લખાણ પર જાઓ

માઈક્રોસોફ્ટ ઓફિસ

વિકિપીડિયામાંથી

માઇક્રોસોફ્ટ ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ વિકસાવેલું એપ્લિકેશન, સર્વર અને સર્વિસ માટેનું ઓફિસ સુટ છે.  બિલ ગેટ્સે સર્વપ્રથમ 1 ઓગસ્ટ, 1988ના રોજ લાસ વેગાસમાં આયોજિત કોમડેક્સ (COMDEX, કમ્પ્યુટર ડીલર્સ એક્ઝિબિશન)માં માઇક્રોસોફ્ટ ઓફિસ વિશે ધોષણા કરી હતી. ઓફિસના પહેલા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટનો સમાવેશ થતો હતો.

વર્ષો વીતતાં ઓફિસની એપ્લિકેશન્સ નક્કરપણે વદ્ધિ પામતી ગઈ અને એમાં કોમન સ્પેલ ચેકર, ઓલે ડેટા ઇન્ટિગ્રેશન અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ જેવા શેર થઈ શકે એવા ફિચર્સ ઉમેરાતાં ગયાં. માઇક્રોસોફ્ટે ઓફિસ બિઝનેસ એપ્લિકેશન્સ બ્રાન્ડ હેઠળ ઓફિસને લાઇન-ઓફ-બિઝનેસ માટે એક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કર્યું. 10 જુલાઇ 2012ના રોજ સોફ્ટપિડીયાએ પોતાના અહેવાલમાં ટાંક્યું કે દુનિયાભરના એક અબજ કરતાંય વધારે લોકો ઓફિસનો ઉપયોગ કરે છે. 

અલગ અલગ વપરાશકર્તાઓ અને કમ્પ્યુટિંગ એન્વાયન્મેન્ટને ધ્યાનમાં રાખીને ઓફિસનાં ઘણાં વર્ઝન વિકસાવવામાં આવ્યાં છે. ડેસ્કટોપ વર્ઝન એ સૌથી પહેલું અને સૌથી વધારે વપરાશમાં લેવાયેલું વર્ઝન છે, જે વિન્ડોઝ અને મેકિન્ટોશ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતાં પર્સનલ કમ્પ્યુટરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. સૌથી તાજું ડેસ્કટોપ વર્ઝન ઓફિસ 2016 છે, જે વિન્ડોઝ અને મેકિન્ટોશ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. તે અનુક્રમે 22 સપ્ટેમ્બર 2015 અને 9 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

તાજી ગતિવિધિઓની વાત કરીએ તો, માઇક્રોસોફ્ટે ઓફિસ મોબાઇલ (Office Mobile) વિકસાવ્યું છે. મોબાઇલ ઉપકરણો માટે ઓફિસ એપ્લિકેશન્સની આ ફ્રી-ટુ-યુઝ એટલે કે નિઃશુલ્ક આ વૃત્તિઓ છે. આ ઉપરાંત, કંપની દ્વારા માઇક્રોસોફ્ટ અકાઉન્ટના ભાગરૂપે ઓફિસ ઓનલાઇન (Office Online, જે મૂળભૂત ઓફિસ એપ્સનું વેબ-બેઝ્ડ વર્ઝન છે)નું ઉત્પાદન પણ થાય છે.