સભ્ય:Hardikp

વિકિપીડિયામાંથી

ડૉ. સુકુમાર શાહ સ્વભાવે માખણ જેવો કોમળ માણસ અને જમાદાર રાયસંગ એટલે ચપ્પાની તેજ ધાર જોઈ લો ! એની સામે નજર માંડો તોયે ઘસરકો કરી નાખે. આમ તો આ બંને અલગ વ્યવસાયના માણસો; એક ધોળા એપ્રોનમાં ફરતો દેવદૂત અને બીજો ખાખી વર્દીવાળો જમદૂત ! એકબીજાને મળવા માટેનું કોઈ કારણ ન મળે. ન મળાય તો ન મળાય; કદાચ આખી જિંદગી પણ નીકળી જાય. અને છતાં ત્રણ વાર મળવાનું શક્ય બન્યું. ત્રણેય મુલાકાતો ઐતિહાસિક બની ગઈ. પહેલી વાર એ બેય મળ્યા ચોર્યાશીની સાલમાં. ત્યારે ડૉ. સુકુમાર હજી નવાસવા ડૉકટર બન્યા હતા. સરકારી દવાખાનામાં નોકરીએ રહ્યાને માંડ એકાદ વરસ થયું હશે. એક દિવસ સાંજે સાડા છ વાગ્યે પોલીસ સ્ટેશને જઈને ઊભા રહ્યા. રાયસંગ જમાદાર માટે સાંજ એટલે સુવર્ણયુગ જેવી ગણાય. એ સમયે ઉપરી અધિકારી હાજર ન હોય; એટલે રાયસંગ રંકમાંથી રાય બની ગયા હોય. બગાસું ખાય ત્યાં બહાર ઊભેલી લારીવાળો ચાનો કપ લઈને હાજર. બૂટને અને ચામડાના પટ્ટાને પોલીશ પણ આ જ અરસામાં થઈ જાય. ઘર માટેનું શાકપાંદડું આવી જાય. જમાદાર ખુરશીમાં લાંબા થઈને પડ્યા હોય ત્યારે કામ કાંટા જેવું લાગે. પછી ભલેને એ કાંટો કોમળ હોય – ડૉ. સુકુમાર જેવો !

પટ્ટાવાળા હિંમતે જમાદારના સોનેરી સમયને પિત્તળનો કરી મૂક્યો : ‘કોઈ ફરિયાદી છે. અંદર મોકલું સાહેબ ?’ જમાદાર ખુરશીમાં સહેજ સળવળ્યા. સામે જોયું તો બારણામાં કોઈ સજ્જન ‘ઈસમ’ ઊભો હતો. ‘હા’ પાડવી પડી. ડૉ. સુકુમાર અંદર આવ્યા. ગજવામાંથી પોતાના નામવાળું વિઝિટિંગ કાર્ડ કાઢી ટેબલ પર મૂક્યું. જમાદારે કાર્ડને હાથ પણ ન લગાડ્યો. જ્યાં સુધી જીભ હલાવવાથી કામ પતે ત્યાં સુધી હાથ શા માટે હલાવવા ! ‘શું કરો છો ?’ એમણે પૂછ્યું. ‘ડૉકટર છું !’ ‘અહીં કોઈ બીમાર નથી.’ ‘હું સારવાર કરવા નથી આવ્યો; ફરિયાદ નોંધાવવા માટે આવ્યો છું.’ ‘આગળ બોલો.’ ‘હું ફિલ્મ જોવા ગયો હતો; બપોરના ત્રણથી છના શોમાં…..’ ‘ફિલ્મ ખરાબ હોય તો એની ફરિયાદ અમે લેતા નથી.’ ‘ફિલ્મ ખરાબ નહોતી, સારી હતી, ઘણી સારી.’ ‘તો એની વધામણી ખાવા માટે અહીં સુધી ધક્કો ખાધો ?’ ‘ના; શૉ છુટ્યા પછી મેં મારું કાયનેટીક સ્કૂટર ચાલુ કરવા કોશિશ કરી. ત્યારે ખબર પડી કે એની બેટરી કોઈ ચોરી ગયું છે.’ ‘તો ?’ ‘ચોરી થાય એટલે ફરિયાદ તો નોંધાવવી જ પડે ને ? અને તમારી પણ ફરજ છે કે….’ ‘પોલીસખાતાને એની ફરજ ન શીખવો. તમે તમારી ભૂલ સુધારો એટલે બસ.’ જમાદાર હવે બેઠા થઈ ગયા. ‘મારી ભૂલ ?’ ‘હા, તમારી ભૂલ…! એક નહીં પણ પાંચ પાંચ ! ગણાવી બતાવું ?’ ડૉ. સુકુમાર પૂતળું બનીને સાંભળી રહ્યા. ‘પહેલી ભૂલ તો એ કે તમે ફિલ્મ જોવા ગયા જ શા માટે ? મને તો મફતમાં જોવા મળે છે તોયે હું નથી જાતો. બીજી ભૂલ સ્કૂટર લઈને ગયા તે. ચાલીને ગયા હોત તો પગ ઓછા ચોરાઈ જાત ? ત્રીજી ભૂલ અહીં આવવાની કરી. તમને એમ છે કે આ રાયસંગ નવરો બેઠો છે તે તમારી બેટરી શોધી આપશે ? મને આજે સવારે મારું પાકીટ જ નથી મળ્યું, એક કલાક સુધી ઘરમાં શોધ્યું. છેવટે એના વગર આવ્યો છું. આમાં તમારી બેટરી ક્યાંથી મળવાની ? ચોથી ભૂલ તમારી સમજણ અંગેની છે. તમે એમ માનો છો કે ચોરાયેલી બેટરી એમ ને એમ મફતમાં મળી જશે ? એ મેળવતાં નાકે દમ આવી જશે દમ. બીજી પાંચ બેટરી જેટલો ખર્ચ થઈ જશે. અને પાંચમી ભૂલ કઈ એ સમજ્યા ? કે એ પણ મારે જ કહેવી પડશે ?’ ‘તમે કહેશો તો જ ખબર પડશે ને ?’ સુકુમાર સાવ નરમઘેંશ હતો. ‘અરે, ડૉક્ટર ! તમને એટલું ભાન નથી ? ચોર ખાલી બેટરી જ ચોરી ગયો છે ને ? સ્કૂટર તો હેમખેમ મૂકી ગયો છે ને ? જાવ, માતાજીના મંદિરે શ્રીફળ વધેરીને ઘરભેગા થઈ જાવ. ઘરવાળી માટે પેંડાયે લેતા જજો.’ પછી પાછા ખુરશીમાં લાંબા થઈને ડૉક્ટર સાંભળે એમ બબડ્યા : ‘માણસો પણ માથાના મળે છે ને કાંઈ ! શું જોઈને ફરિયાદ કરવા ચાલ્યા આવતા હશે ? મારી તો કારણ વગર સાંજ બગાડી નાંખી ને ?’ ડૉ. સુકુમાર પાનખરના ઝાડ જેવા, ઈસ્ત્રી કર્યા વગરના કપડાં જેવા, શૂન્ય રનમાં આઉટ થયેલા બેટ્સમેન જેવા થઈને પાછા ફર્યા. આ એમની જમાદાર સાથેની પહેલી મુલાકાત. બીજી મુલાકાત લેવી પડે એવા સંજોગો ઊભા થયા પૂરા બાર વર્ષ પછી; એ પણ રાત્રે દોઢ વાગ્યે ! ડૉ. સુકુમાર સરકારી દવાખાનામાં નોકરી કરતા હતા. ઘરે સ્કૂટરને બદલે કાર હતી. છન્નુના ડિસેમ્બરની એક રાત્રે નાટક જોવા માટે ગયા. રાત્રે એક વાગ્યે છૂટ્યા. ગાડીમાં બેસવા જતા હતા, ત્યાં એમણે એક લાલ રંગની મારુતિવાનને પૂરઝડપે રીવર્સમાં આવતી જોઈ. મારુતિવાળા પણ નાટક જોવા જ આવ્યા હશે. ડ્રાઈવરને અંધારામાં ઊભેલી ડૉક્ટરની કાર દેખાણી નહીં હોય એટલે જોરથી અથડાઈ. ધમાકાના અવાજથી ચોંકીને મારુતિવાળાએ ગાડી ભગાવી મૂકી. ડૉકટરની ગાડીમાં મોટો ગોબો પડી ગયો. ડૉક્ટરે નાસતી મારુતિનો નંબર નોંધી લીધો અને સીધા પહોંચી ગયા પોલીસ સ્ટેશને. જમાદાર રાયસંગ અત્યારે નાઈટડ્યુટી પર હતા. રીટાયર્ડ થવા આડે હવે માંડ એકાદ વરસ બચ્યું હતું. જોકે પ્રેક્ટિકલી સ્પીકિંગ તો રાયસંગ નોકરીમાં જોડાયા અને બીજા દિવસથી જ નિવૃત્તિ ભોગવી રહ્યા હતા. આરામ જ્યારે આદત બની ગયો હોય ત્યારે ફરિયાદી નખની નીચે વાગેલી ફાંસ જેવો લાગે એ સ્વાભાવિક છે. ‘બોલો, શું આવ્યા છો ?’થી વાતનો આરંભ થયો ને પાંચ ભૂલો ગણાવવા સાથે ડૉક્ટરની ફરિયાદનો નિકાલ આવ્યો. એમાં પણ પાંચમી ભૂલ તો એમણે ડૉ. સુકુમારની ખોપરીમાં ખીલો ઠોકતા હોય એમ ઠોકી : ‘ગાડીમાં ખાલી આવડું અમથું પતરું જ બેસી ગયું છે, આખી ગાડી તો ભાંગીને ભૂકો નથી થઈ ગઈ ને ? શૂળીનો ઘા સોયથી ટળ્યો એમાં ભગવાનનો પાડ માનો. જાવ, મંદિરે શ્રીફળ વધેરીને ઘરભેગા થઈ જાવ. સો-બસો રૂપરડીના નુકશાનમાં અમારી ઊંઘ ખરાબ કરવા શું જોઈને દોડ્યા આવતા હશો ?’ માખણ જેવા માણસની ચાકુ સાથેની બીજી મુલાકાત આ સંવાદ સાથે પૂરી થઈ. બીજા બે વર્ષ પસાર થઈ ગયાં. રાયસંગ હવે જમાદાર મટી ગયા હતા. નિવૃત્ત થઈ ગયા હતા. કપડાં પર ચડાવેલી આર ઓસરી ગઈ હતી. ચા-ખાંડ કે પાન-બીડી માટે હવે નાણાં ખર્ચવા પડતા હતા. ત્રણ દીકરીઓને સાસરે વળાવી દીધી હતી. એક હજી કુંવારી હતી. દીકરો નોકરી વગર રસ્તા માપતો હતો. એવામાં જ રાયસંગના માથે આભ તૂટી પડ્યું. જુવાન દીકરી શોભના બહુ રૂપાળી હતી. એક દિવસ એની બહેનપણીઓ જોડે ગામ બહાર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગઈ તે પાછી જ ન આવી. બહેનપણીઓએ રડતાં રડતાં સમાચાર આપ્યા કે શોભનાને કોઈ ગુંડાઓ ઉઠાવી ગયા. ગાડીમાં આવ્યા, શોભનાને ખેંચી લીધી અને ગાડી ભગાવી મૂકી. કાં તો નરી હવસનું પરિણામ, કાં તો જમાદાર સાથેની જૂની અદાવત ! પોલીસખાતાની દોડધામ પછી પણ પત્તો ન લાગ્યો. ત્રીજા દિવસે શોભના પીંખાયેલા કબૂતર જેવી હાલતમાં ઘરે પાછી આવી. પોલીસ કેસ તો હતો જ; શારીરિક તપાસ માટે એને સરકારી દવાખાને લઈ ગયા. રાતના સાડા બાર વાગ્યા હતા. ડૉ. સુકુમાર ઊંઘમાંથી ઊઠીને આવ્યા. રાયસંગને એક નજરમાં ઓળખી ગયા. ખુરશીમાં બેસીને પગ લાંબા કર્યા. પછી બગાસું ખાઈને પૂછ્યું : ‘શું છે ?’ ‘સાહેબ, આ મારી દીકરીને ગુંડા ઉઠાવી ગયા. અઢી દિવસ એને ગોંધી રાખી. એની ઉપર બળાત્કાર કર્યો. તમે સર્ટિફિકેટ આપો એટલે કેઈસ આગળ વધે….’ ‘જમાદાર, હું ડૉક્ટર છું, એટલે મારી ફરજ તો નિભાવીશ જ; પણ પહેલાં તમને એક વાત કહી દઉં. આમાં ભૂલ તમારી છે. એક નહીં, પણ પૂરી પાંચ ! તમે સાંભળો કે ન સાંભળો પણ મારાથી ગણાવ્યા વગર નહીં રહેવાય. દીકરીને પેદા શા માટે કરી ? એ જુવાન થઈ ગઈ ત્યાં સુધી કુંવારી શા માટે રાખી ? ઘરમાંથી બહાર કેમ કાઢી ? ગુંડાઓ એને ઉપાડી ગયા એમાં પોલીસ ફરિયાદ શા માટે કરી ? તમે એમ માનતા હતા કે પોલીસખાતું એને શોધી કાઢશે ? અને છેલ્લી ભૂલ તમારી સમજશક્તિની છે. હજી તો શોભના પર બળાત્કાર જ થયો છે ને ? એ પ્રેગ્નન્ટ તો નથી ને ? એમ માનો કે શૂળીનો ઘા સોયથી ટળ્યો. જાવ, માતાજીને શ્રીફળ વધેરીને……’