દિલ્હી મેટ્રો રેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દિલ્હી મેટ્રો રેલ, એ ભારતીય શહેર તેમ જ ભારત દેશના પાટનગર દિલ્હીની એક અતિ આધુનિક એવી ત્વરિત પરિવહન પ્રણાલી છે અને તે દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડી.એમ.આર.સી.) દ્વારા ચલાવવામાં આવે છે. તે દિલ્હી શહેરની સાથે સાથે નેશનલ કેપિટલ રીજીઅન (એનસીઆર)ના તથા આસપાસના વિસ્તારો જેવા કે ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા અને ગુરુગ્રામને સાંકળી લે છે. દિલ્હી મેટ્રો તરીકે જાણીતી ડી.એમ.આર.સી એ સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે જેમાં ભારત સરકાર અને દિલ્હી સરકારની સરખી ભાગીદારી છે.

દિલ્હી મેટ્રો લંબાઈના હિસાબે વિશ્વની ૧૨મા ક્રમની અને પ્રવાસીઓની સંખ્યા મુજબ ૧૬મા ક્રમની મેટ્રો ટ્રેન વ્યવસ્થા છે. તેની કુલ લંબાઈમાં પાંચ રંગની નિશાનીઓ ધરાવતી અલગ અલગ જગ્યાઓ વચ્ચે સેવા આપતી રેલ્વેલાઈન ઉપરાંત એક વિશેષ એરપોર્ટ મેટ્રો લાઈન પણ છે, આ બધાંની સાથે દિલ્હી મેટ્રો કુલ ૧૬૪ સ્ટેશન અને ૨૧૮ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. દિલ્હી મેટ્રો ભૂગર્ભ, જમીન પર અને પુલ દ્વારા જમીનની ઉપર એમ ત્રણ પ્રકારમાં વિભાજીત છે, જેમાં બ્રોડગેજ અને સામાન્ય ગેજ સમાવિષ્ટ છે. દિલ્હી મેટ્રોની ગાડીઓ મોટેભાગે ૬ અને ૮ ડબ્બાની હોય છે. સવારના પાંચથી શરૂ થઈને રાતના સાડા અગિયાર સુધી તેની સેવાઓ ઉપલબ્ધ હોય છે.