લખાણ પર જાઓ

પન્ના ધાઈ

વિકિપીડિયામાંથી

પન્ના ધાઈ(આયા) ૧૬મી સદીમાં થઇ ગયેલી એક વીરાંગના છે. તે મેવાડના રાજા સંગ્રામ સિંહ (પહેલા) (૧૫૦૯-૧૫૨૭)ના ચોથા પુત્ર ઉદય (જન્મ ૪ ઓગસ્ટ ૧૫૨૨)ની દેખરેખ માટે નિમાયેલી આયા હતી. રાજસ્થાનમાં પોતાનું ધાવણ આપનાર 'ધાઈ ' તરીકે ઓળખાય છે. તેમને પોતાનો પણ એક પુત્ર હતો જેનું નામ ચંદન હતું અને તે ઉદય જેટલી જ ઉંમરનો તેમ જ ઉદયનો મિત્ર હતો.

૧૬મી સદી એ ભારત અને હિંદુ રાજાઓ માટે કપરો સમય હતો. ઉદય કે જે આગળ જઈને મહારાણા ઉદય સિંહ તરીકે પ્રખ્યાત થયા તેમના પિતા સંગ્રામ સિંહ (રાણા સાંગા) ૧૫૨૭માં મુઘલ રાજા બાબરની વિરુદ્ધ ખાનવાના યુધ્ધમાં જખ્મી થયા હતા. તે જખ્મોનો ઇલાજ ન થઇ શકતા ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા. ત્યાર બાદ સંગ્રામ સિંહના જીવિત સૌથી મોટા પુત્ર રતન સિંહ (બીજા)ને રાજા બનાવવામાં આવ્યા. રતન સિંહની ચાર જ વર્ષની અંદર ૧૫૩૧માં રાજપાટની લાલચમાં હત્યા કરવામાં આવી હતી અને માત્ર ૧૪ વર્ષનો વિક્રમાદિત્ય(બીજો) રાજગાદીએ બેઠો. તેના કાળ દરમ્યાન તુર્કી રાજા બહાદુર શાહે ચિત્તોડ પર ૧૫૩૪માં હુમલો કર્યો હતો અને ઉદયને તેની ધાઈ પન્ના સહિત સુરક્ષા માટે 'બુંદી' મોકલવામાં આવ્યો. વિક્રમાદિત્ય નાનો હોવા ઉપરાંત એક અવિવેકી અને અક્ષમ રાજા હતો. તેણે દરબારમાં એક વાર ૧૫૩૬ની સાલમાં એક પ્રૌઢ અને પ્રતિષ્ઠિત સરદારનું અપમાન કર્યું ત્યારે અન્ય સભાસદોએ નક્કી કર્યું કે તેને કિલ્લામાં બંદી બનાવી રાખવો અને તેના સ્થાને ઉદયને રાજા જાહેર કરવો.

કારણકે ઉદય પણ નાનો(૧૪ વર્ષનો) હતો, તેના કાકા પૃથ્વી રાજના (સંગ્રામ સિંહના મોટા ભાઈ) અવૈધ મનાતા પુત્ર બનબીરને વચગાળા પૂરતો કારભાર સોંપાયો હતો. પૃથ્વીરાજ મોટો હોવા છતાં સંગ્રામ સિંહ સાથે ઝઘડો થતાં તેને દેશવટો અપાયો હતો અને તેના સ્થાને સંગ્રામ સિંહને રાજા બનાવાયો હતો. બનબીર આ કારણસર પોતાને મેવાડની ગાદીનો ખરો વારસદાર માનતો હતો. તેણે વિક્રમાદિત્યની હત્યા કરી અને ઉદયને પણ મારી નાંખવા તેના ઓરડા તરફ આગળ વધ્યો જેથી રાજપાટ માટે તેના સિવાય કોઈ વારસદાર ના બચે.

પન્ના ધાઈને અન્ય દાસીઓ પાસેથી વિક્રમાદિત્યની હત્યાની જાણ થતાં જ તે ચેતી ગઈ. તે સમજી ગઈ કે બનબીર ઉદયને પણ મારી નાંખવા ચોક્કસ આવશે. ઉદયના રક્ષણ માટે તેણે પોતાના પુત્ર ચંદનને ઉદયના પાટમાં સૂવાડીને ધાબળો ઓઢાડી દીધો.

બનબીર હાંફળો-હાંફળો આવ્યો, તેણે પન્ના ધાઈને પૂછ્યું ઉદય ક્યાં છે? પન્ના ધાઈએ પલંગ તરફ ઈશારો કર્યો અને બનબીરે ચંદનને ઉદય સમજી તેની હત્યા કરી નાંખી.

૧૫૩૯માં જયારે આ હકીકત જાહેર થઇ ત્યારે ઉદયસિંહ ૧૭ વર્ષના થઇ ચૂક્યા હતા અને રાજા બનાવામાં આવ્યા. આ એજ ઉદયસિંહ કે જે મહા-બળવાન મહારાણા પ્રતાપસિંહના પિતા હતા.