સભ્ય:Jayesh d vora

વિકિપીડિયામાંથી

ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને જૈન ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, ભાખરી, પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી (વેડમી), ઘારી, ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં ખમણ, ઢોકળાં, પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, ઊંધીયુ, ફાફડા, ચેવડો, સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે.

ખીચડી - કે જે ચોખા અને તુવેર દાળનાં મિશ્રણ નું પકવાન છે, તેને થોડા મસાલા અને ધી સાથે પ્રેશર-કુકરમાં રાંધવામાં આવે છે, જે ગુજરાતી થાળીની પ્રસિધ્ધ વાનગી છે અને સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરોમાં બને છે. ખીચડી દાળ, કઢી, દહી, અથાણું, વિવિધ શાક, પાપડ અને દાણાંદાર દેશી ઘી, વગેરે સાથે ખાઈ શકાય છે. તે ઉપરાંત કાઠીયાવાડની જાડી કઢી અને મોળા દાળભાત પણ ઘણા પ્રખ્યાત છે. કેટલીક વાનગીઓતો ગુજરાતની ખાસીયત છે, જેમંકે વાટી દાળના ખમણ, પાટુડી, ખીચું, ઘારી, લોચો, ઉંધીયું, ઉંબાળીયું, વગેરે. આસો માસની પુનમે દુધ-પૌઆ ખાંડ ઉમેરીને ખાય તો ફાગણની પૂનમે ખજૂર-ધાણી-ચણા ખાય. જમ્યા પછી ગુજરાતીઓ મુખવાસ અથવા પાન ખાય છે. આ ઉપરાંત લાપસી: કે જે ઘઉં ના ફાડાં ની ગોળ અને ઘી મિશ્રિત એકદમ સરળ અને ખુબજ સ્વાદિષ્ટ વાનગી પણ એટલી જ મહત્વની છે. કાઠિયાવાડ માં ઘરે કોઈ મહત્ત્વ ની વ્યક્તિ આવે કે કોઈ શુભ પ્રસંગે "લાપસી ના આંધણ" મુકવાનું પણ કહેવામાં આવે છે.

કેટલીક માંસાહારી વાનગીઓ જોઇએ તો તેમાં ઘાંચીઓ દ્વારા બનાવાતું તપેલું અથવા દાલગોશ્ત જે બકરાનાં મટનમાંથી બનાંવાય છે, તે ઉપરાંત પારસીઓ દ્વારા બનાવાતું ઇંડાનું કાચું, સફેદ માછલી અને ડબ્બા ગોસ ગુજરાતમાં અને બહાર પણ ઘણા પ્રસિદ્ધ છે.

ઘીનો ઉપયોગ રસોઇમાં છુટથી થાય છે. ઉદાહરણ તરીકે ભાતમાં, ખીચડીમાં તથા રોટલી પર. ભોજન ચટાકેદાર ફરસાણ વગર અધુરૂં માનવામાં આવે છે. તરલા દલાલ લિખીત ગુજરાતી વાનગીઓનું પુસ્તક તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. ગુજરાતીઓ ખાસ કરીને રસોઇમાં સીંગતેલ નો ઉપયોગ કરે છે. જોકે, જે ગુજરાતીઓ વિદેશમાં વસવાટ કરે છે તેઓ ભોજન બનાવવામાં ત્યાં ઉપલબ્ધ સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરે છે. પરંપરાગત રીતે મસાલા બનાવવા(ખાંડવા) માટે પત્થર કે લોઢાના બનેલ ખલ-દસ્તાનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ, લોકો બ્લેન્ડર અથવા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી મસાલા બનાવે છે. દરેક વ્યક્તિ મસાલા અલગ રીતે બનાવે છે, તેથી સ્વાદ પણ દરેક ઘરમાં અલગ હોય છે. ઉત્તર ગુજરાતના લોકો રસોઇમાં ખાંડેલું સૂકું લાલ મરચું વાપરે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના લોકો તેમની રસોઈમાં લીલાં મરચાં અને કોથમીર વધારે પસંદ કરે છે. ગુજરાતી જૈનો (અને ઘણા હિન્દુઓ) તેમની રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતાં નથી. પરંપરાગત રીતે ગુજરાતી ભોજનની અંતે મુખવાસ અથવા પાન ખવાય છે. ગુજરાતનાં ઘણા ભાગોમાં, બપોરના ભોજનમાં છાસ લેવામાં આવે છે. રાત્રી ભોજન પછી દૂધ અથવા સોડા પીવાનુ ચલણ પણ હવે વધતું જાય છે. ગુજરાતી પરિવારો શરદ પુર્ણિમાની રાત ચંદ્ર પ્રકાશમાં દુધ-પૌંવા આરોગીને ઉજવે છે.

ગુજરાતી ભોજનમાં ઘણી બધી વાનગીઓ આરોગવાનો લ્હાવો લેવા જેવો છે. ગુજરાતીઓ ખાવાના શોખીન માનવામાં આવે છે, ખાસ કરીને અમદાવાદ અને સુરતના લોકો.

પહેરવેશ ભારતીય ઘરેણા જેવા કે મંગળસુત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. ખાસ કરીને ઘરેણાં ૨૨ કેરેટ સોનાં ના બનેલા હોય છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે સામાન્ય હિંદુ લગ્ન મા આમ વાત છે. પુરૂષો ખાસ કરીનેં ચેન અનેં વિંટી પહેરતા હોય છે.

વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુ નો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગો માં મળે છે. પ્રસંગો અનુસાર પુરૂષો અને સ્ત્રીઓનાં પહેરવેશમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સામાન્ય રીતે પુરૂષો પેન્ટ અને શર્ટ, જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, સ્કર્ટ, જીન્સ, ટી-શર્ટ, કુર્તા, સલવાર કમીઝ વગેરે પહેરે છે. આમ જોવા જઇએ તો પારંપરીક પહેરવેશમાં પુરૂષો ધોતી અને ઉપર કુર્તા પહેરતા હોય છે. સ્ત્રીઓ પ્રસંગો અનુસાર વિવિધ પેટર્ન અનેં કિંમતની સાડી પહેરે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે.