વન મહોત્સવ
વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
ઉદ્દેશ
[ફેરફાર કરો]વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌપ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ જુલાઈ ૧૯૪૭માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃતચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિઓમાં પ્રદર્શનો, સેમિનાર, નાગરિકોને નિઃશુલ્ક છોડનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે.
આયોજકો વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી દેશના જંગલ વિસ્તારમાં વૃદ્ધિની આશા રાખે છે. જે વૈકલ્પિક બળતણ પ્રદાન કરશે, ખાદ્ય સંસાધનોનું ઉત્પાદન વધારશે, ઉત્પાદકતા વધારવા માટે ક્ષેત્રોની આજુબાજુ આશ્રય-પટ્ટો બનાવશે, પશુઓને ખોરાક અને છાંયડો પૂરો પાડશે, દુષ્કાળ ઘટાડશે અને જમીનના ધોવાણને રોકવામાં મદદ કરશે. જુલાઇનું પહેલું અઠવાડિયું એ ચોમાસાની સાથે સુસંગત હોવાને કારણે ભારતના મોટાભાગના ભાગોમાં વૃક્ષારોપણનો યોગ્ય સમય છે.