લખાણ પર જાઓ

સંન્યાસ

વિકિપીડિયામાંથી

સંન્યાસએ સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ની માન્યતા પ્રમાણેનાં વર્ણાશ્રમ ધર્મનો ચોથો આશ્રમ છે. ભારતીય ઉપખંડના સૌથી મહત્વના તથા પ્રાચીન એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જીવનને (સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષ ગણીને) ચાર સરખા આશ્રમોમાં વહેંચી દેવામાં આવ્યું છે; બ્રહ્મચર્યાશ્રમ (જન્મથી ૨૪ વર્ષ), ગૃહસ્થાશ્રમ (૨૫-૪૯ વર્ષ) , વાનપ્રસ્થાશ્રમ (૫૦-૭૪ વર્ષ) અને સંન્યાસાશ્રમ (૭૫ વર્ષથી મૃત્યુ સુધી). સંન્યાસ ધારણ કરવો એટલે જીવનનાં આ ચોથા આશ્રમમાં પ્રવેશ કરવો, જેનો મૂળ ઉદ્દેશ છે સંસારનો અને સંસારની મોહ-માયાનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં મન પરોવવું તથા ભક્તિના પ્રચાર માટે ભ્રમણ કરવું. ભારતમાં અનેક સંન્યાસીઓ જોવા મળે છે. મોટે ભાગે સંન્યાસીઓ કોઇ મઠ કે આશ્રમ સાથે જોડાયેલા હોય છે, એટલે કે કોઈકને કોઈક સુસ્થાપિત (ગુરુ-શિષ્ય) પરંપરામાં સ્થાન ધરાવતાં હોય છે. ‘સંન્યાસ’ એ શબ્દનો અર્થ, ‘ લગ્ન ન કરવું’ અથવા કર્યું હોય તો ‘બૈરી-છોકરાંને છોડી ભગવાં ધારણ કરવાં’ એટલો જ થતો નથી. જેને જગતનો વ્યવહાર નિ:સાર લાગે છે તે બધી માયા છોડીને સંસારમાંથી નિવૃત થાય છે અને ઘરનો ત્યાગ કરી ધર્મ પ્રમાણે ચતુર્થાશ્રમ લે છે, તેથી કર્મત્યાગના આ માર્ગને સંન્યાસ એવું નામ આપવામાં આવેલ છે.