મોહનખેડા જૈન તીર્થ

વિકિપીડિયામાંથી

મોહનખેડા જૈન તીર્થ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા પરમાર રાજવંશ દ્વારા સ્થાપિત રજવાડાના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડા ખાતે શ્વેતાંબર જૈન સમાજનું મહત્વનું તીર્થ વિકસિત થયેલ છે[૧]. શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સ્થાપિત આ તીર્થ માનવસેવાનું કેન્દ્ર બની ચૂકી છે. ગુરૂ સપ્તમી પર દરેક વર્ષે અહીં શ્રધ્ધાળુઓ ભારે સંખ્યામાં આવે છે[૨].

ઈતિહાસ[ફેરફાર કરો]

શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ દ્વારા સંવત ૧૯૩૮માં અલીરાજપુર ખાતે ચાતુર્માસ કર્યો અને ત્યારબાદ ધાર જિલ્લાના રાજગઢ ખાતે ફરી પદાર્પણ કર્યુ. આ દરમિયાન ગુરૂદેવે શ્રાવકની લુણાજી પોરવાલને કહ્યું હતું કે તમે સવારે ઉઠીને ખેડા જાઓ અને ઘાટી પર જ્યાં કંકુનો સાથિયો દેખાય ત્યાં નિશાન બનાવો અને તે જગ્યાએ એક મંદિરનું નિર્માણ કરવાનો આદેશ કર્યો. ગુરૂદેવના આદેશ મુજબ લુણાજી દ્વારા મંદિર નિર્માણ કાર્ય શરૂ કરાવવામાં આવ્યું. સંવત ૧૯૩૯માં ગુરૂદેવનો ચાતુર્માસ નજીકમાં જ થયો અને સંવત ૧૯૪૦માં તેઓ રાજગઢ નગરમાં રહ્યા. તેમણે જાહેરાત કરી કે આ તીર્થ ભવિષ્યમાં વિશાળ રૂપ ધારણ કરશે અને તેને મોહનખેડાના નામે જાણવામાં આવશે. આજે આ તીર્થ તેમના જ આશીર્વાદને કારણે મહાતીર્થ બની ચૂક્યુ છે.

મંદિર[ફેરફાર કરો]

વર્તમાન સમયમાં આ તીર્થ ખાતેના મેદાનમાં વિશાળ અને ત્રિશિખરીય મંદિર આવેલ છે. આ મંદિરમાં મૂળ નાયક ભગવાન આદિનાથની ૩૧ ઈંચ ઊંચાઈની સુદર્શન પ્રતિમા બિરાજમાન છે. અન્ય બીજી મૂર્તિઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ચિંતામણિની છે. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે સંગેમરમરના ત્રણ કલાત્મક દરવાજા આવેલ છે. ગર્ભગૃહ ખાતે શ્રી અનંતનાથજી, શ્રી સુમતિનાથજી અને અષ્ટધાતુની મૂર્તિઓ છે.

મંદિરના ઉપરના ભાગમાં એક મંદિર છે, જે તીર્થકર ભગવાન શાંતિનાથનું છે. આ ઉપરાંત ચોકમાં શ્રી આદિનાથ મંદિરનું નિર્માણ પણ કરાવવામાં આવેલ છે. ભગવાન આદિનાથની ૧૬ ફૂટ ૧ ઈંચ ઉંચાઈ ધરાવતી વિશાળ શ્યામરંગની કાયોત્સર્ગ મુખવાળી શ્વેતાંબર મૂર્તિ અષ્ટમંગલ આસન પર બિરાજેલ છે. મુખ્ય મંદિરની ડાબી બાજુ ત્રણ શિખરોવાળા પાર્શ્વનાથ મંદિરની સ્થાપના પણ કરવામાં આવેલ છે.

ગુરૂદેવના અગ્નિ સંસ્કાર મોહનખેડા ખાતે જ કરવામાં આવ્યા હતા. હાલમાં આ જગ્યા પર સ્વર્ણજડિત સમાધિ મંદિર બનાવવામાં આવેલ છે.

સામાજિક સહયોગ[ફેરફાર કરો]

આ તીર્થ ખાતે શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન ગુરૂકૂળનું સંચાલન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત પરિસરમાં શ્રી રાજેન્દ્ર વિદ્યા હાઈસ્કૂલ પણ ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અહી શ્રી ગુરૂ રાજેન્દ્ર માનવસેવા મંદિર ચિકિત્સાલય સંસ્થા પણ શરૂ કરવામાં આવેલ છે, જ્યાં ખુબ જ ઓછી ફી લઈને દાકતરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત નેત્ર સેવા યજ્ઞનું આયોજન,આદિવાસી ગામમાં શાકાહારનો પ્રચાર અને વ્યસન મુક્તિ હેતુ શિબિરનુ આયોજન કરવામાં આવે છે. તદૌપરાંત અહીં નવ હજાર ચોરસફૂટ વિસ્તાર ધરાવતી શ્રી રાજેન્દ્ર સુરિ કુંદન ગૌશાળા છે, જેમાં સર્વસુવિદ્યાયુક્ત ૪ ગોસદન આવેલ છે[૩]. આ રીતે ઘણાં સામાજિક કાર્યો સાથે પણ આ તીર્થ સંકળાયેલ છે. આ સામાજિક કાર્યોમાં શ્રી ઋષભચંદ્ર વિજયજી મહારાજની પ્રેરણા અને તેમની મહેનત ખૂબ મહત્વપૂર્ણ છે.

સંશોધન કાર્ય[ફેરફાર કરો]

શ્રી ગુરૂ રાજેન્દ્ર શોધ સંસ્થાની સ્થાપના આ તીર્થમાં કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન સાહિત્યમાં રૂચિવાળા લોકો માટે પુસ્તકાલયની સુવિધા અને શોધપરક સાહિત્યનું પ્રકાશન કરવાનો છે.

ભૌગોલિક સ્થિતિ[ફેરફાર કરો]

ધાર શહેરથી આશરે ૪૭ કિલોમીટર જેટલા અંતરે ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મોહનખેડા આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]