લખાણ પર જાઓ

નગીનદાસ મારફતિયા

વિકિપીડિયામાંથી

મારફતિયા નગીનદાસ તુલસીદાસ, ‘વ’, (૧૮૪૦, ૧૯૦૨) : નાટકકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીજું સ્નાતકજૂથ બહાર આવ્યું તેમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી પહેલા ગુજરાતી સ્નાતક. આ પછી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ. ૧૮૬૮માં એલએલ.બી. વડી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના મિત્ર. નર્મદે પાંચ છ જણને ભેગા કરી એક ‘લિટરરી કલબ’ શરૂ કરેલી એમાંના એક. ‘ડાંડિયો’નું નામકરણ એમણે કરેલું. ‘મહારાજ લાયબલ કેસ’માં નર્મદના વકીલ તરીકેની કામગીરી. ભક્તિ અને કીર્તનમાં વ્યવસાયને ભોગે પણ અખૂટ રસ.

ગુજરાતી નાટ્યસાહિત્યની શરૂઆત દલપતરામે કરેલા એરિસ્ટોફેનિસના ભાષાંતર ‘લક્ષ્મી નાટક’ (૧૮૫૧) અને ‘સ્ત્રી સંભાષણ’ (૧૮૫૬)થી જરૂર થયેલી, પરંતુ નાટ્યસંવિધાનની રીતે વ્યવસ્થિત માંડણીવાળી પહેલી નાટ્યકૃતિ ‘ગુલાબ’ (૧૮૬૨)નો યશ આ નાટકકારને ફાળે જાય છે. પાંચ અંકનું આ નાટક દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકોને ભેગાં કરીને બનાવ્યું હોય એવી છાપ પડે છે. બેની વચ્ચે ‘કોરસ’નો પ્રયોગ પણ લેખકે મૂક્યો છે. વહીવટની બદીઓને તાકતો એક તંતુ અને ભોગીલાલ-ગુલાબના પ્રણયને તાકતો બીજો તંતુ સંકલિત થતા ન હોવા છતાં અંગ્રેજી નાટ્યબંધની ખાસિયતો, સુરતી બોલીની લિજ્જત અને વૃત્તપ્રચુર લખાવટને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક રીતે નોંધપાત્ર બન્યું છે. એમણે આ ઉપરાંત ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માં પ્રગટ થયેલું ‘માણેક’ નાટક લખ્યું છે. ‘મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય’ નામનો નિબંધ તેમ જ ‘ડાંડિયો’નાં કેટલાંક લખાણો પણ એમનાં છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય