મોતીભાઈ ચૌધરી

વિકિપીડિયામાંથી
મોતીભાઈ ચૌધરી
મોતીભાઈ ચૌધરી

મોતીભાઈ ચૌધરી (૩ જુલાઈ ૧૯૨૩ - ૨૦૦૫) ગુજરાતના એક અગ્રણી લોકસેવક હતા.

તેમનો જન્મ મહેસાણા જિલ્લાના માણેકપુર ગામમાં થયો હતો. એમણે ૧૬ વર્ષની ઉંમરે મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક (બાલશિક્ષક) તરીકે કામગીરી શરૂ કરી. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી તેજસ્વી હતી. શિક્ષક તરીકે ગાંધીવિચારને અમલમાં મૂકવા પ્રયત્ન કર્યો. નોકરી છોડી સેવાદળના સૈનિક થયા અને સર્વોદય કાર્યકર તરીકે વિકસતા ગયા.

જ્યારે સહકારી પ્રવૃત્તિ પૂરતી ડોકાઈ નહોતી ત્યારે વતન માણેકપુરમાં એમણે સહકારી સિંચાઈ મંડળી સ્થાપી હતી. વીસનગરમાં આવેલા સેવાદળ છાત્રાલયના સંચાલનમાં સાંકળચંદ પટેલની સાથે એમણે સક્રિય રસ દાખવ્યો. ઉત્તર ગુજરાતમાંથી એમણે અનેક સેવાદળ સૈનિકો તૈયાર કર્યા જેમણે ગુજરાતના જાહેર જીવનને મૂલ્યનિષ્ઠ રાખવામાં ફાળો આપ્યો છે.

૧૯૭૫માં મોતીભાઈ માણસા મતવિસ્તારમાંથી ગુજરાતની ધારાસભામાં હતા ત્યારે એમણે જાહેર બાંધકામ ખાતાના મંત્રી તરીકે નમૂનારૂપ કામગીરી બજાવી હતી. પછી ૧૯૭૭માં બનાસકાંઠામાંથી અને ૧૯૮૦માં મહેસાણામાંથી લોકસભામાં ચૂંટાયા. એક જાગ્રત અભ્યાસી સાંસદ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું. બાળપણમાં ખાદીની જેમ પુસ્તકોની ફેરી કરનાર મોતીભાઈ ગુજરાતી-હિન્દીના નિષ્ણાત તો હતા જ. આ ગાળામાં એમણે અંગ્રેજીનો સ્વાધ્યાય પણ વધાર્યો, જે મહેસાણાની દૂધસાગર ડેરીના વિકાસમાં ખપ લાગ્યો. એમની આ કામગીરીની કદર રૂપે એમને ડૉ. કુરિયન ઍવૉર્ડ એનાયત થયો છે, તો એમના નિર્મળ જાહેર જીવનની કદર રૂપે એમને શ્રી વજુભાઈ શાહ પુણ્યસ્મૃતિ પારિતોષિક અર્પણ થયું છે.

મોતીભાઈનું સૌથી મોટું કામ છે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના અને સંવર્ધન. અહીં એમની પ્રિય પ્રવૃત્તિઓ ખાદી, ગોસેવા, વ્યસનમુક્તિ, ખેતી અને વૃક્ષઉછેરનું દર્શન થાય છે. એ છેલ્લા 4 દાયકાથી ગ્રામભારતીમાં વસે છે અને પોતાની સાદગી, નિખાલસતા અને સક્રિયતાથી સહુ કાર્યકરોને પ્રેરે છે. એમને કારણે અહીં સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રથી માંડીને ગુજરાત કક્ષાની અનેક શિબિરોનું આયોજન શક્ય બન્યું છે. અહીંનાં છાત્રાલયોમાં ગુજરાતમાં શ્રમજીવી બાળકોને ઓછામાં ઓછી ફીથી ભોજન અને શિક્ષણ મળે છે. જ્ઞાતિમાં બાળલગ્નો બંધ થાય એ માટે એમણે પોતે જોખમ ખેડીને પહેલ કરી. પત્ની મોંઘીબહેન અને સંતાનોનો એમને સતત સાથ મળ્યો.

૧૯૯૪ના વર્ષના દર્શક ફાઉન્ડેશનના ગ્રામસેવા માટેના ઍવૉર્ડ માટે મોતીભાઈની પસંદગી થઈ. ગ્રામજીવનના સર્વાંગી ઉત્કર્ષ માટે જીવનની સઘળી મૂડી રોકનાર મોતીભાઈ આંગળીને વેઢે ગણી શકાય એવા ઉત્તમ લોકસેવકોમાંના એક છે. બાળપણમાં સ્વામિનારાયણ સત્સંગનો લાભ મળ્યો હતો. પછી એ વિનોબાપ્રણીત પ્રાર્થનામય આધ્યાત્મિકતાના ઉપાસક બન્યા. એ શ્રમની જેમ પ્રાર્થના અને ધ્યાન પણ નિયમિત કરતા હતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]