દેવાયત બોદર
દેવાયત બોદર (આશરે ઇ.સ. ૯૦૦ - ૧૦૨૫) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા' નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા' ખેંગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી. દેવાયત બોદરનો જન્મ અલિદર-બોડિદર ગામમાં આહિર સમુદાયમાં થયો હતો. તેમને તેમની પત્નિ સોનબાઈથી ઉગા નામનો પુત્ર અને જાહલ નામની પુત્રી હતી. દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા' દિયાસને મારીને ગાદીભષ્ટ કર્યા પછી રા' નવઘણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું.[૧]
કથા
[ફેરફાર કરો]ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા' દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં કંઇ કરી ન શક્યા. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા'નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા'એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
સોલંકીઓએ જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. જેણે બાળ રા' નવઘણને દેવાયત બોદરને સોંપ્યો.[૨] દેવાયત બોદરે રા' નવઘણને બચાવવા માટે પોતે કંઇ પણ કરી છૂટવાની અને જૂનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી.[૩] દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ (ઉગો) અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે - “મારે તો રાજભક્તિ દેખાડવી હતી. દિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.” પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”. “રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા ઉગાને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા ઉગાને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા' ના કુળદીપકને જલતો રાખ્યો!
કેટલાય વર્ષ સુધી ઉગાના મૃત્યુ વિશે એક આંસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા’નવઘણ જુનાગઢનો રાજા બને છે, ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરશિયા ગાય છે. આહિરોમાં ત્યારથી બંગડી કે સેંથાનો કોઈ રિવાજ રહ્યો નથી. ત્યારથી કાળુ કાપડુ પહેરીને સતત આહિર સ્ત્રીઓ ઉગાનો શોક મનાવે છે.[૪]
સ્મારક
[ફેરફાર કરો]રા' નવઘણ દ્વારા બંધાવેલ બે કૂવાઓ જૂનાગઢના ઉપરકોટમાં આવેલા છે.[૫][૬]
દેવાયત બોદરનું મંદિર બોડિદર ગામમાં જૂનાગઢ નજીક આવેલું છે. દેવાયત બોદરના સન્માનમાં બોડિદર ગામનું નામ ૨૪ એપ્રિલ થી ૧ મે ૨૦૧૧ દરમિયાન યોજાયેલા સંભારભમાં બદલીને દેવાયતગઢ કરવામાં આવ્યું હતું.[સંદર્ભ આપો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Sree Padma, Brenda Beck, Perundevi Srinivasan, Tracy Pintchman, Sasikumar Balasundaram, Vasudha Narayanan, Neelima Shukla-Bhatt, R. Mahalakshmi, Caleb Simmons, Priya Kapoor (૨૦૧૪). Inventing and Reinventing the Goddess: Contemporary Iterations of Hindu Deities on the Move. Lexington Books,. પૃષ્ઠ ૧૮૯. ISBN 9780739190029.CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
- ↑ Ranchodji Amarji (Divan of Junagadh.) Editor James Burgess (૧૮૮૨). Târikh-i-Soraṭh: A History of the Provinces of Soraṭh and Hâlâr in Kâthiâwâd. Educ. Soc. Press, & Thacker, Original from Harvard University. પૃષ્ઠ ૧૦૩.
- ↑ James Burgess (૧૯૭૧). Report on the Antiquities of Kâṭhiâwâḍ and Kachh: Being the Result of the Second Season's Operations of the Archaeological Survey of Western India, 1874-75. Indological Book House, Original from the University of Michigan. પૃષ્ઠ ૧૪૧, ૧૬૪.
- ↑ દુલા ભાયા કાગ. જનેતાના દૂધમાં ભાગ. કાગવાણી. પૃષ્ઠ ૧૨-૧૬.
- ↑ "Uperkot Fort". india9.com.
- ↑ "Heritage Junagadh,Junagadh India,Junagadh in India,Junagadh tourist places,Junagadh history,Junagadh tour,tour to Junagadh,Junagadh in india". indiaprofile.com.