નંગંગોમબાલા દેવી
વ્યક્તિગત માહિતી | |
---|---|
જન્મ | 2 ફેબ્રુઆરી 1990 મણિપુર, ભારત |
Sport | |
Position | સ્ટ્રાઇકર |
Rank | 10 |
Team | રેન્જર્સ |
નંગંગોમબાલા દેવી (જન્મ 2 ફેબ્રુઆરી 1990) એક ભારતીય મહિલા ફૂટબૉલર છે જે સ્કૉટિશ મહિલા પ્રીમિયર લીગ ક્લબ રેન્જર્સ એફસી (FC) અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમ માટે ફૉરવર્ડ તરીકે રમે છે. તેઓ 2020માં રેન્જર્સ એફસી (FC) સાથે કરાર કરનાર પ્રથમ ભારતીય મહિલા પ્રોફેશનલ ફૂટબૉલર બન્યાં હતાં. [૧]
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]બાલા દેવીનો જન્મ અને ઉછેર ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં થયો હતો. ફૂટબૉલ મણિપુરમાં એક લોકપ્રિય રમત છે અને રાજ્યની મહિલા ટીમે અત્યાર સુધી રમાયેલી કુલ 25 રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ પૈકી 20માં જીત મેળવી છે.
તેમનાં પરિવારમાં ફૂટબૉલ એ એક પરંપરા હતી અને નાની ઉંમરમાં જ તેમણે રમતો રમવાનું શરૂ કરી દીધું હતું. તેમના પિતા ફૂટબૉલ રમવાના શોખીન હતા અને તેમના મોટા ભાઈ તથા જોડિયાં બહેન પણ તેમની સાથે રમતમાં જોડાતાં હતાં.[૨] તેમનાં પરિવારમાં તેઓ એકમાત્ર હતાં જે રમતની બુલંદીએ પહોંચી શક્યાં હતાં. ફૂટબૉલની સાથે બાલા દેવી ટેનિસ અને હૅન્ડબૉલ પણ રમતાં હતાં.
11 વર્ષની વયે તેઓ સ્થાનિક છોકરીઓના ફૂટબૉલ ક્લબ આઈસીએસએ (ICSA) સાથે જોડાયાં હતાં. જેના થકી તેઓ જિલ્લા કક્ષાની રમતો રમતાં થયાં અને છેવટે રાજ્યની ટીમ માટે રમ્યાં.
બાળપણમાં બ્રાઝિલના ફૂટબૉલરો રોનાલ્ડો અને રોનાલ્ડીન્હો તેમના માટે પ્રેરણારૂપ હતા. હાલ અમેરિકાની મહિલા રાષ્ટ્રીય ટીમના મિડફીલ્ડર અને સહ-કૅપ્ટન મેગન રૅપિનો તેમને પ્રેરણાદાયક લાગે છે. પુરુષ ફૂટબૉલરોમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમના પ્રિય ખેલાડી છે.[૧]
પોતાના સાક્ષાત્કારોમાં બાલા દેવીએ ભારતમાં રમતગમત ક્ષેત્રે પ્રવેશવા અભિલાષી મહિલાઓની સામેના પડકારો વિશે જણાવ્યું છે. તેમને છોકરાઓની મૅચોમાં રમીને શરૂઆત કરવી પડી હતી. તેમને લાગે છે કે દેશમાં મહિલાઓની લીગના આરંભ સાથે પરિસ્થિતિમાં સુધાર આવી રહ્યો છે.[૨]
વ્યાવસાયિક સિદ્ધિઓ
[ફેરફાર કરો]2005 માં 15 વર્ષની ઉંમરે બાલા દેવીએ ભારતની રાષ્ટ્રીય ટીમમાં પોતાની પ્રથમ મૅચ રમી હતી.[૨]
ત્યારબાદ તેમણે પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું અને દેશ માટે સૌથી વધુ ગોલ બનાવનાર ખેલાડી બન્યાં હતાં. તેમણે ગત દાયકામાં 58 મૅચમાં 52 ગોલ નોંધાવ્યા હતા.[૨] તેમણે ડોમૅસ્ટિક ફૂટબૉલમાં 100 થી વધુ ગોલ પણ કર્યા છે.
રમતક્ષેત્રે તેમણે મેળવેલી સફળતાના પગલે 2010માં તેમને મણિપુર પોલીસમાં નોકરી મળી હતી. ભારતીય મહિલા લીગમાં તેમણે ત્રણ જુદીજુદી ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું છે. આમાં મણિપુર પોલીસ સ્પૉર્ટ્સ ક્લબનો સમાવેશ થાય છે.
બાલા દેવી ઇન્ડિયન વિમન્સ લીગની બે સીઝનમાં ટોચનાં ગોલકર્તા (સ્કોરર) રહ્યાં હતાં. 2015 અને 2016 માં બાલા દેવીને ઑલ ઈન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઈએફએફ (AIFF)) તરફથી વુમન પ્લેયર ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યાં હતાં.[૧]
જ્યારે રેન્જર્સ એફસી (FC) તરફથી તેમને ઑફર આપવામાં આવી ત્યારે તેઓ મણિપુર પોલીસ સ્પૉર્ટ્સ ક્લબ સાથે જોડાયેલાં હતાં. બાલા દેવીએ જાન્યુઆરી 2020 માં તેમની સાથે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યાં. બાલા દેવી રેન્જર્સ એફસીની ટીમ માટે 10 નંબરની જર્સી પહેરે છે. આ તે જ નંબર છે જે તેમણે ભારતીય ટીમ માટે પહેર્યો હતો.
બાલા દેવીની પહેલાં 2015 માં ગોલકિપર અદિતિ ચૌહાણ વેસ્ટ હૅમ યુનાઇટેડ માટે રમતાં હતાં પરંતુ તેમણે વ્યવસાયાત્મક કરાર પર સહી નહોતી કરી. આ સિદ્ધિ હાંસલ કરનારાં એકમાત્ર ખેલાડી બાલા દેવી જ છે.
આ કરાર ભારતય ટીમ બેંગલુરુ એફ.સી. (F.C.) સાથે રેન્જર્સની ભાગીદારીનાં પગલે શક્ય બન્યો હતો.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ https://www.bbc.com/news/world-asia-india-51369810
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ McKeever, Vicky (2020-02-19). "How Ngangom Bala Devi became India's first professional female soccer player". CNBC (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-18.