સભ્ય:Matrubhasha

વિકિપીડિયામાંથી
 માતૃભાષા અભિયાન વિશે

ગુજરાતી ભાષા માટે નિસબત ધરાવનારાં ભાષાપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા માતૃભાષા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. માતૃભાષા અભિયાન હેઠળ ગુજરાતી ભાષા પ્રત્યે સભાનતા અને ગૌરવની લાગણી જગાડવા માટેના પ્રયત્નો દ્વારા ગુજરાતની ઓળખ, ગુજરાતનો સામાજિક, કળાકીય અને પરંપરાગત વારસો જાળવવાની નિસબત ઊભી કરવાની નેમ ધરાવીએ છીએ. જેથી ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમી આ ધરોહર, પેઢી દર પેઢી સચવાતી રહે અને સમૃદ્ધ થતી રહે. માતૃભાષા અભિયાનની ભૂમિકાસંયોગીકરણ (નેટવર્ક ઑર્ગેનાઈઝેશન)નીછે. આ અભિયાનનું માળખું સંકલિત બહુકેન્દ્રિત, એકસ્તરીય અને અનૌપચારિક છે. તેમાં ગુજરાતના ખ્યાતનામ ચિંતકો, શિક્ષણવિદો, લેખકો તેમજ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તેવા લોકો પરામર્શક તરીકે જોડાયા છે • ૧. માતૃભાષા ઑલિમ્પિયાડ ગુજરાતી ભાષા વિષયક વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધાઓનું આયોજન રાજ્યભરમાં થશે , જેમાં ભાષા અંતર્ગત ‘મને ગમતું પુસ્તક વાર્તાલાપ’, વકતૃત્વ, લેખન, કાવ્યપઠન, પાદપૂર્તિ, શીઘ્ર કાવ્ય લેખન, શીઘ્ર નિબંધ લેખન, મુદ્દા પરથી વાર્તા લેખન, કોશમાંથી શબ્દ શોધવાની સ્પર્ધા, ગુજરાતી શબ્દોની અંત્યાક્ષરીની રમત-વગેરે સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવશે. કળા-સંસ્કૃતિ અભિવ્યક્તિ અંતર્ગત સુગમ સંગીત, ગરબો, લોકનૃત્ય, નાટક, એકપાત્રી અભિનય વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ભાષા ઑલિમ્પિયાડના વિજેતાઓને પારિતોષિક આપી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં પણ આવશે. • ૨. માતૃભાષા પુસ્તક કેન્દ્ર આ પ્રકલ્પ અન્વયે ત્રણ કાર્યો હાથ ધરાશે - • પુસ્તક વેચાણ કેન્દ્ર (સહયોગ ધોરણે) • પુસ્તકની પરબ (નિઃશુલ્ક પુસ્તક સ્વીકાર-અર્પણ કેન્દ્ર) • શેરી/ઘર પુસ્તકાલય (ગ્રંથ મંદિર)નું આયોજન કરવામાં આવશે. આ માટે અભિયાન પુસ્તક ચયન સમિતિ દ્વારા રસભોગ્ય પુસ્તકોનું ચયન કરવામાં આવ્યું છે. તે પુસ્તકોની સીધી ખરીદી પ્રકાશકો પાસેથી મહત્તમ વળતરે થશે. શેરી પુસ્તકાલય માટે સમયદાન, સ્થળદાન, પુસ્તકદાન, કબાટદાન મેળવવામાં આવશે. પુસ્તક પરબમાં લોકો વિના મૂલ્યે પુસ્તક આપી જશે અને અન્ય વિના મૂલ્યે લઈ જશે. પુસ્તક વેચાણ કેન્દ્રની સ્વનિર્ભરતા માટે થોડી રકમ રાખી બાકીની રકમ ગ્રાહકોને મહત્તમ વળતર પેટે આપશે. • ૩. શિક્ષણ શાળા શિક્ષણ અને અભ્યાસનાં સાધનો અંતર્ગત રસપ્રદ અને આકર્ષક પાઠ્યપુસ્તકો બને અને શૈક્ષણિક સંકુલોમાં પુસ્તકાલયો તેમજ વાચનખંડ ઉપલબ્ધ બને તેવા પ્રેરણાત્મક પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ અને અભ્યાસની પ્રક્રિયા અંતર્ગત ઇતર વાંચન વધે, વર્ગ-ખંડમાં વિદ્યાર્થીઓ સહભાગી બને, લેખન, પઠન, અભિનય વગેરે દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને તેવા પ્રયાસો કરવા ઉપરાંત ભાષા ઑલિમ્પિયાડની પૂર્વતૈયારી કરાવવી એ પણ રહેશે. શિક્ષકની સજ્જતા અંતર્ગત સેવા દરમિયાન પ્રશિક્ષણ તથા શિક્ષકની તાલીમ સંસ્થાઓ (પી.