જયંત ગાડીત

વિકિપીડિયામાંથી

સવિશેષ પરિચય[ફેરફાર કરો]

હસ્તાક્ષર

ગાડીત જયંત ગોકળદાસ (૨૬-૧૧-૧૯૩૮) : નવલકથાકાર, વિવેચક. જન્મ મુંબઈમાં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ૧૯૬૧માં બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૪માં એમ.એ. ૧૯૪૭માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૭૭ દરમિયાન પેટલાદ અને મહુધાની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૭૭ થી ૧૯૮૬ સુધી સ.પ. યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં વ્યાખ્યાતા. ૧૯૮૬ થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિઆત સંશોધનસંસ્થા ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર.

કથાનાયક આવૃત્તિની આસપાસ આલેખાયેલી લઘુનવલ ‘આવૃત્ત’ (૧૯૬૯)માં સાંપ્રત શિક્ષણજગતમાં પ્રવેશેલાં દૂષણોની આલેખનશૈલી કટાક્ષની છે. એક જ ગ્રંથમાં મુદ્રિત બે લઘુનવલો ‘ચાસપક્ષી અને કર્ણ’ (૧૯૭૯) પૈકીની ‘ચાસપક્ષી’માં મિ. પંચાલ અને મિસિસ સોનીના અંગત મૈત્રીસંબંધના મનોવ્યાપારો અને પરસ્પરના જાતીય મનોવેગોનું આલેખન મુખ્ય છે. કથાનાયક મિ. પંચાલના સંદર્ભે પ્રયોજાયેલું ચાસપક્ષીનું પ્રતીક તેમ જ અન્ય પાત્રોનાં વર્તન-વલણના સંદર્ભે યોજાતી સૂચનકલાનો સૂક્ષ્મસ્તરે થતો વિનિયોગ નોંધપાત્ર છે. બીજી કૃતિ ‘કર્ણ’માં કથાનાયકના ચરિત્રાલેખનના સંદર્ભે મહાભારતના પ્રચલિત પાત્ર કર્ણનો પુરાકલ્પન લેખે ઉપયોગ કરવાનો પ્રયાસ છે. આરંભે અને અંતે વાચકને સંબોધનની શૈલીએ લખાયેલી અને જાહનવિકાના મુખ્ય પાત્રની આસપાસ ચાલતી સામાજિક નવલકથા ‘ક્યાં છે ઘર ?’ (૧૯૮૨) ભાવનાપ્રધાન અને આદર્શ કુટુંબવ્યવસ્થાની હિમાયત કરે છે. ‘બદલાતી ક્ષિતિજ’ (૧૯૮૬) વાઘરી કોમમાંથી આવેલા નાયકની માનસિક, રાજ્કીય અને સામાજિક સભાનતાના સ્તરે આલેખાયેલી, નવી ટેકનિક પ્રયોજતી નવલકથા છે. ખૂબ ચર્ચાસ્પદ અને કવિ ન્હાનાલાલના કવનકાળ દરમિયાન ઠીક ઠીક પ્રચલિત બનેલી, કવિની વિલક્ષણ કાવ્યરીતિ ડોલનશૈલી વિશેના શોધનિબંધ ‘નાનાલાલનું અપદ્યાગદ્ય’ (૧૯૭૬)માં આધુનિક ભાષાવિજ્ઞાન અને તેની આનુષગિક શાખા શૈલીવિજ્ઞાનના પ્રકાશમાં શૈલીપરક અભિગમથી કરેલી તપાસ એમાંનાં વિષયની વિશદ છણાવટ, મૂલગામી દ્રષ્ટિ અને શાસ્ત્રીય પર્યેષણા જેવાં અધ્યયનલક્ષી તત્ત્વોને લીધે નોંધપાત્ર બને છે. ડો. રમણલાલ જોશી દ્વ્રારા સંપાદિત ‘ગ્રંથકારશ્રેણી’માં પ્રગટ થયેલ લઘુગ્રંથ ‘ન્હાનાલાલ’ (૧૯૭૭)માં કવિ ન્હાનાલાલની જીવનલક્ષી ને પ્રમાણભૂત વિગતો તેમ જ મુખ્યત્વે એમની કાવ્યપ્રવૃત્તિ ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપોમાં એમણે કરેલા સર્જનકાર્યની પરિચયાત્મક સમીક્ષા છે. ‘નવલકથા વાસ્તવ અને વાસ્તવવાદ’ (૧૯૮૫) એ કલા અને વાસ્તવના પ્રશ્નને આગવી રીતે ચર્ચતો એમનો વિવેચનગ્રંથ છે. (- કૌશિક બ્રહ્મભટ્ટ)

બદલાતી ક્ષિતિજ (૧૯૮૬) : જયંત ગાડીતની નવલકથા, વાઘરી સમાજના ક્ષેત્રકાર્ય દ્વારા વાઘરી નાયક જીવાભાઈની આસપાસ જુદાં જુદાં ચાર પાત્રોનાં દ્રષ્ટિબિંદુથી આલેખાયેલી આ કથામાં પરસ્પરપૂરક ઘટનાઓનું સંકલન સમુચિત રીતે થયું છે. પેટાદરા જેવા ધૂળિયા ગામમાં રાજકારણનાં પરિબળો મોટા આંચકાઓ લાવી શકે છે અને એની વચ્ચે નાયક જીવાભાઈ પોતાની વાઘરી જ્ઞાતિથી, ઉચ્ચવર્ણોથી, પોતાની શાળાથી અને નપુંસકપણાને કારણે પોતાથી કેવો વિચ્છેદ અનુભવે છે એની વ્યથાનો અહીં આલેખ છે. સમાજ અને રાજકારણની ધરીઓ પર ઊભેલી આ નવલકથા કલાની ધરી પરથી હટવા પામી નથી એ એની વિશેષતા છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય