સભ્ય:Krimil Hariya/મનુ ભાકર

વિકિપીડિયામાંથી

મનુ ભાકર ઍરગન શૂટિંગ રમનારાં ભારતીય ખેલાડી છે જેમણે ઑલિમ્પિક માટે સ્થાન મેળવ્યું છે. તેમણે 2018 આઈએસએસએફ(ISSF) વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બે ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. તેઓ આઈએસએસએફ(ISSF) વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારાં સૌથી યુવા ભારતીય છે. તેમણે 16 વર્ષની ઉંમરે પ્રથમ વખત રાષ્ટ્રમંડલ રમતોમાં ભાગ લીધો હતો, 2018 કૉમનવેલ્થ ગેમ્સમાં તેમણે મહિલાઓની 10-મીટર ઍરપિસ્ટલ ઇવૅન્ટમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.(5)(8)

મનુ ભાકર
વ્યક્તિગત માહિતી
Nationalityભારત
જન્મ18 ફેબ્રુઆરી 2002
ગોરિયા,ઝજ્જર,હરિયાણા
Sport
રમતઍરગન શૂટિંગ

2020માં તેમને પ્રતિષ્ઠિત અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં.

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

મનુ ભાકરનો જન્મ હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં થયો હતો. તેમનાં પિતા મરીન એન્જિનિયર છે અને માતા શાળાનાં આચાર્ય છે. મનુ ભાકરની રૂચિ હંમેશા રમતોમાં રહી છે અને તેમણે બૉક્સિંગ, ઍથ્લેટિક્સ, સ્કેટિંગ અને જૂડો-કરાટે સહિતની વિવિધ રમતો રમી છે.(8)

મનુ ભાકર સામે શરૂઆતમાં પિસ્તોલ લઈને જાહેર પરિવહનમાં મુસાફરી કરવનો પડકાર હતો. તેઓ હજી સગીર વયનાં હતાં એટલે આ ગેરકાયદેસર ગણાતું હતું. તેઓ પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લઈ શકે એ માટે તેમનાં પિતાએ નોકરી છોડી દીધી હતી અને લાઇસન્સવાળી પિસ્તોલ લઈને તેમની સાથે જવાનું શરૂ કર્યું હતું.(1)

શૂટિંગ જેવી રમત જેમાં મોંઘી પિસ્તોલની જરૂર હોય છે તે રમવા માટે મનુ ભાકરને માતાપિતાની સહાયની સાથે સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ની મદદ પણ મળી. 2012ના ઑલિમ્પિક્સ પછી ભારતીય નેશનલ રાઇફલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા અને સ્પૉર્ટસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(SAI)ની આગેવાની હેઠળના યુવાનો માટેના શૂટિંગ કાર્યક્રમમાં ભારતના રોકાણનો લાભ તેમને મળ્યો છે. આ કાર્યક્રમમાં ખેલાડીઓ માટે એવા વ્યક્તિગત કોચની નિમણૂક કરવામાં આવે છે જેઓ પોતે જાણીતા શૂટર રહી ચૂક્યા છે. ભાકરને ભારતના અગ્રણી શૂટિંગ ચૅમ્પિયન જસપાલ રાણાનું માર્ગદર્શન મળ્યું હતું.[3]

વ્યાવસાયિક સિદ્ધિઓ[ફેરફાર કરો]

2017માં કેરળમાં નેશનલ ચૅમ્પિયનશિપમાં ભાકરે નવ ગોલ્ડ મેડલ મેળવીને અને રાષ્ટ્રીય રેકૉર્ડ તોડીને ખ્યાતિ મેળવી હતી. તેમણે 2017 એશિયન જુનિયર ચૅમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવીને સફળતા હાંસલ કરી હતી.(5)

મેક્સિકોના ગુઆદલહારામાં આંતરરાષ્ટ્રીય રમતગમત શૂટિંગ વર્લ્ડ કપ- 2018માં 10-મીટરની ઍરપિસ્ટલની ફાઇનલમાં ભાકરે બે વખતના ચૅમ્પિયન અલેજાન્દ્ર્રા ઝાવાલાને હરાવ્યાં હતાં. તેઓ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ મેળવનારાં સૌથી યુવા ભારતીય બની ગયાં હતાં. [2] તેમણે 2018માં આઈએસએસએફ(ISSF) જુનિયર વર્લ્ડ કપમાં ડબલ ગોલ્ડ પણ જીત્યો હતો.[3] તે જ વર્ષે 16 વર્ષની ઉંમરે તેમણે 2018 કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલા 10-મીટર ઍરપિસ્ટલ ઇવૅન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો તથા પોતાના સ્કોરથી તેમણે કૉમનવેલ્થ ગેમ્સનો એક નવો રેકૉર્ડ પણ બનાવ્યો. (6) મે 2019માં તેમણે મ્યુનિક આઈએસએસએફ વર્લ્ડ કપમાં ચોથા સ્થાને રહીને 10-મીટર ઍરપિસ્ટલ ઇવૅન્ટમાં 2021 ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કર્યું હતું. [4]

ઑગસ્ટ 2020માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક વર્ચુઅલ સમારોહમાં મનુ ભાકરને અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. (7)

સંદર્ભ[ફેરફાર કરો]