લખાણ પર જાઓ

રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન

વિકિપીડિયામાંથી
રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીનનું આત્મચિત્ર

રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન (૧૫ જુલાઈ ૧૬૦૬ - ૪ ઓક્ટોબર ૧૬૬૯) ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી હતાં. બરૉક શૈલીના પુરસ્કર્તા એવાં રૅમ્બ્રાંની વિશ્વના મહાન ચિત્રકારોમાં ગણના થાય છે.[૧]

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

રૅમ્બ્રાંનો જન્મ ૧૫ જુલાઈ ૧૬૦૬ના રોજ લીડન, નેધરલેંડ ખાતે થયો હતો. લોટ દળવાની ચક્કીઓના માલિક અને ધનિક પિતા હાર્મેન ગૅરિત્ઝૂનના નવમા સંતાન હતાં.[૨] ૧૯૨૦માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર જૅકબ આઈઝેક્સ સ્વાનેન્બર્ગના શિષ્ય બનવા માટે તરત જ યુનિવર્સિટીનો અભ્યાસ તેમને અધૂરો મૂક્યો. ૧૬૨૩માં તેમણે ઍમ્સ્ટરડેમ જઈ ચિત્રકારો જેન પાઈન્સ અને પીટર લાસ્ટ્મેન પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને ઈટાલિયન ચિત્રકલા અંગેની પૂરી જાણકારી મેળવી. ૧૬૨૫માં અભ્યાસ પૂરો કરી લીડન આવી તેમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો અને પોતાના શિષ્યોને પણ ચિત્રકલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યુ. તેમના શિષ્યોમાંથી ગેરાર્ડ ડોઉ સૌથી વધુ જાણીતા થયા.[૧]

રૅમ્બ્રાંના પત્ની સાસ્કિયા વાન ઉલનબર્ગનું રૅમ્બ્રાંએ દોરેલું ચિત્ર

૧૬૩૧ કે ૧૬૩૨માં રૅમ્બ્રાં ઍમ્સ્ટરડેમમાં સ્થિર થયા. ૧૬૩૫ સુધીમાં તેઓ ખાસ્સા એવા જાણીતા અને સંપત્તિની ર્દષ્ટિએ એક સૌથી સફળ ચિત્રકાર બની ગયા હતા. ૧૬૩૫માં તેમણે એક ધનિક કુટુંબની કન્યા સાસ્કિયા વાન ઉલનબર્ગ સાથે લગ્ન કર્યું. ત્યારબાદ તેમના ૪ બાળકો શિશુ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા અને ૧૬૪૨માં પત્ની સાસ્કિયાના મૃત્યુ પછી રૅમ્બ્રાંના કૌટુંબીક અને આર્થિક જીવનની પરિસ્થિતિ કથળવાની શરૂ થઈ હતી.[૧]

રૅમ્બ્રાંનુ મૃત્યુ ૪ ઓક્ટોબર ૧૬૬૯ ના રોજ ઍમ્સ્ટરડેમ ખાતે થયું હતું.[૩] ઍમ્સ્ટરડેમમાં આવેલા વેસ્ટર્ન ચર્ચની કોઈ અજ્ઞાત કબરમાં તેમને એક ગરીબ વ્યક્તિની માફક દફનાવવામાં આવ્યા હતાં.

કાર્ય[ફેરફાર કરો]

રૅમ્બ્રાંનું એક ચિત્ર: 'ધ પોલિશ રાઈડર

રૅમ્બ્રાંએ આશરે ૬૦૦ તૈલચિત્રો, ૧૬૨૦ રેખાંકનો તથા ૩૦૦ એચિંગ પદ્ધતિએ તૈયાર કરેલાં છાપચિત્રોનું સર્જન કર્યું છે. તેમના સર્જન પર સૌથી વધુ અસર ઈટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની પડેલ છે.[૧]

તીવ્ર છાયાપ્રકાશના વિરોધી અભિગમથી ચિત્રિત તેમની ચિત્રસૃષ્ટિમાં અપૂર્વ મનોવૈજ્ઞાનિક નીરૂપણ જોવા મળે છે. શરીરના દેખાવ અને હાવભાવની સાથે સાથે, રૅમ્બ્રાં મનના આંતરિક મનોમંથનો પણ તેઓ કૅન્વાસ પર ચિત્રિત કરી શક્યા છે. બર્લિન મ્યુઝિયમમાં રહેલ તેમના આરંભકાલીન ચિત્ર ધ મની ચેંજર (૧૬૨૭) માં ખૂણામાં બેઠેલો ચશ્માંધારી વૃદ્ધ પુરુષ એકાઉન્ટના ચોપડાઓની થપ્પીઓથી વીંટળાયેલો અને કાર્યમજ્ઞ બતાવાયો છે. એના હાથ પાછળ રહેલ એકમાત્ર મીણબત્તીથી જ સમગ્ર ચિત્ર પ્રકાશિત થયેલું છે. અંધારિયા વાતાવરણમાં વૃદ્ધના ચહેરા પાછળ ચાલી રહેલી મથામણો આ ચિત્રનો વિષય છે. તેમના એક અન્ય આરંભકાલીન ચિત્ર સ્કૉલર ઈન હિઝ સ્ટડી માં ઊંચી છતવાળા વિશાળ અભ્યાસખંડમાં પથરાયેલ સૌમ્ય પ્રકાશનો વિષય છે.[૧]

ઍનટમી લેસન ઑફ્ ડૉ. ટુલ્પ

ઍમ્સ્ટરડૅમમાં સ્થિર થયા પછી ૧૬૩૨માં રૅમ્બ્રાંએ પોતાની ઉત્તમ કૃતિ ઍનટમી લેસન ઑફ્ ડૉ. ટુલ્પની રચના કરી. આ ચિત્રમાં તેમને નામાંકિત તબીબ ડૉ. ટુલ્પ અને અન્ય તબીબોના સત્તાવાર સમૂહ-વ્યક્તિચિત્રણમાં જૂની પ્રણાલીનો ભંગ કરીને નવી પ્રણાલીનો પ્રારંભ કરેલ છે. આ ચિત્રમાં જૂની પ્રણાલીની જેમ વ્યક્તિઓને કૃત્રિમ સ્મિત પહેરાવી હારબંધ અને અક્કડ રીતે બેસાડવાને બદલે રૅમ્બ્રાંએ ડૉ. ટુલ્પને શબ-છેદનનું પ્રત્યક્ષ નિદર્શન કરતા બતાવ્યા છે અને અન્ય તબીબોને કુતૂહલપૂર્વક ડોક લંબાવીને તેનું નિરીક્ષણ કરતા બતાવ્યા છે. ચિત્રમાં તબીબો ઉપરાંત શબ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બધાં કારણોને લીધે આ ચિત્ર સમૂહ-વ્યક્તિચિત્ર અને સ્થિતિચુસ્ત બનવાને બદલે જીવંત બની શક્યું છે.[૧]

રૅમ્બ્રાંના ચિત્રો[ફેરફાર કરો]

આત્મચિત્રો[ફેરફાર કરો]

અન્ય ચિત્રો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ મડિયા, અમિતાભ (૨૦૦૪). ગુજરાતી વિશ્વકોષ (રિ - લૂ). ખંડ ૧૮. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૫૬-૨૫૮.
  2. Bull, Duncan, et al., Rembrandt-Caravaggio, Rijksmuseum, 2006, p. 28
  3. Slive, Seymour, Dutch Painting, 1600–1800, Yale UP, 1995, p. ૮૩ ISBN 0-300-07451-4