લખાણ પર જાઓ

શાંતિ ઘોષ

વિકિપીડિયામાંથી
શાંતિ ઘોષ
શાંતિ ઘોષ
જન્મની વિગત(1916-11-22)22 November 1916
કોલકાતા, બ્રિટિશ ભારત
મૃત્યુ1989 (aged 72–73)
શિક્ષણ સંસ્થાબેંગાલી વુમન્સ કૉલેજ
પ્રખ્યાત કાર્ય૧૫ વર્ષની વયે અંગ્રેજ મેજિસ્ટ્રેટની હત્યા

શાંતિ ઘોષ [૧] (૨૨ નવેમ્બર ૧૯૧૬ - ૧૯૮૯) એક ભારતીય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા જેમણે સુનિતી ચૌધરીની સાથે મળીને ૧૫ વર્ષની ઉંમરે બ્રિટીશ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હત્યા કરી હતી.[૨][૩] તેઓ સશસ્ત્ર ક્રાંતિકારી સંઘર્ષમાં તેમના સહભાગ માટે જાણીતા છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

શાંતિ ઘોષનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૧૬ના દિવસે કોલકાતામાં (અગાઉ કલકત્તા) થયો હતો.[૨] તેઓ દેશભક્ત અને પૂર્વ બંગાળના કોમિલામાં આવેલી વિક્ટોરિયા કોલેજમાં ફિલસૂફીના પ્રોફેસર, દેવેન્દ્રનાથ ઘોષના પુત્રી હતા.

ઈ.સ ૧૯૩૧માં સ્થપાયેલા છત્રી સંગઠન (ગર્લ સ્ટુડન્ટ્સ એસોસિએશન)ના તેઓ એક સ્થાપક સભ્ય હતા અને તેના સેક્રેટરી તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી.[૨] કોમિલ્લામાં ફૌઝુનિસા ગર્લ્સ સ્કૂલની એક ક્રાંતિકારી વિદ્યાર્થીની પ્રફુલ્લનંદિની બ્રહ્માથી પ્રેરિત થઈ તેઓ યુગાંતર પાર્ટીમાં જોડાયા, જે એક સશસ્ત્ર ક્રાંતિકારી સંગઠન હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય અંગ્રેજોના સંસ્થાનવાદી શાસનને ખદેડવા હત્યાઓનો રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો હતો.[૪] તેણી તલવારો, લાકડી અને હથિયારોથી આત્મરક્ષણની તાલીમ આપતી હતી.

ચાર્લ્સ સ્ટીવેન્સની હત્યા[ફેરફાર કરો]

૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ ના દિવસે, ૧૪ વર્ષીય સુનિતી ચૌધરી અને ૧૫ વર્ષીય શાંતિ ઘોષ, ક્રિસમસ પહેલાં મેજિસ્ટ્રેટને પીપર અને ચોકલેટ આપવાના બહાના હેઠળ અંગ્રેજ અમલદાર અને કોમિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ચાર્લ્સ જ્યોફ્રી બકલેન્ડ સ્ટીવેન્સની ઑફિસમાં દાખલ થઈ.[૨] જ્યારે સ્ટીવન્સએ પીપર ખાધી અને કહ્યું કે "આ સ્વાદિષ્ટ છે!" ત્યારે, શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરીએ તેમના શાલ હેઠળ છુપાયેલા સ્વચાલિત પિસ્તોલ કાઢી અને કહ્યું "વારુ આ વિષે શ્રી મેજિસ્ટ્રેટનો શું વિચાર છે?" અને ગોળી મારીને તેની હત્યા કરી હતી.

મુકદ્દમો અને સજા[ફેરફાર કરો]

આ યુવતીઓને અટકમાં લેવામાં આવી હતી અને સ્થાનિક બ્રિટીશ જેલમાં કેદ કરવામાં આવી હતી.[૨] ફેબ્રુઆરી ૧૯૩૨ માં, ઘોષ અને ચૌધરી કલકત્તાની કોર્ટમાં હાજર થયા અને તેમને આજીવન કારાવાસની કેદની સજા ફરમાવવામાં આવી. [૪] [૫] એક મુલાકાતમાં, તેઓએ જણાવ્યું હતું કે "ઘોડાના તબેલામાં રહેવા કરતાં મરવું વધુ સારું છે." ઘોષે કહ્યું કે તેમને ફાંસીની સજા આપવામાં આવી નથી તેથી તે નિરાશ છે કેમકે આમ તેઓ શહીદી મેળવી શકશે નહીં.

