મોહનલાલ દેસાઈ

વિકિપીડિયામાંથી

દેસાઈ મોહનલાલ દલીચંદ, ‘એક ગ્રેજ્યુએટ’ ‘વીરભક્તિ’ (૬-૪-૧૮૮૫, ૨-૧૨-૧૯૪૫) : સાહિત્યસંશોધક. જન્મ લુણસર (જિ. રાજકોટ)માં. બી.એ., એલએલ.બી. થઈ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત. અનેક જૈન સંસ્થાઓ સાથે સંલગ્ન. ‘જૈનયુગ’ (૧૯૨૫-૧૯૩૧) તથા ‘જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરેલ્ડ’ (૧૯૧૨-૧૯૧૭)ના તંત્રી. રાજકોટમાં અવસાન.

પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનું સંશોધન-અધ્યયન એમનું મુખ્ય ક્ષેત્ર છે. એમના ગ્રંથોમાં રહેલી સાહિત્ય-ઇતિહાસની પ્રચુર સામગ્રીમાં શાસ્ત્રીય વ્યવસ્થા, ચોકસાઈને વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે. એમના બે આકારગ્રંથો છે : ‘જૈન ગુર્જર કવિઓ’ – ભા. ૧ (૧૯૨૬), ભા. ૨ (૧૯૩૧), ભા. ૩- ખં. ૧ તથા ૨ (૧૯૪૪) અને ‘જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૯૩૩). પ્રથમ ગ્રંથ એક સંકલિત વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ તરીકે આશરે ચાર હજાર પાનાંની ‘જૈન ગુર્જર કવિઓ’ની શ્રેણીરૂપે ઘણાં પરિશિષ્ટોથી યુક્ત છે; તો બીજો ગ્રંથ સંક્ષિપ્ત તરીકે ઓળખાયેલો પણ હજારેક પાનાં ધરાવતો જૈન સાહિત્યનો ઇતિહાસ છે, જે મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે.

‘જૈન ઐતિહાસિક રાસમાળા’- ભા. ૧ (૧૯૬૯), ‘કવિવર નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્વાર રાસ અને તીર્થમાલા’ (૧૯૨૦), ‘વિનયવિજ્યકૃત નયકર્ણિકા’ (ગુજરાતીમાં, ફત્તેહચંદ બાલન સાથે, ૧૯૧૦; અંગ્રેજીમાં, ૧૯૧૫), ‘જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ’ (૧૯૩૬) અને ‘જૈન કાવ્યપ્રવેશ’ (૧૯૧૨) એમનાં સંપાદનો છે. ‘શ્રીમદ્ યશોવિજ્યજી’ (અંગ્રેજીમાં), ‘સામાયિક સૂત્ર’ (૧૯૧૧), ‘જિન દેવદર્શન’ (૧૯૧૦) અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ (૧૯૬૮) એમનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય