર્ષનું ‘પ્રિયદર્શિકા’, ‘વિન્ધ્યવનની કન્યકા’ (૧૯૧૬)ને નામે, કાલિદાસનું ‘વિક્રમોર્વશીયમ્’, ‘પરાક્રમની પ્રસાદી’ (૧૯૧૫)ને નામે એમણે ગુજરાતીમાં ઉતાર્યાં છે. આ અનુવાદો ઊંચું નિશાન તાકનારાં છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


સાહિત્ય અને વિવચેન- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૧) : કેશવ હર્ષદ ધ્રુવનાં લખાણોના સંગ્રહો. ભા. ૧ માં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા લેખો સિવાયના, માસિકોમાં છપાયેલ મૌલિક કાવ્યો, ગદ્ય અને પદ્યના અનુવાદો તેમ જ સાહિત્ય-ઇતિહાસને લગતે લેખો સંચિત થયેલા છે; જ્યારે ભા. ૨ માં ગુજરાતી ભાષાશાસ્ત્ર પરના તેમ જ ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિકાસના અભ્યાસમાં ઉપયોગી બને તેવા લેખો છે. આ લેખોમાં સમભાવશીલ સંશોધકની સૂક્ષ્મ રુચિનો પરિચય થાય છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


પદ્યરચનાની ઐતિહાસિક આલોચના (૧૯૭૧) : ૧૯૩૧માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના આશ્રયે કેશવ હર્ષદ ધ્રુવે આપેલાં વ્યાખ્યાનો, જે ૧૯૩૨માં પ્રસિદ્ધ થયા પછી ૧૯૭૧માં ફૉબર્સ ગુજરાતી સભા દ્વારા પુનઃ પ્રકાશિત થયાં. પ્રાચીનકાળથી સાહિત્યના માધ્યમ તરીકે પ્રચલિત પદ્યના અનેક માર્ગો છે, એને લક્ષમાં રાખી લેખકે અહીં ઋગ્વેદથી માંડી કવિ જયદેવ સુધીની પદ્યરચનાની મૌલિક વિચારણા કરી છે. ‘પદ્યની ઘટના’, ‘ઋક્કાલ’, ‘આક્યાનકાલ’, ‘સુત્તકાલ’ અને ‘કાવ્યકાલ’ એમ કુલ પાંચ ‘દ્રષ્ટિપાત’માં આ ગ્રંથ વહેંચાયેલા છે. ઉપરાંત ‘પદ્યરચનાના પ્રકાર’, ‘વનવેલી’, ‘પૃથ્વીનો ઇતિહાસ’ અને ‘પદ્યબંધની કસોટી અને બીજા પ્રશ્નો’ જેવા બીજા ચાર લેખો પણ સાથે જોડવામાં આવ્યા છે. અત્યંત પરિશ્રમપૂર્વક તૈયાર થયેલો છંદવિષયક આ અતિ મહત્ત્વનો પ્રમાણભૂત ગ્રંથ છે.[૧]


૧૮૮૬ના સમયમાં મુંબઈથી પ્રસિદ્ધ થતા ત્રૈમાસિક 'વિવેચક'ની પરીક્ષકમંડળ નામની સમિતીના તેઓ સભ્ય હતા[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય