લખાણ પર જાઓ

સભ્ય:Shahrameshb

વિકિપીડિયામાંથી

રમેશ બાપાલાલ શાહ

[ફેરફાર કરો]
Ramesh

ચાલતા રહેવાનો આ મંત્ર જાણે કે મને ગળથૂથીમાં જ મળી ગયો ! મારો જન્મ ઇ.સ.૧૯૩૭નાં સપ્ટેંબર મહિનાની ૧૦મી તારીખે; અને જોગાનુજોગ એ મહિનાના ‘કુમાર’ના અંકના માધુકરી વિભાગની કાવ્યપંક્તિ મારા કાનમાં મંત્ર ફૂંકી ગઈ ‘સખે ! વિચરવું પંથે, નહિ જ સિદ્ધિ આઘી રહે.’ અને પછી તો આજની ક્ષણ સુધી ‘કુમાર’ સાથેનું સખ્ય અતૂટ અને સતત રહ્યું છે. બાપની કાંધે બેઠેલો દીકરો વધુ દૂરનું જોઈ શકે છે એવો લાભ મને પણ ‘કુમાર’ની કાંધે બેસીને મળ્યો છે.

સુરેન્દ્રનગરની એન.ટી.એમ. હાઇસ્કૂલમાં ગણિતના શિક્ષક, વંકાણી સાહેબ વર્ગ માટે દાખલો બોર્ડ પર લખે, પણ પહેલી બેન્ચ પર બેઠેલા અમે ત્રણ મિત્રો માટે એથી અઘરો દાખલો અમારી બેન્ચ પર લખી ગણવા આપે ! અઘરું હોય ત્યાં જ હાથ મારવો એ શિક્ષણ એવું ફળ્યું કે જીવનમાં કેટલાયે અઘરાં દાખલાઓ સહજ લાગ્યા છે.

એસ.એસ.સી. પછી મુંબઈની, ‘આઇ વીલ ઍન્ડ આઇ કેન’ મુદ્રાલેખવાળી જયહિંદ કૉલેજ અને પછી ભારતીય સંસ્કાર આપતી ભવન્સ કૉલેજમાં ભણી બી.એ.ની ડીગ્રી લીધી. વ્યવસાયની પસંદગી તો અનાયાસે જ થઈ. જે.જે.આર્ટ કૉલેજમાં કળાના પાઠ ભણવાનો મોકો ન મળ્યો તો વિધાતાએ પૂરક બનીને મસ-મોટું ફલક આપ્યું અને મને ટેક્ષ્ટાઈલ પ્રિન્ટિંગ માસ્ટર બનાવી દીધો ! એ વ્યવસાયમાં ૩૩ વર્ષ કામ કરીને કરોડો મીટર કાપડ છાપવાનો --પસંદગીની ડિઝાઇનો અને એને મનભાવન ‘કલર-સ્કીમ’ આપવાનો લાભ મને આ સિવાય બીજે કયાં મળે ! છેલ્લે છેલ્લે સુરતમાં કરેલું કામ જોઈને જ વેપારીઓ ઓળખી જતાં કે આ પ્રિન્ટ આર.બી.શાહ સાહેબની છે --જાણે કે સિગ્નેચર આઇટમ !

આ વર્ષોમાં એક વહેણ સમાંતર ચાલ્યું. ‘કુમાર’ જયાં આંગળી મૂકે એ બધાં જ વિષયમાં ઊંડા ઉતરવું. સાહિત્ય-કળા-સંગીતના વિષયોમાં ‘કુમારે’ મને ખૂબ દોડાવ્યો. હું પણ દોટ મૂકીને દોડ્યો. એ વર્ષોમાં મુંબઈની આર્ટ ગૅલેરીઓમાં સતત મુલાકાત લેવાથી કેટલાયે જાણીતા ચિત્રકારોનો પરિચય થયો. જાણીતા કવિ-લેખક-ચિત્રકાર શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનો પરિચય થયો. એમણે જહાંગીર આર્ટ ગૅલેરીના પગથિયાં પર બેસી વાત વાતમાં એમની રચેલી કૃતિ ‘સૂર્ય અસ્ત હો ગયા, ગગન મસ્ત હો ગયા’ મને ગાઈ સંભળાવેલી. દરેક નવાં પ્રદર્શન વખતે એ.એ.આલમેલકર ઉદ્ઘાટનના સમયથી ખૂબ વહેલા આવી નિરાંતે ચિત્રો જોતાં, અમે તેમની સાથે થતાં અને તેઓ અમને ચિત્રકારોની કૃતિઓમાંની ખૂબીઓ સમજાવતાં. પછી તો તેમના પાયધુનીના ધરે વારંવાર જવાનું થતું. કૃષ્ણ હેબ્બાર, આરા, સાવંત, સધ્વાલકર, બી.પ્રભા જેવા અનેક કલાકારો પાસે શ્રોતા બનીને અઢળક વાતોનો ખજાનો જમા કરતો. આ બધું મને તો ‘કુમાર’ની પૂર્તિ જેવું લાગતું.

