શ્રેણી:તત્વજ્ઞાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તત્વજ્ઞાન (Philosophy)ને લગતા લેખો. Philosophy : Love for Wisdom by Kardam Acharya.

Online Philosophy Education...

Philosophy = Philo(પ્રેમ) + Sophia(ડહાપણ) Philosophy = Love for Wisdom, જ્ઞાન માટે અનુરાગ

તત્વજ્ઞાન = જીવનતત્વ, જીવનનાં મૂળભૂત તત્વ (કે તત્વો)ને જાણવા અને સમજવા માટેનો પ્રયત્ન. જયારે આપણે મૂળ તત્વને જાણીએ છીએ ત્યારે જીવનના અન્ય તમામ રહસ્યો આપોઆપ ખુલવા માંડે એ પ્રક્રિયા તત્વજ્ઞાન છે.

દર્શનશાસ્ત્ર = શાસ્ત્ર એટલે વિજ્ઞાન*, ચોક્કસ વિષય અંગેનું નિશ્ચિત પદ્ધતિથી મેળવેલું જ્ઞાન, વિદ્યા. દર્શન એટલે જોવું, નિહાળવું, નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું, તપાસવું, વિશ્લેષણ કરવું, સંશ્લેષણ કરવું, વર્ગીકરણ કરીને ચકાસવું અને અખંડિત રીતે સમજવું, બધા પાસાંઓમાં જોવું અને બૃહદ દર્શનમાં ઓળખવું.

  • શાસ્ત્ર એટલે વિજ્ઞાન. વિજ્ઞાન બે પ્રકારના છે. પ્રકૃતિવિજ્ઞાન _Nature Sciences અને માનવવિજ્ઞાન_Human Sciences. રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અંતરિક્ષશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને એ તમામ વિજ્ઞાનોની ઉપશાખાઓ પ્રકૃતિવિજ્ઞાન છે. ગણિત અને તકનીકીવિદ્યાઓ પણ છે. આ સમગ્ર ચર-અચર સુષ્ટિને લગતા તમામ પાસાંઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખાઓ છે. માનવવિજ્ઞાન એ મનુષ્યનો અન્ય પદાર્થ, રસાયણ કે જીવની જેમ નહિ પણ અલગ એવા માનવીય અભિગમથી વૈજ્ઞાનિક અભ્યાસ કરતી શાખા છે. એમાં સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ, કળા અને સાહિત્ય તથા સૌંદર્યશાસ્ત્ર જેવા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે.

પ્રકૃતિવિજ્ઞાન અને માનવવિજ્ઞાન પરસ્પરાવલંબી છે. માનવજીવન પ્રકૃતિના નિયમોથી પર નથી એમ વિજ્ઞાન પણ માનવીય મનની શોધ હોઈ માનવવિદ્યા એને પણ સ્પર્શે જ. પ્રત્યેક વિજ્ઞાન પછી એ પ્રાકૃતિક હોય કે માનવસંબંધિત, એનો એક ચોક્કસ અભ્યાસવિષય હોય છે. સમગ્ર જીવનનો અખંડિત અભ્યાસ કરવા માટે વિજ્ઞાન આ પ્રકારની મુખ્ય બે શાખાઓ અને એની અનેક પેટાશાખાઓ રૂપે કાર્યરત છે. મનોવિજ્ઞાન એ 'મનુષ્ય અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન' છે અને રસાયણશાસ્ત્ર એ 'જીવ અને જગતમાં વ્યાપ્ત રસાયણોનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખા' છે, એ જ રીતે અર્થશાસ્ત્ર મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે અને બ્રહ્માંડવિજ્ઞાન અંતરિક્ષના પદાર્થોનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખા છે. એવી રીતે દર્શનશાસ્ત્ર, ફિલોસોફી કે તત્વજ્ઞાનનો અભ્યાસવિષય શો છે તે આપણે સમજીએ.

દર્શનશાસ્ત્રનો અભ્યાસવિષય : માનવજીવનને લગતા તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને, ભૌતિક અને માનસિક કે વ્યાવહારિક અને આધ્યાત્મિક મૂલ્યોને સ્પર્શતા અથવા કહો કે માનવજીવનના તમામ મહત્વપૂર્ણ અને મૂળભૂત પ્રશ્નોમાં અંગત રીતે રસ લઇ એના ઉત્તરો શોધવા એ તત્વજ્ઞાનો અભ્યાસવિષય છે. વિજ્ઞાનની અન્ય શાખાઓ જે રીતે કોઈ એક ચોક્કસ પાસાંને લઈને જીવ, જગત અને જીવનની તપાસ આદરે છે એ રીતે જીવનની અખંડતાને તમામ પાસાંથી જોવા તપાસવાનો પ્રયત્ન એ તત્વજ્ઞાનનો અભ્યાસવિષય છે. એનો અર્થ એ નથી કે તત્વજ્ઞાનો અભ્યાસવિષય એ અન્ય તમામ વિજ્ઞાનની શાખાઓનો અભ્યાસવિષય છે. વિચારશીલ પશુ તરીકે મનુષ્યે વિચારવાનો આરંભ કર્યો હશે ત્યારે એમાંથી જ આ તમામ શાખાઓની, આ વર્ગીકરણની આવશ્યકતા ઉભી થઇ હશે. જીવનનું અખંડિત વૈજ્ઞાનિક અન્વેષણ એ દર્શનશાસ્ત્રનો પ્રધાન વિષય છે અને જીવનને અધિકૃત અને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન એ ફિલોસોફી છે. ફિલોસોફીના અભ્યાસ પૂર્વે વ્યક્તિએ ફિલોસોફર બનવું પડે છે એવી એક જૂની વ્યાખ્યા વર્ષોથી અહીં પ્રચલિત છે. એનો અર્થ શો છે તે સમજીએ. જીવનના સંદર્ભમાં આપણને આશ્ચર્ય હોય એ સ્વાભાવિક છે અને આપણને લાગતા જીવન અંગેના રહસ્યોને ઉકેલવા આપણે ઇચ્છતા હોઈએ એ પણ નૈસર્ગીક છે, પરંતુ જીવન વિશેની, આપણા પોતાના વિશેની અને જગતને સમજવાની આપણી એ જિજ્ઞાસા માટે જો આપણે શ્રદ્ધા કે આસ્થાને માની લઈએ અથવા પ્રકૃતિવિજ્ઞાન પર જ બધો આધાર રાખી લઈએ તો ત્યાં માનવમન, મસ્તિષ્ક, મનુષ્યની તાર્કિક ક્ષમતા અને બુદ્ધિનું કશું મહત્વ રહેશે નહિ. આથી વૈજ્ઞાનિક વિચારપદ્ધતિ દ્વારા સ્વતંત્ર રીતે જો જીવનને એના બધા પાસાંઓ સાથે અને અખંડિત રીતે આપણે સમજવા માંગતા હોઈએ તો તત્વજ્ઞાન આપણો વિષય બની શકે.

