ઢાબા

વિકિપીડિયામાંથી
પંજાબના એક માર્ગ પર આવેલા ઢાબા પર પરોસાયેલું ભોજન

ભારત અને પાકિસ્તાન દેશોમાં, ઢાબા રાજમાર્ગો પર આવેલાં લોકપ્રિય સ્થાનીક રેસ્ટોરન્ટને કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઢાબાઓમાં સ્થાનીક ભોજન પીરસવામાં આવે છે, અને અહીં મુખ્યત્વે ટ્રક ચાલક અથવા મુસાફરી કરતા લોકો ભોજન કરવા માટે રોકાય છે. આજના સમયમાં ઢાબાઓ સૌથી અધિક, પેટ્રોલ પંપોની બાજુમાં જોવા મળે છે, જે મોટેભાગે ૨૪ કલાક ખુલ્લાં રહેતાં હોય છે. સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર ઉભાં રહેતાં વાહનોની મોટી સંખ્યાને કારણે ઢાબા નજીકમાં જ સ્થાપિત કરવામાં આવે છે. કેમ કે મોટેભાગે ભારતીય તેમ જ પાકિસ્તાની ટ્રક ચાલક પંજાબી વંશના હોય છે, આ કારણસર આ ઢાબાઓ પર પંજાબી ભોજન મળતું હોય છે. આ ઉપરાંત અહીં પંજાબી તેમ જ અન્ય સ્થાનીક સંગીત વગાડવામાં આવતું હોય છે.

ઢાબા શબ્દ આખા વિશ્વમાં સ્થાનીક ભારતીય ભોજનનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણસર યૂરોપ અને અમેરિકા ખંડમાં આવેલાં ઘણાં ભારતીય રેસ્ટોરન્ટ ચલાવનારા વ્યક્તિઓએ આ નામ પોતાનાં રેસ્ટોરન્ટનાં નામ સાથે જોડી લિધું છે.

ઢાબા સામાન્ય રીતે ઇંટો અને માટી વડે બનાવવામાં આવેલી ઇમારત હોય છે અને અહીં બેસવા માટે કાથી ભરેલા ખાટલા અથવા ચારપાઈ બિછાવવામાં આવે છે, જેના પર એક લાકડાનું પાટિયું ખાટલાની પહોળાઈમાં રાખવામાં આવે છે અને આ પાટિયા પર ખાતી વેળાએ ખાવા માટેનાં વાસણો રાખવામાં આવે છે. વર્તમાન સમયમાં ઢાબાઓ પર ચારપાઈનું સ્થાન પ્લાસ્ટિકનાં ટેબલ ખુરશીએ લઇ લીધું છે, પરંતુ જમવાનું હજી પણ તુલનાત્મક રૂપે જોતાં સસ્તું અને ઘરેલુ આહાર જેવું જ હોય છે.