અનુભવવાદ

વિકિપીડિયામાંથી
જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા

અનુભવવાદ (અંગ્રેજી: Empiricism) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો (epistemologyનો) એક સિદ્ધાંત છે. એની મુખ્ય દલીલ એ છે કે ઈન્દ્રિયાનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, નહિ કે બુદ્ધિથી. દેખીતી રીતે જ આ અભિગમ બુદ્ધિવાદનો વિરોધી છે. પશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં મળી આવે છે. જો કે, એ વિચારણાને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય તો સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ નામના ત્રણ તત્વચિંતકોએ કરેલું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ 'experience' મૂળ ગ્રીક શબ્દ 'empeiria' પરથી ઊતરી આવ્યો છે. લૅટિનમાં તેને 'experientia' કહેવામાં આવે છે. આ બધા શબ્દો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષાનુભવનો નિર્દેશ કરતા હોવાથી, અનુભવવાદ એ ઈન્દ્રિયાનુભવવાદ તરીકે ઓળખાય છે.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

અનુભવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં રહેલાં છે. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલનાં અનુભવાદી મંતવ્યોમાંથી પ્રેરણા મેળવી મધ્યયુગના તત્વચિંતક સંત ટૉમસ એક્વીનસે એવો સિદ્ધાંત આપ્યો હતો કે જે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલું ન હોય તેવું કશું બુદ્ધિમાં આવી શકે નહિ. આમ જ્ઞાન માત્ર ઈન્દ્રિયાનુભવ પર જ આધાર રાખે છે એવો દાવો એમણે કરેલો.[૧]

જૉન લૉક

બ્રીટીશ તત્વચિંતક જૉન લૉકે એમના જાણીતા ગ્રંથ Essay Concerning Human Understandingમાં જ્ઞાનના ઉદભવસ્થાન, એની નિશ્ચિતતા અને એની મર્યાદા અંગેની મીમાંસા રજૂ કરી છે. આ પુસ્તકમાં બુદ્ધિવાદીઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એવી દલીલ કરી છે કે જન્મ સમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે. માણસના મનમાં જે કોઈ વિચારો આવે છે તેનું મૂળ અનુભવ અને કેવળ અનુભવ જ છે. અંતર્નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ દ્વારા માણસના મનમાં જે વિચારો પ્રથમ આવે છે તેને લૉકે સરળ વિચારો કહ્યાં. માનવમન નિષ્ક્રિય રીતે સરળ વિચારો ગ્રહણ કરે છે અને તે પછી સક્રિય થઈને સરળ વિચારોમાંથી જટિલ વિચારોની રચના કરે છે.[૧]

ડેવિડ હ્યૂમ
ડેવિડ હ્યૂમે અનુભવવાદને તત્વજ્ઞાનની અન્ય શાખાઓ સાથે જોડેલો.

ચુસ્ત અનુભવવાદી તરીકે જાણીતા ડેવિડ હ્યૂમે એવી દલીલ કરેલી કે આપણા મનમાં જે કંઈ જ્ઞાનસામગ્રી છે તેનું ઉદભવસ્થાન ઈન્દ્રિયસંવેદનો જ છે. હ્યૂમના મતે આપણી જ્ઞાનસામગ્રી બે ઘટકોની બનેલી હોય છે: ઈન્દ્રિયસંવેદનો અને વિચારો. આમાં ઈન્દ્રિયસંવેદનો મૂળભૂત છે જ્યારે વિચારો ઈન્દ્રિયસંવેદનોના પરિણામે વિકસતા હોય છે. હ્યૂમના મતે કોઈ પણ તત્વ વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે કે નહિ એનો નિર્ણય કરવાની તાત્વિક પદ્ધતિ એ તત્વને લગતા કોઈ ઈન્દ્રિયાનુભવની તપાસ કરવાની છે. જો આવી તપાસ કરતાં કોઈ ઈન્દ્રિયાનુભવ મળી ન આવે તો એ તત્વનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહિ. આ પદ્ધતિ પ્રયોજીને હ્યૂમે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો પણ ઈન્કાર કર્યો હતો. કેમ કે એ બન્નેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય નહિ. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બક્ષી, મધુસૂદન; યાજ્ઞિક, જ.આ. (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧ (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૦૮.