દર્પણ સ્વ
દર્પણ સ્વની વિભાવના કે દર્પણ સ્વનો સિદ્ધાંત અમેરિકન સમાજશાસ્ત્રી ચાર્લ્સ હોર્ટન કૂલે દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતમાં કૂલેએ જણાવ્યું છે કે બીજાઓ પોતાના વિશે શું કલ્પના ધરાવે છે તેને જોવાની અને મૂલ્યાંકન કરવાની વ્યક્તિની શક્તિ ઉપર તેના 'સ્વ'ના વિકાસનો આધાર હોય છે.[૧]
કૂલે જણાવે છે કે વ્યક્તિ માટે અન્ય વ્યક્તિઓ દર્પણ સમાન છે, જેમાં તે પોતાનું પ્રતિબિંબ જુએ છે.[૧]
સમજૂતી
[ફેરફાર કરો]વ્યક્તિ પોતાના શારીરિક દેખાવ અંગેનો અંદાજ અરીસામાં જોઈને બાંધે છે, એ જ રીતે એક સામાજિક વ્યક્તિ તરીકેનો અંદાજ તે પોતાના આંતર વ્યક્તિગત સંબંધોમાં બીજાના તેની તરફનાં વલણને આધારે મેળવતો હોય છે. કૂલેએ આ પ્રક્રિયાને 'દર્પણ સ્વ' નામ આપ્યું છે.[૨]
કૂલેએ સ્વનાં વિકાસમાં નીચે પ્રમાણેની ત્રણ માનસિક પ્રક્રિયાઓ દર્શાવી છે:[૨]
- બીજા સાથેના વ્યવહાર દરમિયાન આપણા વિશે તેઓ શું કલ્પના કરે છે; શું અભિપ્રાય બાંધે છે તેની આપણે કલ્પના કરીએ છીએ. દરેક વ્યક્તિ એમ માને છે કે તેની પ્રવૃત્તિઓ, વર્તન વગેરે બીજી વ્યક્તિ જુએ છે અને મૂલવે છે. બીજી વ્યક્તિનાં આપણી સાથેનાં વ્યવહારમાં, તેની વાણી અને વર્તનમાં, તેના હાવભાવ અને ઉદગારોમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાય છે.
- બીજી વ્યક્તિઓએ આપણાં વિશે શું અભિપ્રાય બાંધ્યો હશે તેની આપણે કલ્પના કરીને તેના આધારે આપણા વિશેનો ખ્યાલ બાંધીએ છીએ.
- બીજી વ્યક્તિના આપણા વિશેના ખ્યાલની કલ્પનાના આધારે આપણે આપણા વિશે જે ખ્યાલ બાંધીએ છીએ તેને અનુરૂપ લાગણી અનુભવીએ છીએ. આ લાગણી ગર્વની હોય કે શરમની પણ હોય શકે. બીજા લોકો આપણા કામનાં વખાણ કરે છે તેવી કલ્પનાથી ઉત્સાહ આવે છે. બીજાએ આપણી ખાસ કોઈ ગણના કરી નહિ તેવી કલ્પનાથી હતાશા જન્મે છે.
ઉદાહરણ
[ફેરફાર કરો]સ્વ વિશેનો ખ્યાલ કઈ રીતે વિકસે છે તે બતાવવા કૂલેએ નીચેનું ઉદાહરણ આપ્યું છે:[૨]
સોનલ અને કોમલ[lower-alpha ૧] બંને મિત્રો છે. સોનલે એક નવી હેટ પહેરી છે અને કોમલે નવો પોષાક પહેર્યો છે. તેઓ બંને એકબીજાને મળે છે ત્યારે—
- સોનલના મનમાં એમ છે કે હું (સોનલ) નવી હેટમાં સુંદર લાગું છું.
- કોમલના હાવભાવ ઉપરથી સોનલ એમ માનવા પ્રેરાય છે કે પોતે (સોનલ) નવી હેટમાં સુંદર લાગે છે એમ કોમલ માને છે.
- પોતે (સોનલ) નવી હેટમાં સુંદર લાગે છે એવી કોમલના મનમાં છાપ પડી છે તે કલ્પનાના આધારે સોનલ પોતે નવી હેટમાં સુંદર લાગતી હોવાનો ગર્વ અનુભવે છે.
- "હું (સોનલ) નવી હેટમાં સુંદર લાગું છું એમ માનીને ગર્વ અનુભવું છું." એવું પોતાના (સોનલના) વિશે કોમલ વિચારે છે તેની પણ સોનલને કલ્પના હોય છે.
- નવી હેટમાં સજ્જ થયેલી સોનલને તેની સખી કોમલનો સંપર્ક થતાં તેની સાથેની આંતરક્રિયા દ્વારા પોતાના વિશે અનુભવ થાય છે એ જ રીતે નવા પોષાકમાં સજ્જ થયેલી કોમલને સોનલના સંપર્કથી અને તેની સાથેની આંતરક્રિયા દ્વારા પોતાના વિશે અનુભવ થાય છે.
કૂલે કહે છે કે "હું તમારા મનની કલ્પના કરું છું. ખાસ તો તમારું મન મારા મન વિશે શું વિચારે છે તેની કલ્પના કરું છું અને મારું મન તમારા મન વિશે શું વિચારે છે એ બાબત વિશે તમારું મન જે વિચારે છે તેની પણ કલ્પના કરું છું." આમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે શું વિચારે છે તેની કલ્પના દ્વારા બંધાયેલા ખ્યાલોનાં આઘાત-પ્રત્યાઘાતમાંથી સ્વવિકાસની પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ ખ્યાલ દ્વારા કૂલે એમ પ્રતિપાદન કરવા માંગે છે કે 'સ્વ' સામાજિક ઉપજ છે અને સમાજ, વ્યક્તિઓના એકબીજા વિશેના વિચારોની આંતરક્રિયાત્મક ગૂંથણી છે. 'સ્વ'નો વિકાસ સામાજીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે.[૨]
આલોચના
[ફેરફાર કરો]કૂલેના 'દર્પણ સ્વ'ના ખ્યાલની આલોચના કરતાં કેટલાક વિચારકોએ તેમાં નીચે મુજબની ત્રુટિઓ દર્શાવી છે:[૨]
- કૂલેના મંતવ્યો જેવા કે, સ્વ સામાજિક ઉપજ છે; સ્વ અને સમાજ સાથે સાથે વિકાસ પામે છે; જેવો સમાજ તેવો સ્વ — વગેરે આંશિક રીતે જ સત્ય છે. કારણ કે; જેની સાથે આપણો ઘનિષ્ટ સંબંધ હોય, તેની આપણા જીવનમાં ઘેરી અસર થાય છે. આપણે અનેક જુદા જુદા માણસોના સંપર્કમાં આવીએ છીએ. તે બધાં દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય તે બધું આપણે અપનાવતા નથી. તેમાંથી અમુક જ બાબતો આપણે અપનાવીએ છીએ. તે અપનાવવામાં પણ આપણું નિજીપણું મિશ્રિત થયેલું હોય છે.
- જીવનની પ્રત્યેક ક્ષણોમાં આપણે બીજાને લક્ષમાં રાખીને જીવતાં નથી. આપણું વર્તન પ્રતિક્રિયારૂપે પણ ક્યારેક હોય છે. ન કલ્પેલી પરિસ્થિતિમાં આપણું વર્તન સાવ જ અલગ હોય છે. તે જ રીતે દરેકની અલગ અલગ પ્રતિક્રિયામાં દરેકનું નિજીપણું વ્યક્ત થાય છે.
- કૂલે કહે છે કે સ્વનો ખ્યાલ બીજાની દેન છે ('We live in eyes of others'). આ બાબત આંશિકપણે જ સાચી છે. બીજાના વલણ ઉપર સ્વનો આધાર મર્યાદિત છે. વિકસિત સ્વ ધરાવતા માણસો અને પરિપક્વ સ્વ ધરાવતા બાળકો પણ સ્વકેન્દ્રિત હોય છે, એટલે કે તેઓ પોતાનું ધાર્યું કરે છે. સ્વ પરિપક્વ બને અને વિકસે પછી બીજાં કહે તેવું જ વ્યક્તિનું વર્તન હોતું નથી.
નોંધ
[ફેરફાર કરો]- ↑ કૂલેએ આપેલા મૂળ ઉદાહરણમાં મિત્રોના નામ એલીસ અને એન્જેલા છે.