ઘોષને જેલમાં અપમાન અને શારીરિક શોષણનો સામનો કરવો પડ્યો અને તેમને "બીજા વર્ગનો કેદી" તરીકે રાખવામાં આવ્યા હતા.[૨] ગાંધીજી અને બ્રિટીશ ભારત સરકાર વચ્ચે માફીની વાટાઘાટોને કારણે, સાત વર્ષની સજા ભોગવ્યા બાદ, તેમને ૧૯૩૯ માં, શાંતિ ઘોષ સાથે મુક્ત કરવામાં આવી હતી.

જાહેર અને મીડિયા પ્રતિસાદ[ફેરફાર કરો]

સમકાલીન પાશ્ચાત્ય સામયિકોમાં આ હત્યાને "અર્લ ઑફ વિલિંગ્ડન"ના ભારતીયોના વાણી સ્વતંત્રતા સહિત અન્ય નાગરિક અધિકાર પર પ્રતિબંધ મુકનારા વટહુકમ સામે ભારતીય લોકોના આક્રોશના સંકેત તરીકે દર્શાવવામાં આવી હતી.[૨] ભારતીય સ્રોતોએ આ હત્યાનું કારણ પોતાની સત્તાની સ્થિતિનો દુરૂપયોગ કરી ભારતીય મહિલાઓ ઉપર બળાત્કાર કરનારા "બ્રિટીશ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સના ગેરવર્તન" સામે ઘોષ અને ચૌધરીના પ્રતિધાત તરીકે દર્શાવ્યો.

ચુકાદો જાહેર થયા બાદ રાજશાહી જિલ્લામાં પોલીસની ગુપ્તચર શાખા દ્વારા રાષ્ટ્રવાદી નાયિકાઓ તરીકે ઘોઝ અને ચૌધરીની પ્રશંસા કરતો એક પરિપત્ર મળી આવ્યો હતો. આ પોસ્ટરમાં લખ્યું હતું કે, "ધાઉ આર્ટ ફ્રીડમ્સ નાઓ, ઍન્ડ ફેમ્સ" અને તેમાં રોબર્ટ બર્ન્સની કવિતા સ્કોટ્સ વાહા હે સાથે બંને યુવતીઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા હતા.[૪]

"Tyrants fall in every foe!
Liberty's in every blow!"

[૪]

પાછળનું જીવન અને મૃત્યુ[ફેરફાર કરો]

જેલમાંથી છુટ્યા પછી, શાંતિ ઘોષ બંગાળી મહિલા કોલેજમાં ભણ્યા અને ભારતના સામ્યવાદી આંદોલનમાં ભાગ લીધો. [૨] પાછળથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. ૧૯૪૨માં, તેમણે પ્રોફેસર ચિતરંજન દાસ સાથે લગ્ન કર્યા. તેમણે ૧૯૫૨-૬૨ અને ૧૯૬૭-૬૮ દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાન પરિષદમાં સેવા આપી હતી. તેમણે ૧૯૬૨–૬૪ દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ સેવા આપી હતી. ઘોઝે અરુણ બહની નામનું પુસ્તક લખ્યું અને પ્રકાશિત કર્યું.

તેમનું ૧૯૮૯ માં અવસાન થયું હતું.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Forbes, Geraldine. Indian Women and the Freedom Movement: A Historian's Perspective.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ Smith, Bonnie G. (2008). The Oxford Encyclopedia of Women in World History. Oxford University Press, USA. પૃષ્ઠ 377–8. ISBN 978-0-19-514890-9.
  3. Smith, Bonnie G. (2005). Women's History in Global Perspective, Volume 2. University of Illinois Press.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ The Bangladesh Reader: History, Culture, Politics.
  5. "INDIA: I & My Government". Time. 1932-02-08. ISSN 0040-781X. મેળવેલ 2016-04-12.