ટી.સી., બી.એડ.)માં ભાષા-સજ્જતા વધારવી. રાજ્યના ગુજરાતી ભાષાનાં શિક્ષકોનું મંડળ રચવું અને તેમની સજ્જતા સુધારવા માટેની શિબિર, કાર્યશાળા વગેરેનું આયોજન કરવું. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાના વિભાગો શરુ થાય તે અંગેના સઘન પ્રયત્નો થશે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનો યુવા-વર્ગને ઊંડાણથી પરિચય મળે તે માટે વિવિધ કાર્ય-શિબિરોનું આયોજન થશે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને કળાની જાણકારી આપવા ગુજરાતી ભાષા પરિશીલનનો કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રિય ભાષા (હિન્દી) પ્રચાર સમિતિ દ્વારા પરીક્ષાઓ લેવાય છે તેમ ગુજરાતી ભાષાની પણ વિવિધ સ્તરીય પરીક્ષાનું સહયોગી સંસ્થા સાથે રહીને આયોજન કરવામાં આવશે. • ૪. “વિશ્વ માતૃભાષા દિન” (૨૧ ફેબ્રુઆરી) ઉજવણી પોસ્ટકાર્ડ/પત્ર ઝુંબેશ કરવી, જે અન્વયે રાજ્યભરના વિદ્યાર્થીઓ અને લોકો ગુજરાતીમાં સ્વજનને પત્ર લખશે, જેમાં ગુજરાતી ભાષાનો મહિમા કરવામાં આવશે. આ પ્રકલ્પમાં જોડાયેલાં રાજ્યભરના લોકો દ્વારા “વિશ્વ માતૃભાષા દિન”ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે. દર ૨૧મી ફેબ્રુઆરીએ જાહેર રેલીનું તથા સભાઓનું આયોજન. ગુજરાતનાં કળા, સાહિત્ય અને સંસ્કૃતિને આવરી લેતાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત પુસ્તક-પ્રદર્શનનું આયોજન થશે. શાળાકીય સ્તરે વ્યક્તિગત અને જૂથ સ્પર્ધા. રસાસ્વાદના કાર્યક્રમો પણ યોજાશે. • ૫. રસાસ્વાદ મંડળો સાહિત્યિક, સાંસ્કૃતિક, કળાકીય રસાસ્વાદના કાર્યક્રમોનું આયોજન થશે અને રાજ્યનાં વિવિધ સ્થળોએ કાયમી ધોરણે રસાસ્વાદ મંડળો સ્થપાય તેવા પ્રયત્નો કરવમાં આવશે. રસાસ્વાદના કાર્યક્રમોનું વિવિધ માધ્યમો દ્વારા પ્રસારણ થાય, એ કાર્યક્રમોનું ધ્વનિમુદ્રણ કરાવી તેની જાળવણી કરવામાં આવે અને અન્યત્ર તે ઉપલબ્ધ બનાવાય તેવો પ્રયાસ થશે. • ૬. માહિતી સંચાર તકનીક (આઇસીટી) કમ્પ્યૂટર પર ગુજરાતીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે તે માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેરના વિકાસ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. કમ્પ્યૂટર દ્વારા ગુજરાતી લખવાનું અને ચકાસવાનું સરળ બને તેવા પ્રયાસો કરવા. ઇન્ટરનેટના માધ્યમ મારફત વિદ્યાર્થી, શિક્ષક તથા અન્ય લોકો સુધી પહોંચવું. માતૃભાષા અભિયાનની વેબસાઇટ મારફતે અભિયાન તથા અન્ય સંસ્થાઓ તરફથી થતી પ્રવૃત્તિની જાણકારી ઉપલબ્ધ કરવી. એક ધબકતું ચર્ચા મંચ વિકસાવવું. રસાસ્વાદના વીડિયોનું પ્રસારણ. ભાષાજ્ઞાન વધારે તેવી રમતો અને સ્પર્ધાનું આયોજન. ગુજરાતી ભાષાના વર્ગ ચલાવવા વગેરે કાર્યો કરવામાં આવશે. • ૭. પ્રસાર માધ્યમો રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, સામયિકો તથા અન્ય પ્રચાર-પ્રસારનાં માધ્યમોનો પૂરો ઉપયોગ કરી ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. વિવિધ પ્રસાર માધ્યમોના પ્રસારણમાં માન્ય ગુજરાતી લખાય, બોલાય તે માટેના સઘન પ્રયત્નો થશે.