દર્શનશાસ્ત્રમાં કોઈ પણ વ્યક્તિ જીવન વિષે કોઈ સ્થાપિત આસ્થા કે વ્યક્તિગત માન્યતા સાથે પ્રવેશી શકે નહિ. એ સાચું છે કે જીવન વિશેની જુદી જુદી માન્યતાઓને લઈને જ આપણે આપણા વ્યક્તિગત જીવનને એક ઢાંચામાં કે બીબામાં ઢાળીને સરતાથી જીવન જીવી શકીએ પરંતુ ના ચકાસાયેલી માન્યતાઓ આપણને હંમેશા ફાયદાકારક નીવડતી નથી. પૂર્વગ્રહપ્રેરિત અને સંકુચિતદ્રષ્ટિથી પુષ્ટ એવી માન્યતાઓના આધારે આપણે ના વ્યક્તિગત જીવનને વાસ્તવિક અર્થમાં સાર્થક બનાવી શકીએ કે ના સામુહિક અર્થમાં માનવજીવનનને અર્થપૂર્ણ બનાવી શકીએ. આથી આપણે સ્વતંત્ર અને મૌલિક ચિંતન કરતા પહેલા અને સાથે સાથે કેટલાક અધિકૃત દાર્શનિકો, તત્વજ્ઞાનીઓ, વિચારકો કે ચિંતકોએ જીવન વિષે શું કહ્યું છે એ પણ સમજવું જરૂરી છે.

આ બાબતના કારણે કેટલાક લોકો એવી માન્યતા ધરાવે છે કે ફિલોસોફીમાં તો જુદાજુદા તત્વચિંતકોએ શું કહ્યું છે એ જાણવાનુ હોય છે અથવા માત્ર એ જ સમજવાનું હોય છે. વાસ્તવિકતા એથી બિલકુલ વિપરીત છે કારણ કે ફિલોસોફી એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને મૌલિક અને સ્વતંત્ર વિચારક બનવા માટેની તાલીમ આપે છે. આપણે વ્યક્તિગત માન્યતાઓ, સંકુચિત દ્રષ્ટિકોણ અને પૂર્વગ્રહોથી મુક્ત થઇ જીવન વિષે સજાગ બનીએ તથા સાર્વભૌમ એવું વિશાળ દર્શન કરી શકીએ એ માટે કેવી રીતે વિચારવું એની તાલીમ જરૂરી બની જાય છે. આ તાલીમ અન્વયે જુદા જુદા તત્વચિંતકોએ અત્યાર સુધીમાં શું કહ્યું છે અને કેવી કેવી રીતે કયા કયા પાસાં વિષે વિચાર્યું છે અથવા અત્યાર સુધીની વિચારણામાં આપણે કયા નિષ્કર્ષો સુધી આવી પહોંચ્યા છીએ એ સમજવા માટે આપણે પૂર્વવર્તી દાર્શનિકો અને વિચારકોના અભિગમો અંગે સમજવું જરૂરી છે.

સ્વતંત્ર અને મુક્ત ચિંતક બનવા માટે જે દાર્શનિકો અને તત્વચિંતકોનો આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે એમાં કોઈને પણ શ્રદ્ધાથી માની લેવાના નથી. કોઈના પણ પુસ્તકને કે એના શબ્દોને ધર્મપુસ્તક્ની જેમ પવિત્ર અને અંતિમ માનીને નહિ પણ આલોચનાત્મક રીતે, સંદેહથી તપાસવા અને મૂલવવા માટે આપણે તેઓનો અભ્યાસ કરવાનો છે. જો કે એ વાત અલગ છે કે જયારે તમે આ અભ્યાસમાં જોડાશો ત્યારે સમજાશે કે એમાં ખાસ કરીને અદ્યતન તત્વજ્ઞાનીઓ પૈકી તો તમે કદાચ જ કોઈની આલોચના કરવા સમર્થ હશો. તેઓએ જીવનનો સમગ્ર સાર કાઢીને મૂકી દીધો છે અને તમારી પાસે સહમત થવા સિવાય કોઈ અભિપ્રાય નહિ હોય છતાં ફિલોસોફી કોઈને એવું કરવા કહેશે નહિ. એથી વિપરીત, ફિલોસોફી એ સિદ્ધાંતોમાં પણ સંદેહ કરવા અને પ્રશ્ન કરવા તથા સ્વતંત્ર ચિંતન માટે પ્રેરણા આપે છે.

