નવોદય વિદ્યાલય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જવાહર નવોદય વિદ્યાલય[ફેરફાર કરો]

જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર.

૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન "માનવ સંશાધન વિકાસ મંત્રી" શ્રી પી.વી.નરસિંહારાવ (જેઓ પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા)ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. સમસ્ત ભારતમાં ૫૫૦થી પણ વધારે જ.ન.વિદ્યાલય છે. દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય ખોલવાનું સ્વપ્ન શ્રી રાજીવ ગાંધીએ જોયુ હતું. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ્ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે. આ પરિક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે.

નામ જવાહર નવોદય વિદ્યાલય
સૂત્ર પ્રજ્ઞાનં બ્રમ્હ
સ્થાપના ૧૯૮૫
પ્રકાર સાર્વજનિક
માન્યતા C.B.S.E.
ધોરણ ૬ - ૧૨
પરિસરનો પ્રકાર ૭૫%ગ્રામિણ-૨૫%શહેરી
પરિસરનું ક્ષેત્ર ૫ એકર (લગભગ)
સ્થળ ભારતભરમાં
સંભાગ ભોપાલ,શીલોંગ,લખનૌ,પટના,
હૈદરાબાદ,પૂના,જયપુર,ચંદીગઢ
વેબસાઇટ નવોદય

વ્યવસ્થા[ફેરફાર કરો]

નવોદય વિદ્યાલયની સાંકળની વ્યવસ્થા નવોદય વિદ્યાલય સમિતી દ્વારા સાચવવામાં આવે છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયની દેખરેખમાં કામ કરતી આ સ્વયં-સંચાલિત સંસ્થા છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના યુનિયન મીનિસ્ટર આ સમિતીના ચેરપર્સન પદે બિરાજે છે. રાજ્યકક્ષાના યુનિયન મીનિસ્ટર તેના વાઇસ-ચેરપર્સન પદે બિરાજે છે. સમિતીનું સહ-સંચાલન વિત્ત સમિતી અને શૈક્ષણિક-સલાહ સમિતી દ્વારા કરવામાં આવે છે.

સમિતીના ૮ સંભાગ છે અને તેમના સુગમ-સંચાલન માટે દરેક સંભાગના સંભાગીય કાર્યાલય છે. આ કાર્યાલય અલગ-અલગ રાજ્યોમાં છે. દરેક વિદ્યાલયના નીરીક્ષણ માટે એક વિદ્યાલય સલાહ સમિતી અને એક વિદ્યાલય વ્યવસ્થા સમિતી હોય છે. જિલ્લા મેજીસ્ટ્રેટ (સંબધિત જિલ્લા પ્રમાણે) વિદ્યાલય સમિતીના ચેરમેન હોય છે. સ્થાનિક વિદ્વાનો અને સાર્વજનિક કાર્યકર્તાઓ આ વિદ્યાલય સમિતીના સભ્યો હોય છે. નવોદય વિદ્યાલય સમિતીનું વડુ-કાર્યાલય નવી દિલ્હીમાં છે.

પ્રવેશ પધ્ધતિ[ફેરફાર કરો]

આ શાળાઓમાં તેજ્સ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા થાય છે જે CBSE દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને તેમને ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવે છે. ૧૯૯૮ સુધી આ પરિક્ષાઓ NCERT દ્વારા લેવામાં આવતી હતી. આ પરિક્ષા મુખ્યત્વે વૈકલ્પિક અને મોટેભાગે બીન-શાબ્દિક હોય છે. આ પરિક્ષાપત્રો ગ્રામિણ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે.

હવે ૯ અને ૧૧ ધોરણમાં પણ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પણ વૈકલ્પિક અને મુદ્દાસર પરિક્ષા (અંગ્રેજી,ગણિત,વિજ્ઞાન અને સમાજવિદ્યા વિષય પર)દ્વારા આપવામાં આવે છે. આ વચગાળાનો પ્રવેશ જૂના વિદ્યાર્થીઓના શાળા છોડી જવાથી પડેલા ખાલી સ્થાન ભરવા માટે આપવા આવે છે.

લાયકાત[ફેરફાર કરો]

નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષામાં બેસવા માટેની લાયકાત નીચે પ્રમાણે છે- ૧. વિદ્યાર્થી કોઇપણ સરકાર માન્ય શાળાના ધોરણ ૫ માં ભણતો હોવો જોઇએ. ૨. તેની ઉંમર ૯-૧૩ વચ્ચે હોવી જોઇએ. ૩. ગ્રામિણ સંરક્ષણ માટે ધોરણ ૩,૪ અને ૫નો અભ્યાસ સરકાર માન્ય ગ્રામ્ય વિસ્તારની શાળામાંથી કર્યો હોવો જોઇએ. ૪. આ પરીક્ષામાં પ્રથમવાર ભાગ લેતો હોવો જોઇએ.

સંરક્ષણ[ફેરફાર કરો]

આ હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી શિક્ષણ પહોચાડવાનો છે માટે,દરેક જિલ્લા પ્રમાણે શાળાના ૭૫% સ્થાન ગ્રામિણ વિદ્યાર્થીઓ માટે સંરક્ષિત રાખવામાં આવે છે. એવો પ્રયત્ન કરવામાં આવે છે કે ૧/૩ ભાગના સ્થાન પર છોકરીઓને પ્રવેશ મળે. આ શાળામાં વિદ્યાર્થી ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીને ભણતર-રહેવા-જમવા થી માંડી શાળાનો ગણવેશ નિ:શુલ્ક પુરો પાડવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]