‘કુમાર’માં દર મહિને આવતા અતિ ઉત્તમ અને પ્રેરણાદાયી જીવનચરિત્રો હંમેશા એક અમીટ છાપ ઊભી કરતાં. આવા વિશિષ્ટ ચરિત્રોએ જીવન પ્રત્યે સમતોલ દષ્ટિ કેળવવાના પાઠ ભણાવ્યા છે.

૦૦૦

વર્ષોથી શત્રુંજય તીર્થની ખાસ યાત્રાએ જતાં મારા પિતાશ્રી એક વર્ષ હૃદયની બિમારીને કારણે ન જઈ શકયાં, એમને આ સતત ખૂંચ્યા કરતું. એ જોઈ મને થયું કે ઘરે બેઠાં પણ લોકો યાત્રા કરી શકે એવી ફિલ્મ બનાવવી; અને સર્જન થયું ‘વંદું વાર હજાર’ નામની દશ્ય-શ્રાવ્ય ફિલ્મનું. ઘણી સામાજીક સંસ્થાઓએ આ ફિલ્મના શૉ કર્યા અને એ દ્વારા અનેક લોકોએ આ તીર્થની ‘ભાવયાત્રા’ કરી.

૦૦૦

વ્યવસાય નિવૃત્તિ પછી મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજની સાથે નિકટતા થતાં એમના સંસ્કારપ્રેરક લખાણોનું સંપાદન કરી ‘પાઠશાળા’ નામનું દ્વૈ-માસિકનું પ્રકાશન કરવાનું મળ્યું છે, એ કામ પણ અનેક રીતે ફળ્યું. વળી એ નિમિત્તે પુસ્તક પ્રકાશનની ગમતી પ્રવૃત્તિનાં મંડાણ થયા. એમાં પણ ‘કુમાર’ નો ‘ટચ’ તો ભળ્યો જ ! નિવૃત્તિ પછી એક અન્ય પ્રવૃત્તિ પણ આદરી --લેખનની. ‘કુમાર’ તો ખરું જ, ઉપરાંત સમકાલીન, ભૂમિપુત્ર અને સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં છપાતું રહ્યું જે ગયે વર્ષે ‘પાન ખરે છે ત્યારે...’ શિર્ષકથી પુસ્તક બન્યું.

જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ‘કુમાર’નો અનન્ય સાથ રહ્યો છે. એના અનુસંધાને ‘કુમાર’ના વાર્ષિક સાંકળિયાઓની ઝેરોક્ષ ફાઈલો બનાવી અનેક રસિયાઓ સુધી પહોંચાડી. એ જ ધૂન આગળ વધારતાં ‘કુમાર-કોશ’ તરીકે ૪૦,૦૦૦થી પણ વધુ શિર્ષકોને કાઁમ્પ્યુટરની મદદથી ‘સર્ચ-એન્જિન’ બનાવી કોઈ પણ વાનગી પળવારમાં સ્ક્રીન પર આવી જાય એવી ગોઠવણ દસ વર્ષની જહેમતથી તૈયાર કરી. એટલું જ નહીં, એ બધી સામગ્રી સાથે ‘આજ’નો તાલમેલ કરી શકે એવી અનેક પૂર્તિઓ પણ ઉમેરી, ચિત્રો ઉમેર્યા, કેટલાયે ગીતો-કાવ્યોની આઁડિઓ ફાઈલો ઉમેરી, જીવનચરિત્રો સાથે દેશ-વિદેશના કેટલાયે મહાનુભવોની વિડિઆઁ ફાઈલો પણ ઉમેરી. વળી શાસ્ત્રીય સંગીત જેવી અભ્યાસપૂર્ણ લેખમાળાઓમાં આવેલાં દરેક રાગનાં આરોહ-અવરોહ-પક્કડ તથા જાણીતી ચીજોની પણ ઑડિઓ-વિડિઓ ફાઈલો ઉમેરી છે. આમ આ મૂલ્યવાન ‘કુમાર-કોશ’ને હવે મહામૂલ્યવાન બનાવી રહ્યો છું. એમાં મૂકાયેલા સર્ચ એન્જિનની કરામત તો એવી અદ્ભુત છે કે કોઈ શબ્દ (વિષય કે લેખક કે કલાકાર ઉપરાંત સંગીત, શ્રદ્ધા, કમળ, મૃત્યુ, રોગ --વગેરે કોઈપણ શબ્દ) ટાઈપ કરો કે ક્ષણ વારમાં એ શબ્દો સાથે સંકળાયેલા અને છપાયેલા લેખ કે કાવ્ય કે ચિત્ર સ્ક્રીન પર હાજર થઈ જાય !

‘કુમાર’માંથી મેં પારાવાર મેળવ્યું છે. અન્ય કોઈ પણ ઉત્સુકને આ બધું એક સાથે મળી જાય એવી મારી તમન્ના છે, જે આ ભગીરથ કાર્યને વેગવંતુ બનાવવાના પાયારૂપ છે. ‘કુમાર-કોશ’ની જેમ ગુજરાતી ભાષાના અનેક સમૃદ્ધ સામાયિકોને આ સ્વરૂપે ઉપલબ્ધ કરી લેવા જોઈએ અને આપણા આ ભવ્ય વારસાને સાચવી લેવા જોઈએ.