પ્રકૃતિ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્ય એક સજીવ તરીકે પૃથ્વી ઉપર એક લાખ વર્ષથી રહેતું પ્રાણી છે અને એની કેટલીક અનિવાર્ય આવશ્યકતાઓ માટે તથા પોતાને ટકાવી રાખવા માટે તે પ્રયત્ન કરે છે, જેમ અન્ય સજીવો પ્રયત્ન કરે છે. પરંતુ એક સજીવ કે જીવ અથવા પશુ તરીકે મનુષ્યની આવી વ્યાખ્યા પૂરતી નથી. મનુષ્ય માત્ર પદાર્થો કે રસાયણોનો સંઘ નથી, તે વનસ્પતિ કે જીવજંતુ જેવા સજીવની જેમ જીવી ને મૃત્યુ પામે એ જ મનુષ્યનું જીવન નથી. મનુષ્ય એક પશુ છે પરંતુ તે એક વિચારશીલ પ્રાણી છે. મનુષ્યે મનુષ્યની જેમ, જૈવિકની સાથેસાથે આજની સામાજિક, રાજકીય, આર્થિક, મનોવૈજ્ઞાનિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ મુજબ, માનવીય ઢાંચા મુજબ જીવવાનું છે. અન્ય પશુઓમાં અને મનુષ્યમાં જે મુખ્ય ભેદ છે એ ભાષા અને વિચારને લઈને છે. બુદ્ધિ અને શબ્દવાળા અથવા વધુ જાગૃત મનવાળા પશુ કે સજીવ તરીકે માનવીય જીવન જીવવાનું છે ત્યારે મનુષ્યની એક અલગ ઓળખ સ્વીકારવી જરૂરી બની જાય છે જે માનવવિદ્યામાં સ્વીકૃતિ પામી છે. મનુષ્યે માત્ર એક પશુની જેમ જ નહિ પણ વિચારશીલ, ભાવનાશીલ સામાજિક પ્રાણી તરીકે જીવવાનું હોઈ તે અનુકરણ, નવી અનુભૂતિઓ અને સંસ્કારોના આધારે જીવન વિશેની વિવિધ માન્યતાઓ સાથે જીવે છે. કોઈ પણ વ્યક્તિની જીવન વિશેની આવી કોઈ પણ માન્યતા એ એનું તત્વજ્ઞાન છે એવું આપણે કહેતા પણ હોઈએ છીએ. આ વ્યાખ્યા પૂરતી તો નથી છતાં તત્વજ્ઞાન વિષે સૌ આવા પ્રકારનો સંદિગ્ધ મત ચોક્કસ ધરાવે છે અને એથી એવું કહી શકાય કે તત્વજ્ઞાન વિષે દરેકના મનમાં કોઈક સમજ તો ચોક્કસપણે છે જ. બધી માન્યતાઓ તત્વજ્ઞાન નથી પણ જે માન્યતાઓ ચકાસાયેલી છે એમાંથી તત્વજ્ઞાન નિષ્પન્ન થઇ શકે.

જીવન વિશેના કેવા અભિગમ કે મતને દર્શન કે તત્વજ્ઞાન કહી શકાય એ હવે આપણે સમજીએ. એ માટે બે મુખ્ય શરતો આપવામાં આવે છે કે માન્યતા પૂર્વગ્રહરહિત અને સાર્વભૌમ હોવી જોઈએ અને આ માન્યતાઓને ચકાસવાનું ધારાધોરણ પણ છે. એમ કહી શકાય કે જીવન વિશેના તમારા દ્રષ્ટિકોણ કે તમારી જીવન અંગેની માન્યતાઓને ચકાસવી હોય તો એ પૂર્વગ્રહરહિત અને સાર્વજનીન છે કે કેમ એ જોવું જોઈએ. પૂર્વગ્રહરહિત ચિંતનનો અર્થ છે કે તે અતાર્કિક કે અબૌદ્ધિક હઠાગ્રહ ના હોવો જોઈએ અને સાર્વજનીન એટલે એ જીવનદ્રષ્ટિ કે માન્યતા સંકીર્ણ કે સંકુચિત ના હોવી જોઈએ. કોઈ એક વર્ગ કે દળમાં, જે તે દેશ અને કાળ મુજબ જે સાચી ઠરે એ બધી માન્યતાઓ સાર્વભૌમ કે સાર્વજનીન નથી હોતી પણ જે સમગ્ર માનવજાત માટે ચોક્કસ રીતે લાગુ પાડી શકાય એ દ્રષ્ટિ જ સાચી. પૂર્વગ્રહપ્રેરિત સમાજોની વર્ષોથી ચાલતી કોઈ રૂઢિ તત્વજ્ઞાન કે દર્શન નથી કારણ કે ના તો તે સાર્વભૌમ છે કે ના તો તે ચકાસાયેલી માન્યતા છે. આમ પ્રચલિત એવી કોઈ પણ માન્યતાને એ ગમે ત્યાંથી મેળવીને ગળે વળગાડવાના સ્થાને જે વિચાર્યા વગરની અને સૌના પર સમાનપણે કાર્ય કરનારી ના હોય એ માન્યતાઓને ના સ્વીકારીને જે યોગ્ય રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારપૂર્વક માન્યતાઓને ચકાસવા માંગે છે એ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે. આથી ફિલોસોફી એટલે જીવનની મૂળભૂત માન્યતાઓની આલોચનાત્મક/સમીક્ષાત્મક તપાસ. દર્શનશાસ્ત્ર માનવજીવનના વિવિધ ક્ષેત્રોને લગતી વિવિધ પ્રકારની મૂળભૂત માન્યતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરીને તેમની આલોચનાત્મક તપાસ દ્વારા તેની સ્વીકાર્યતા કે અસ્વીકાર્યતાનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે.

મેથ્યુ આર્નોલ્ડનું ગ્રીક કવિ સૉફૉક્લિસ અંગે એક કથન છે કે He saw life steadily and saw it whole અર્થાત તેઓએ જીવનને સ્થિરતાથી જોયું અને સમગ્રતયા નિહાળ્યું. પ્લેટો કહે છે Philosopher is the spectator of all time and all existence અર્થાત દાર્શનિક સમગ્ર કાળનો અને સમગ્ર અસ્તિત્વનો દ્રષ્ટા છે. આથી એમ કહી શકાય કે સર્વકાલીન અને સાર્વજનીન એવા શાશ્વત માનવીય મૂલ્યોની શોધ અથવા જીવન અંગેની તમામ માન્યતાઓને સર્વકાલીન અને સાર્વજનીન દ્રષ્ટિએ સમીક્ષાત્મક કે આલોચનાત્મક રીતે તપાસવાની વિદ્યા એ ફિલોસોફી કે દર્શનશાસ્ત્ર છે. ડાહપણ માટેનો પ્રેમ, Love for Wisdom એ જ તત્વજ્ઞાન. દર્શનશાસ્ત્ર એટલે જોવાની, અવલોકવાની, તપાસવાની, નિરીક્ષણ કરવાની, પરીક્ષણ કરવાની, ચકાસવાની, પૂર્વગ્રહરહિત અને બૃહદ દ્રષ્ટિથી સંશ્લેષણ, વિશ્લેષણ, વર્ગીકરણ, પૃથક્કરણ કરીને જીવન વિશેની તમામ માન્યતાઓના યથાર્થ નિષ્કર્ષ પર પહોંચવાની યાત્રા શીખવતું શાસ્ત્ર કે વિજ્ઞાન. માનવજીવનને લગતા તમામ વિષયોને સ્પર્શતા મૂળભૂત પ્રશ્નો પર ચિંતન કરવું ફિલોસોફીનો અભ્યાસવિષય છે ત્યારે એનો અખંડિત અને સમગ્રતાલક્ષી અભ્યાસ કરવા માટે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વર્ગીકરણ અન્વયે તત્વજ્ઞાનની વિવિધ શાખાઓમાં કઈ બાબતોનું ચિંતન, મનન કરવામાં આવે છે એ હવે સમજીએ.

1. તત્વમીમાંસા - Ontology તત્વમીમાંસામાં અંતિમ તત્વનો વિચાર કરવામાં આવે છે. આ તત્વજ્ઞાનની સૌથી મૂળભૂત શાખા છે અને મનુષ્યની વિચાપ્રક્રિયાનો વિધિવત આરંભ પણ આ જિજ્ઞાસામાંથી જ થાય છે. અહીં એવા પ્રશ્નો પર ચિંતન કરવામાં આવે છે કે જેના ઉત્તરોની માનુષ્યના સમગ્ર જીવન પર અસર થાય છે, કારણ કે આ તત્વમીમાંસા છે જેમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાખા મુખ્યત્વે જીવ, જગત અને ઈશ્વર વિશેના ચિંતનથી શરૂ થઇ હતી. જીવ એટલે કે આત્માનું સ્વરૂપ કેવું છે? શું તે શરીરથી અલગ છે? બધા મનુષ્યોમાં કોઈ એક આત્મા છે કે અલગ અલગ આત્માઓ છે? આ જન્મ પૂર્વે આત્મા બીજા કોઈ શરીરમાં હશે? અને મૃત્યુ પછી આત્માનું શું થાય છે? જન્મમરણની ઘટમાળમાંથી મુક્તિ કે મોક્ષ સંભવ છે? આ પ્રકારના પ્રશ્નોથી માંડીને આજના વૈજ્ઞાનિક વિકાસ પછી હવે આત્મા વિષે આપણે જે જાણી અને સમજી ચુક્યા છીએ ત્યારે કેવા ઉત્તરો આપણને મળ્યા અને એમાં કેવા નવા સવાલો ઉપસ્થિત થયા એ પ્રશ્નો પર સંશોધન કરવામાં આવે છે. તત્વમીમાંસામાં જીવ(આત્મા) ઉપરાંત જગત વિષે પણ પ્રારંભિક પ્રશ્નોથી વર્તમાન પ્રશ્નો સુઘીનું વિરાટ ચિંતન અભિપ્રેત છે. જગત શા માટે બન્યું? કેવી રીતે બન્યું? શામાંથી બન્યું? શું આત્મા અને અનાત્મા એટલે જડ અને ચેતન, એ બે પદાર્થોમાંથી જગત બન્યું? કે અદ્વૈતતત્વમાંથી? આવા પ્રશ્નોથી થયેલી શરૂઆત આજે આ શાખાને નવી ચેલેંન્જ આપે છે જ્યાં વિજ્ઞાને ઘણું બધું શોધી નાખ્યું છે. ઈશ્વર પણ આ શાખાની વિચારણાનો મુખ્ય વિષય રહ્યો. જુદા જુદા ધર્મસ્થળોમાં આરાધ્ય મનાતા ઈશ્વરથી માંડીને સ્પીનોઝા, શંકર, બ્રેડલી જેવા વિચારકોના ઈશ્વર- પરમતત્વની વ્યાખ્યા સુધી અનેક પ્રશ્નો આ શાખામાં છે કે ઈશ્વર એક તત્વ તરીકે, સર્જક કે પાલક તરીકે શું છે? અને ત્યાંથી માંડીને ગોડ પાર્ટિકલ સુધીની બાબતો પર સ્વતંત્ર ચિંતનાત્મક સંશોધન આ શાખાનો વિષય બને છે. આ પ્રશ્નો વિષે જે સીધી રેખામાં પ્રમાણભૂત આધારો સાથે ગહન અને વિશદ ચિંતન કરી શકે છે એની એના સમગ્ર જીવન પર અસર રહે છે, અને તત્વમીમાંસા તત્વજ્ઞાનની મૂળભૂત શાખા હોવાના કારણે ફિલોસોફીને જ લોકો તત્વજ્ઞાન કે જીવ, જગત, ઈશ્વરનું ચિંતન કરતા વિષય તરીકે ઓળખે છે. વાસ્તવમાં આ ફિલોસોફીની એક શાખા છે અને ફિલોસોફી આટલા પૂરતો મર્યાદિત વિષય નથી, પરંતુ તે મૂળભૂત અવશ્ય છે. આ શાખા મનુષ્યને તત્વનું જ્ઞાન કરાવે છે માટે એને તત્વમીમાંસા તરીકે ઓળખવામાં આવે છે.

2. સૃષ્ટિમીમાંસા - Cosmology. તત્વમીમાંસામાં જગત વિષયક ચિંતનમાં એના સર્જનના સ્ત્રોતરૂપ તત્વનું અનુસંધાન નિહિત છે તો સૃષ્ટિમીમાંસામાં એ તત્વમાંથી સૃષ્ટિનું, જગતનું કે જીવનનું સર્જન કેવી રીતે થાય છે એના પર વિચારણા કે સંશોધન કરવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનના બ્રહ્માંડવિદ્યા કે અંતરિક્ષશાસ્ત્રના નવા સંશોધનો પછી આ શાખામાં હવે ચિંતન વધુ સૂક્ષ્મ બન્યું છે. પૂર્વે કરતા ત્યાં હવે ઠોસ જ્ઞાન ઉપલબ્ધ થતાં નવી ઉપશાખાઓ વિજ્ઞાનશાખા સાથે સંબદ્ધ થઇ નવી વિચારણા તરફ ઉન્મુખ બને છે. જેમ કે બિગબેંગ થિયરી, ક્વોન્ટમ અને રિલેટીવીટી અને થિયોરી ઓફ ઇવોલ્યુશન પણ આ શાખાના ચિંતનનો મુખ્ય વિષય બને છે. સૃષ્ટિની ઉત્ક્રાંતિ પર જે સંશોધન કરવામાં આવે છે એ વિજ્ઞાનશાખા સાથે ફિલોસોફીની આ શાખા સંયુક્ત છે. સમય અને સ્થળ, ગતિ અને એવા અનેક પરિમાણોની વૈજ્ઞાનિક તપાસ એ દર્શનનો પણ વિષય છે.

3. જ્ઞાનમીમાંસા - Epistemology. કોઈ પણ માન્યતાને સીધેસીધી સ્વીકારી લેવાની વાત તો કોઈ પણ વૈજ્ઞાનિક અધ્યયન કરતી શાખામાં માન્ય નથી માટે ફિલોસોફીમાં પણ સમીક્ષાત્મક અને અલોચનાત્મક દ્રષ્ટિકોણનું જ મહત્વ રહેલું છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ બધા વિજ્ઞાનોનો હેતુ છે પણ જ્ઞાન પામવાની પ્રક્રિયા પણ વિશુદ્ધ હોય એ જરૂરી છે આથી આપણી જ્ઞાન પામવાની પ્રક્રિયા પર યથાર્થ ચિંતન કરવું એ પણ દર્શનની એક શાખા તરીકે અહીં કરવામાં આવે છે. કોઈ પણ બાબતનું જ્ઞાન થવું એટલે શું થવું? જ્ઞાન એટલે શું? જ્ઞાનપ્રાપ્તિના સાધનો ક્યાં? ઇન્દ્રિયો અને બુદ્ધિની મદદથી આપણે કશાક વિષે ચોક્ક્સ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ બન્નેમાં પ્રધાન શું અને ગૌણ શું? જ્ઞાનપ્રાપ્તિનું મુખ્ય સાધન કયું? આ બે ઉપરાંત અન્ય કોઈ સાધનો છે? શું અપ્રત્યક્ષ રીતે જ્ઞાન મળી શકે? શું અનુભૂતિઓ અને અંત:સ્ફૂરણા સત્યજ્ઞાનપ્રાપ્તિના આધાર બની શકે? આ બધા સાધનો વચ્ચે કોઈ પારસ્પરિક સમ્બન્ધ છે? આ ઉપરાંત જ્ઞેય કે જે જ્ઞાનનો વિષય છે એ જગતમાં છે કે મનમાં જ અસ્તિત્વ ધરાવે છે? અને જ્ઞાતા કે જે જ્ઞાન મેળવવા માંગે છે એ મન છે કે આત્મા? અથવા જ્ઞાતાનું મૂળ સ્વરૂપ કેવું છે? પ્રાપ્ત જ્ઞાન સત્ય છે કે અસત્ય એના નિર્ણાયક પરિબળો ક્યાં? જ્ઞાનની પોતાની મર્યાદાઓ શી છે? ફિલોસોફીના આખા ઢાંચા પર આ શાખાનો પ્રભાવ છે કારણ કે મનુષ્યની મૂળભૂત એવી જ્ઞાનક્ષમતાની તપાસ આ શાખામાં કરવામાં આવે છે.

4. તર્કમીમાંસા - Logic. મનુષ્ય એક વિચારશીલ પ્રાણી હોઈ જો એ યાથર્થ વિચાર કરતાં શીખે તો ત્યાં તત્વજ્ઞાનની સીમામાં એનો પ્રવેશ થાય છે. જીવન વિષે કોઈ માન્યતાને સીધી જ માની લેવાના વલણથી મુક્ત એની તાર્કીક તપાસ થવી જરૂરી છે અને જ્ઞાનની તાર્કીક તપાસ એ ફિલોસોફીની આ શાખાનો અભ્યાસવિષય છે. જીવન અંગેની કોઈ પણ માન્યતાના સ્વીકાર માટે પણ દર્શન અધિકૃત દલીલને પ્રમાણ માને છે અને કોઈ પણ માન્યતાને નકારવા માટે પણ એવી જ ચોક્ક્સ દલીલના પ્રમાણને ફિલોસોફી સ્વીકૃતિ આપે છે. આથી દલીલોના સ્વરૂપ અને તાર્કીક વિચારણા સાથે જ તત્વજ્ઞાનને સમ્બન્ધ હોઈ આ શાખા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વિચારણામાં અનુમાનનું મહત્વ, અનુમાનના પ્રકારો, નિગમન અને વ્યાપ્તિ, પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલો તથા વિચારણાના દોષો અને એનું નિવારણ એ ફિલોસોફિની આ શાખાનો અભ્યાસવિષય બને છે.

5. નીતિમીમાંસા - Ethics/Moral Philosophy સદાચાર અને પવિત્રતાના નિયમો, પાપ-પુણ્ય, કર્તવ્ય-ફરજ, ધાર્મિક ઉપદેશો અને ન્યાયતંત્ર તેમ જ સંવિધાનથી માંડીને જીવન જીવવા માટે પ્રત્યેક વ્યક્તિ નૈતિકતા અને અનૈતિકતા અંગેના ખ્યાલો ધરાવે છે એ માન્યતાઓની ચકાસણી કરતી ફિલિસોફીની આ શાખા છે. શા માટે આપણે અમુક કર્મોને સારા અને અન્યને ખરાબ કહીએ છીએ? નૈતિકજીવનનો આદર્શ શો છે? શું મનુષ્ય પોતાના જીવનનો ધ્યેય નક્કી કરવા માટે સ્વતંત્ર છે? કે પછી તે પરિસ્થિતિઓનો ગુલામ છે? જો પરિસ્થિતિઓ જ જે તે કર્મ માટે જવાબદાર હોય તો એના ફળની બાબતમાં મનુષ્યને શ્રેય કે દોષ આપવો કેટલું ઉચિત છે? મનુષ્યે અનુભૂતિ કે ભાવને આધારિત જીવનદ્રષ્ટિ રાખવી જોઈએ કે વિચારાધીન? આ ઉપરાંત વર્તમાન સમયમાં નવા મનોવૈજ્ઞાનિક સંશોધન પછી નૈતિકતાના મૂલ્યમાં આવેલા પરિવર્તનો બાબતે ચિંતન કરવું, ઉતક્રાંતિવાદના દ્રષ્ટિબિંદુથી માનવીય નૈતિક મૂલ્યોને સમજવા વગેરે તમામ પ્રકારનું ચિંતન, સમાજશાસ્ત્રીય અધ્યયન અને એને લગતી તપાસ વગેરે ફિલોસોફીની આ શાખાનો મુખ્ય અભ્યાસવિષય છે.

6. સમાજમીમાંસા કે સામાજિક દર્શનશાસ્ત્ર - Social Philosophy. આપણે સહુ જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, ત્યારે મનુષ્ય અને સમાજને લગતા તમામ પ્રશ્નોના ઉત્તરો શોધવાની મથામણ એ સામાજલક્ષી તત્વજ્ઞાનનો વિષય બને છે. સમાજ કુદરતી વ્યવસ્થા છે માનવનિર્મિત? આ સંસ્થાનો હેતુ શો છે? સ્વતંત્રતા, સમાનતા, બન્ધુતાના આદર્શો સ્વીકાર્ય છે? એને કેવી રીતે વાસ્તવિક જીવનમાં સ્થાપિત કરવા જોઈએ? સમાજનો ધ્યેય સિદ્ધ કરવા માટે કુટુંબ, ધર્મ, રાજ્ય, કેળવણી વગેરે સંસ્થાનોનું મહત્વ કેટલું અને કેવા પ્રકારનું છે? સમાજ માટે વ્યક્તિ છે કે વ્યક્તિ માટે સમાજ? બ્રાહ્મણ-શુદ્ર જેવા માનવવિભાજનો કે વર્ણભેદ, સર્વહારા-બુર્ઝવા કે મઝદુર અને માલિક જેવા વર્ગભેદનું મહત્વ શું છે? વર્ગવિહીન અને વર્ણરહિત સમાજવ્યવસ્થા હોવી જોઈએ? લગ્નસંસ્થા, સ્ત્રીપુરુષ સહજીવન, વ્યક્તિ અને સમાજને લગતા તમામ પાસાંઓથી માંડીને સમાજસુધારણા, ક્રાંતિ અને પ્રતિક્રાંતિ વગેરે બધા વિષયો પર સમીક્ષાત્મક અને પૂર્વગ્રહરહિત અલીચનાત્મક તપાસ કરવી એ દર્શનશાસ્ત્રની આ શાખાનો અભ્યાસવિષય છે.

7. રાજ્યમીમાંસા કે રાજકીય દર્શન - Political Philosophy. કુટુંબ, કેળવણી, ધર્મ કે સમાજની અન્ય તમામ સંસ્થાઓમાં રાજ્યવ્યવસ્થા અલગ છે કારણ કે તે અન્ય બધી વ્યવસ્થાઓની દેખરેખ અને એનું નિયમન, નિયંત્રણ કરતી શાખા છે ત્યારે એ અંગેનું મૂળભૂત ચિંતન પણ ફિલોસોફીનો જ વિષય બને છે. રાજ્ય એટલે શું? રાજ્યના હેતુઓ કયા છે અથવા રાજ્યવ્યવસ્થાનો આદર્શ શો છે? કેવા પ્રકારની શાસનવ્યવસ્થા હોવી જોઈએ અથવા ના હોવી જોઈએ? લોકશાહી, સમાજવાદ, સામ્રાજ્યવાદ, સામ્યવાદ, મૂડીવાદ કે અન્ય પ્રકારોમાં કેવા લાભાલાભ છે? નાગરિકના હક અને ફરજ, રાજ્યના નિયમોનો ભંગ શું છે? બળવો કે વિદ્રોહ શા કારણે થાય છે? કુશળ રાજ્યવ્યવસ્થા કે સ્થિર શાસનના વૈજ્ઞાનિક નિયમો, વિશ્વબન્ધુત્વ અને રાષ્ટ્રવાદ અથવા બહુરાષ્ટ્રીય અને પૃથ્વીરાષ્ટ્ર સુધીના તમામ આદર્શોની અહીં અલોચનાત્મક તપાસ થાય છે અને સાર નિષ્પન્ન કરવાનો પ્રયત્ન અહીં અભિપ્રેત છે.

8. ધર્મમીમાંસા - Philosophy of Religion. ધાર્મિક મનુષ્યો ઈશ્વર, મોક્ષ, કર્મનો સિદ્ધાંત, ભક્તિ, શરણાગતિ અને શાશ્વત જીવન જેવા ખ્યાલોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લે છે જયારે તત્વજ્ઞાનમાં એની સમીક્ષાત્મક તપાસ કરવામાં આવે છે. અહીં ઈશ્વરને તત્વમીમાંસાની દ્રષ્ટિએ નહીં પણ ભાવાત્મક રીતે ઈશ્વરીય કે અલૌકિક બાબતો, આધ્યાત્મિક અનુભૂતિઓને લગતી બાબતોનું ગહન અને વિશદ ચિંતન કરવામાં આવે છે. ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી ધર્મો, ચમત્કારો અને રહસ્યવાદ, ગૂઢવિદ્યા અને તંત્રથી માંડીને ધર્મના વિકલ્પ તરીકે ઉદિત થયેલ મૂળ આધ્યાત્મિક મૂલ્યો સત્ય, પ્રેમ, જ્ઞાન અને આનંદ કે કરુણા વગેરે જો નિસર્ગવાદ કે વૈજ્ઞાનિક માનવવાદમાં પણ પૂર્ણ થતા હોય તો એની તુલના અને એનું અધ્યયન તત્વજ્ઞાનની આ શાખા અન્વયે કરવામાં આવે છે.

9. કેળવણીમીમાંસા - Philosophy of Education કેળવણી એટલે શું? શિક્ષણનો હેતુ શો છે? કેળવણી વિદ્યાર્થીકેંદ્રી હોવી જોઈએ? આદર્શ વિદ્યાર્થી અને આદર્શ શિક્ષકના લક્ષણો શા છે? કેળવાવું એટલે શું? શિક્ષણની ઉત્તમ પદ્ધતિઓ કઈ? શિક્ષણમાં અભ્યાસના વિષયો ક્યા હોવા જોઈએ અને એના ધોરણો કે એની કક્ષાઓ શી હોવી જોઈએ? શિસ્તનું મહત્વ કેટલું? શું પરીક્ષાઓ હોવી જોઈએ? કેળવણીને ધર્મ, રાજ્ય કે સમાજ સાથે કેવો સમ્બન્ધ હોવો જોઈએ? કેળવણી વ્યવસાયલક્ષી હોવી જોઈએ કે માનવીય ઉત્તમ મૂલ્યોના વિકાસ માટેની હોવી જોઈએ? આ અને અન્ય કેળવણી કે શિક્ષણને લગતા તમામ પ્રશ્નોની સમીક્ષા એ દર્શનની આ શાખાનો અભ્યાસવિષય છે.

10. અન્ય શાખાઓ – ફિલિસોફીની ઉપરોક્ત શાખાઓની જાણકારીથી આપણને એ સમજાય છે કે માનવજીવનને લગતા તમામ પાસાંને સ્પર્શતી અને માનવમનની તમામ જિજ્ઞાસાઓની તૃપ્તિ માટેની વૈજ્ઞાનિક અધ્યયનની પદ્ધતિ તરીકે આપણે દર્શનશાસ્ત્રને ઓળખાવી શકીએ. આ તમામ અને માનવજીવનના નવા ઢાંચામાં નવા મૂળભૂત એવા પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે તત્વજ્ઞાનની નવી શાખા પણ નિર્મિત થાય છે. ઉપરોક્ત મુખ્ય શાખાઓ ઉપરાંત અન્ય અનેક શાખાઓમાં ફિલિસોફીનું કાર્ય થતું હોય છે. દા.ત. વિજ્ઞાનમીમાંસા - Philosophy of Science જેમાં અગાઉ જણાવ્યું એમ પ્રકૃતિવિજ્ઞાન અને માનવવિજ્ઞાનના નવી શોધો પછીના નવા પ્રશ્નો કે ચેલેંજ હમ્મેશા દર્શન સમક્ષ ઉપસ્થિત છે. આ ઉપરાંત કાયદાનું તત્વજ્ઞાન(Philosophy of Law), ઇતિહાસમીમાંસા(Philosophy of History), ભાષામીમાંસા(Philosophy of Language) અને સૌંદર્યમીમાંસા(Aesthetic Philosophy) જેવા પ્રકારોમાં પણ દર્શનશાસ્ત્ર શાખાપ્રશાખાઓમાં અને સર્વાંગી તથા સમગ્રતાલક્ષી અધ્યયન કરે છે.

વિજ્ઞાન અને તત્વજ્ઞાન : Science and Philosophy સામાન્ય માણસનું જ્ઞાન છુટુછવાયું, અવ્યવસ્થિત અને અસંગત હોય છે જયારે વૈજ્ઞાનિકનું જ્ઞાન હંમેશા સુસંકલીત, સુવ્યવસ્થિત અને સુસંગત હોય છે. એવી જ રીતે સામાન્ય માણસની માન્યતાઓ પરસ્પરથી અસંગત હોય છે અને જે તે માન્યતાના સ્વીકાર પાછળના એના કારણો પણ અપ્રમાણભૂત અને અપ્રસ્તુત હોય છે, જયારે તત્વજ્ઞાનમાં એવી જ માન્યતાઓનો સ્વીકાર થાય છે જેમાં એવી પ્રમાણભૂત દલીલો સંકલિત કરવામાં આવે છે જે સુસંગત હોય અને વ્યવસ્થિત હોય એવી અપેક્ષા રખાય છે. આમ, ઉભયમાં સુવ્યવસ્થિત અને સુસંગત જ્ઞાનને જ માન્યતા મળે છે. ભેદ એ કે વિજ્ઞાન કોઈ એક ભાગનું અધ્યયન કરે છે જયારે તત્વજ્ઞાન અખંડ રીતે વિશ્વનું અધ્યયન કરે છે. તત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે બીજો એક ભેદ એ રજૂ કરવામાં આવે છે કે વિજ્ઞાનની પદ્ધતિમાં નિરીક્ષણ મુખ્ય છે અને વિચારણા ગૌણ છે જયારે તત્વજ્ઞાનમાં વિચારણા મુખ્ય છે જયારે નિરીક્ષણ ગૌણ છે. આ બાબતે એવું કહી શકાય કે વિજ્ઞાનમાં પ્રયોગો અને કલ્પનાઓનું સ્થાન છે એવું તત્વજ્ઞાનમાં નથી. આ ઉપરાંત વિજ્ઞાન વર્ણનાત્મક છે અને તે 'કેવી રીતે?' How પર ભાર મૂકે છે જયારે તત્વજ્ઞાન નિર્ણયાત્મક છે અને તે 'શા માટે?' Why પર ભાર મૂકે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે વિજ્ઞાન કુદરતી હકીકતોના કારણ-Cause શોધે છે જયારે ફિલોસોફી મૂળભૂત માન્યતાઓના તાર્કીક આધારો-Reasons શોધે છે. દરેક બાબતને કારણ હોય છે એ વિજ્ઞાનની માન્યતાને પણ તત્વજ્ઞાન સ્વીકારતું નથી એવો એક ભેદ પણ પૂર્વે રજૂ કરવામાં આવતો, પણ હવે વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેનો અવકાશ ઓછો થયો છે. વિજ્ઞાનમાં વ્યવસ્થિત રીતે જે તે વિષય અંગેનું જે જ્ઞાન એકત્ર કરાય છે એના પર આખરે તો વિચાર જ કરવાનો હોય છે માટે એનું મૂલ્યાંકન કરવા માટે વિજ્ઞાનને તત્વજ્ઞાનની જ જરૂર પડે છે. આખરે વૈજ્ઞાનિકે એક વિચારક બનવું પડે છે માટે જ કહેવાયું છે કે Science ends in Philosophy. એનો અર્થ એ નથી કે માત્ર વિજ્ઞાન જ તત્વજ્ઞાન પર નિર્ભર છે, તત્વજ્ઞાન પણ વિજ્ઞાન પર નિર્ભર છે. મહત્વની વૈજ્ઞાનિક શોધો પૂર્વેનું તત્વજ્ઞાન અને આજનું તત્વજ્ઞાન જુદી જ બાબત છે. પૂર્વે તત્વજ્ઞાન જે મૂળભૂત માન્યતાઓ વિષે નિષ્કર્ષ પર આવવા મથતું એમાંની ઘણીખરી માન્યતાઓની ચકાસણી કે તાપસ હવે જરૂરી નથી. વિજ્ઞાન તત્વજ્ઞાનને ચેલેંન્જ આપતું રહે છે અને માન્યતાઓને ચકાસવા માટેના પર્યાપ્ત આધારો પણ પુરા પાડી આપે છે. કેટલાક એમ પણ માને છે કે વિજ્ઞાનના સરવાળારૂપ તત્વજ્ઞાન છે પણ એ સાચું નથી. બન્નેમાં ભેદો છે પણ સત્યની શોધ એ બન્નેનો વિષય છે, એ સામ્ય ચોક્ક્સ છે.

