લખાણ પર જાઓ

ગોકુલદાસ રાયચુરા

વિકિપીડિયામાંથી

સવિશેષ પરિચય

[ફેરફાર કરો]

રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ, ‘દાલચીવડા’, ‘રસિક ચતુર’ (૧૮૯૦, ૧૯૫૧) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક. જન્મ સોરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાનો સંસ્કારવારસો. મુંબઈમાં શૅરબજારનો ધંધો. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમેં વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું.


એમના કાવ્યસંગ્રહ ‘નવનીત’ (૧૯૨૧)નાં કેટલાંક કાવ્યોમાં દલપતરામની પ્રાકૃત બોધક શૈલી છે, તો કેટલાંકમાં લોકગીતની ફોરમ છે. ‘રસિયાના રાસ’ તથા ‘રાસમંદિર’ (૧૯૧૫)ના રાસોમાં ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયોનું અનુસરણ છે, તો સાથે કેટલાક રાસોમાં કલ્પના વિશેષ મૌલિકતાથી વિકસી છે. ‘સોરઠી દુહાની રમઝટ’ (૧૯૬૬) મેરૂભા ગઢવી સાથે કરેલું ૭૦૧ દુહાનું એમનું સંપાદન છે, જેમાં સામસામે બોલાતા દુહા સંગૃહીત થયા છે. ‘મહીપાળદેવ’, ‘ગ્રહરાજ’, ‘સોરઠરાણી’, ‘નગાધિરાજ’, ‘કુલદીપક’, ‘સોરઠપતિ’ તથા ‘સોમનાથની સખાતે’ એ સાત નવલકથાઓમાં એમણે આલેખેલી સોરઠના ચૂડાસમાઓની કીર્તિકથામાં પરંપરાગત ઇતિહાસ ઉપરાંત લોકકથાઓનો પણ આધાર લીધો છે. નવલકથાઓની લખાવટ રસભરી છે. ‘ઈસરદાન’ ઈસરદાસ ચારણના જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે. ‘સ્નેહપૂર્ણ’ સામાજિક નવલકથા છે. ‘રસીલી વાર્તાઓ’ (૧૯૨૫), ‘વ્યાસજીની વાર્તાઓ’ (૧૯૨૮) તથા ‘દાલચીવડાની દસ વાર્તાઓ’ (૧૯૨૯)માં સામાજિક પરિપ્રેક્ષ્યમાં, મુખ્યત્વે હાસ્યરસપ્રધાન અને વાર્તાકારની વ્યંજનાશક્તિનો સુષ્ઠુ પરિચય આપતી પ્રસંગકથાઓ આલેખાઈ છે. ‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’ (૧૯૨૫) તથા ‘સોરઠી વીરાંગનાની વાર્તાઓ’ (૧૯૨૮)માં કાઠિયાવાડના લોકજીવનને વર્ણવ્યું છે. ‘ગાંધીયુગની વાર્તાઓ’ (૧૯૩૧)માં મહાત્મા ગાંધીજીના આચારવિચારના આપણા જીવન પર પડેલા ઘેરા પ્રભાવને વર્ણવતી વાર્તાઓ છે. ‘સબળ ભૂમિ ગુજરાત’ (૧૯૪૮)માં રબારી, કાઠી, વાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓનો પરિચય કરાવતા કેટલાક સ્વાનુભવો છે. તો કેટલીક રસપ્રદ પ્રસંગકથાઓ પણ છે. (- નિરંજન વોરા)


ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય