વામકુક્ષિ

વિકિપીડિયામાંથી

હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર વામકુક્ષિ એટલે ડાબે પડખે આડા પડવું. આ એક સંસ્કૃત શબ્દ છે. વામ એટલે ડાબું અને કુક્ષિ એટલે પડખું. આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે બપોરના ભોજન પછીના સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું તેને વામકુક્ષિ કહેવાય છે.

જમ્યા પછી જાગતા રહીને આડા પડખે થવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. જમ્યા પછી આપણા શરીરમાં રહેલી હોજરીને પ્રમાણમાં વધારે રક્તની જરૂર પડે છે. વામકુક્ષી કરવાથી હોજરીને જોઇતા પ્રમાણમાં રક્ત મળી રહે છે, તેમ જ પાચક રસો પણ ઝરે છે. આમ, આરોગ્યની બાબતે વામકુક્ષિ ઉપકારક છે.

વામકુક્ષિ કરતી વેળા જાગતા રહીને તેમ જ માત્ર અડધો કલાકના સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ખાસ બાબતનું ધ્યાન ન રાખવાથી આરામપ્રિય અને મેદસ્વી બની જવાય છે, તેમ જ અમ્લપિત પણ વધી જવાની શક્યતા રહે છે.