ધર્મ અને દર્શન : Religion and Philosophy ધર્મ અને તત્વજ્ઞાનમાં મુખ્ય ભેદ એ છે કે તત્વજ્ઞાનમાં માત્ર જાણવાની વાત છે જયારે ધર્મમાં એને પામવાની વાત છે. દા.ત. આઇનસ્ટીનનો સાપેક્ષવાદ સમજવો એ એક તથ્ય છે અને એને સમય-સ્થળથી પર જીવવાની વાત કરવી એ સર્વથા ભિન્ન બાબત છે. આમ ફિલોસોફી ચોક્ક્સ વિચારણા દ્વારા સત્યને યથાતથ જાણવાની વાત કરે છે જયારે ધર્મમાં ગમે તે વિચારણા થકી, ભાવ થકી અનુભૂતિ કરવાની અને એને જીવવાની વાત કરવામાં આવે છે. એવું પણ કહી શકાય કે દાર્શનિક સત્યની યથાર્થ વિચારણાને જીવે છે જયારે ધાર્મિક વ્યક્તિ સત્યને જીવવા વિચારણા ઉપરાંત ભાવાત્મક એવા અનેક ઉપચારોને મહત્વના માને છે. દર્શનિકનો ધર્મ વિચાર છે જયારે ધાર્મિક વ્યક્તિનું ચિંતન શ્રદ્ધા પર આધારિત છે. ધર્મની પરિભાષામાં તત્વજ્ઞાનને વ્યાખ્યાયિત કરીએ તો એમાં વિવેક છે, પણ વૈરાગ્ય નથી જયારે દર્શનની પરિભાષામાં ધર્મને વ્યાખ્યાયિત કરીએ તો ત્યાં વૈરાગ્ય પાછળ શુદ્ધ વિવેકદ્રષ્ટિ જ છે એવુ નથી. સંક્ષેપમાં એમ કહી શકાય કે ધર્મ શ્રદ્ધામુલક છે જયારે દર્શન સંદેહમુલક છે. પરંતું તે સાવ વિરોધી ધ્રુવો નથી. ધર્મોમાં મહંત, મુલ્લા, પાદરી, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુ, ગ્રન્થ, પંથ વગેરેથી મુક્ત થતો જતો રસ્તો અધ્યાત્મ એક નવો ધર્મ બનતો ગયો એ બૌદ્ધિક દ્રષ્ટિએ ઘણો લિબરલ બનતો ગયેલો માર્ગ છે. એમાં શ્રદ્ધાના સ્થાને વિજ્ઞાનને પ્રાધાન્ય મળતું ગયું અને એ રીતે દર્શન અને ધર્મ વચ્ચેની ખાઈ આ અધ્યાત્મના નામે વિજ્ઞાન અને ધર્મને પણ એક કરતી ધારા બનતી ગઈ છે. નવા આધ્યાત્મિક ગુરુઓએ સત્યને જીવવાની વાત પર તો ભાર મુક્યો જ છે પણ રેશનલ હોવાને વધુ પણ હવે મહત્વ આપવા માંડ્યું છે. આથી એમ કહી શકાય કે શ્રદ્ધામુલક નહીં પણ વિવેકમુલક ધર્મ હોય તો તે તત્વજ્ઞાનની નજીક છે. છતાં મુખ્ય ભેદ એ છે કે દર્શન અનુભૂતિ કે ભાવનાના સ્તરે સિદ્ધાંતોને જીવવા કે નહીં એ માટે કોઈ ઉપદેશ આપતું નથી. ભાવ, અનુભૂતિ વગેરે વ્યક્તિની નિજી બાબતો છે અને એમાં દર્શન કોઈને ગુરુ બની ઉપદેશ આપતું નથી. આંતરિક અનુભૂતિનું નહીં પણ યથાર્થ વિચારનું નિરૂપણ એ જ દર્શનનો વિષય છે. બુદ્ધિ અને શબ્દના વેરી ધર્મો સાથે તો દર્શન કોઈ રીતે સંબદ્ધ જ નથી પણ સંદેહ, જિજ્ઞાસા, પ્રશ્નોને ઉડાવી ના દેવાની વાત જ્યાં છે ત્યાં દર્શનની સંભાવના રહેલી છે. ભારતના ઊંચા દરજ્જાના ચિંતકો કે દર્શનિકો જયારે ધર્મસ્થાપકો પણ બન્યા હોય ત્યારે દર્શન એના માત્ર વિચારપક્ષને જ મહત્વ આપે છે. બેકનનું પ્રસિદ્ધ કથન છે કે દર્શન મનુષ્યને નાસ્તિક બનાવે છે પણ જો તે એમાં ઊંડો ઉતરે તો ત્યાં ધર્મોદય થાય છે. મેડિટેશનના સંદર્ભમાં કે શુદ્ધ વિજ્ઞાનના રૂપમાં બુધ્ધિઝમને જોઈએ તો એવુ જ લાગે પણ ખરું. છતાં, દર્શનનો હેતુ ધર્મોદય નથી. દર્શન ધર્માધર્માતીત છે. કૃષ્ણમૂર્તિ અને બુદ્ધિઝમ ધર્મ અને દર્શનને અત્યંત નિકટ લઇ આવે છે.

Philosophy : Love for Wisdom by Kardam Acharya

the Art of Clear, Consistent & Creative Thinking also with practice of MEDITATION (based on Psychology) and study of Human Sciences.

Online Philosophy Education : philosophykf@gmail.com WhatsApp : 74350 68362

શ્રેણી "તત્વજ્ઞાન" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૧૧ પૈકીનાં નીચેનાં ૧૧ પાનાં છે.