લખાણ પર જાઓ

ભૂપેન્દ્ર ત્રિવેદી

વિકિપીડિયામાંથી

ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ (૯-૯-૧૯૧૩) : વિવેચક, સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૬માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૭થી ૧૯૭૨ દરમ્યાન ઈસ્માઈલ કૉલેજ, મુંબઈ, ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને ગુજરાત કૉલેજ, અમદાવાદમાં જુદે જુદે સમયે અધ્યાપન. થોડો વખત ‘શ્રી ફોર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ના સંપાદક.

પરિચયપુસ્તિકા ‘અખાની કવિતા’ (૧૯૬૯) તેમ જ ‘અખો’ (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ૧૯૭૮) અને ‘અખો’ (સાહિત્ય અકાદમી, ૧૯૮૨) એમનાં મુખ્ય પ્રદાન છે.

એમણે કરેલાં સંપાદનોમાં ‘અખેગીતા’ (૧૯૫૮), ‘લીલાવતી જીવનકલા’ (૧૯૬૧), ‘નંદશંકર જીવનચરિત્ર’ (૧૯૬૧), ‘મીરાંના પદો’ (૧૯૬૨), ‘મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો અને જીવન કવન’ (૧૯૬૯), ‘શિવદાસકૃત કામાવતી’ (૧૯૭૨), ‘અખા ભગતના છપ્પા-દશ અંગ’ (૧૯૭૨) વગેરેનો સમાવેશ થાય છે; તો સહસંપાદનોમાં ‘નરસિંહકૃત જ્ઞાનગીતા’ (૧૯૬૪), ‘અખાકૃત અનુભવબિન્દુ’ (૧૯૬૪), ‘પૃથ્વીચન્દ્રચરિત’ (૧૯૬૬), ‘માધવાનલ કામકંદલા પ્રબંધ’- અંગ ૬ (૧૯૭૫), ‘અખા ભગતના છપ્પા’- ભા.૧, ૨, ૩ (૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૨), ‘અખા ભગતનાં ગુજરાતી પદ’ (૧૯૮૦) વગેરે ઉલ્લેખપાત્ર છે. એમણે ‘પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ’ (૧૯૫૪), ‘ભરતમુનિનાટ્યશાસ્ત્ર’- અધ્યાય ૧ થી ૭ (૧૯૬૭) જેવા અનુવાદગ્રંથો પણ આપ્યા છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય