હર્ષદરાય ત્રિવેદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હર્ષદરાય મણિભાઈ ત્રિવેદી, ‘પ્રાસાન્નેય’(૭-૧૨-૧૯૩૩) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર.

‘ચંન્દ્રિકા’ (૧૯૫૫) એમનું ૧૧૧ પૃષ્ઠ પર ગદ્યમાં વિસ્તરેલું કથાકાવ્ય છે. ‘પ્રથમ મિલન’, ‘પરિચય’, ‘પ્રણય’, ‘વિરહ’, ‘પુનર્મિલન’, ‘ચરણ ઉત્ક્રમણ’ અને ‘સમાપન’ એમ સાત ખંડમાં પ્રણયકથાનું આયોજન સુપેરે જોઈ શકાય છે, પણ ભાષા એકદમ અપક્વ છે.

બ. ક. ઠાકોરની પ્રકાશનશ્રેણી અંતર્ગત એમણે ‘બ. ક. ઠાકોર : વ્યક્તિપરિચય’ (૧૯૭૮) માં પ્રો. ઠાકોરના વ્યક્તિત્વનાં અલગ અલગ પાસાંઓનો પરિચય કરાવ્યો છે. કુલ આઠ ખંડમાં કુટુંબ, સુધારો, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણ અને માનવતા અંગેની તેમની વિચારણાને સ્પષ્ટ કરી છે. સાતમાં ખંડમાં સાહિત્યકાર તરીકેની તેમની વ્યક્તિચેતનાને ઓળખવાનો પ્રયાસ છે. ‘વિવેચક : પ્રો. બળવંતરાય ઠાકોર’ (૧૯૭૯) માં બ. ક. ઠાકોરના વિવેચનની વીગતે છણાવટ છે. વ્યક્તિઓ, કૃતિઓ, સૈદ્ધાન્તિક મુદ્દાઓ વગેરે વિષયવ્યાખ્યાનો આપવાને તથા અવલોકનો, પ્રવેશકો લેખો લખવાને તથા ક્યાંક સંપાદનો કરવાને વિશે બળવંતરાયે જે વિવેચનપ્રવૃત્તિ કરી છે એની નિર્ભીક અને સઘન તપાસ જોઈ શકાય છે.‘પ્રો. બળવંતરાયની કવિતા’ (૧૯૮૨) માં પ્રો. ઠાકોરની કવિતાનો સમીક્ષાત્મક અભ્યાસ છે. કવિતાવિષયક કાવ્યો, પ્રેમનો દિવસ, વિરહ, ઘટનાત્મક કાવ્યો, ચિંતનાત્મક કવિતા, વિગ્રહકાવ્યો, બાળકાવ્યો, સ્થળવિષયક ને વ્યક્તિવિષયક કાવ્યો, ઠાકોરની કાવ્યબાની અને પાઠાન્તરો-એમ વિવિધ જૂથમાં ઠાકોરની કવિતાને વર્ગીકૃત કરી એને અંગેનાં કીમતી તારણો આપ્યાં છે.

પ્રો. બળવંતરાય ઠાકોર વિરચિત, સ્ત્રીસ્વાતંત્ર્ય ચર્ચતું અદ્યતન આખ્યાનક ‘નિરુત્તમા’ (૧૯૫૭) અને પ્રો. બ. ક. ઠાકોરની ‘દિન્કી’- ભા.૧-૨ (૧૯૬૯, ૧૯૭૬) એમનાં સંપાદનો છે; તો ‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ’ (૧૯૬૯) એમણે અન્ય સાથે કરેલું સંપાદન છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય