લખાણ પર જાઓ

ચિત્રકૂટ ધામ

વિકિપીડિયામાંથી

ચિત્રકૂટ ધામ મંદાકિની નદીને કિનારે વસેલું ભારત દેશનાં સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં ૩૮.૨ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું શાંત અને સુંદર ચિત્રકૂટ ધામ પ્રકૃતિ અને ઈશ્વર તરફથી મળેલી અનુપમ ભેટ છે. ચારે તરફથી વિંધ્ય પર્વતમાળા અને વનોથી ઘેરાયેલા ચિત્રકૂટને અનેક આશ્ચર્યોની પહાડી કહેવામાં આવે છે. મંદાકિની નદીને કિનારે બનેલા અનેક ઘાટો અને મંદિરોમાં આખા વર્ષ દરમ્યાન શ્રદ્ધાળુઓની આવન-જાવન રહે છે.

લોકવાયકા પ્રમાણે ભગવાન રામે સીતા અને લક્ષ્મણની સાથે પોતાના વનવાસના ૧૪ વર્ષોમાંથી ૧૧ વર્ષ ચિત્રકૂટમાં જ વ્યતિત કર્યાં હતાં. આજ પવિત્ર સ્થળમાં ઋષિ અત્રી અને સતી અનસુયાએ ધ્યાન ધર્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પણ ચિત્રકૂટમાં જ સતી અનસુયાના ઘરે જન્મ લીધો હતો.

મુખ્ય આકર્ષણો

[ફેરફાર કરો]

કામદગિરી

[ફેરફાર કરો]

આ પવિત્ર પર્વતનું પણ ઘણુ ધાર્મિક મહત્વ છે. શ્રદ્ધાળુઓ કામદગિરી પર્વતની ૫ કિમી.ની પરિક્રમા કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની ખેવના રાખે છે. જંગલોથી ઘેરાયેલા આ પર્વતની તળેટીમાં અનેક મંદિરો બનેલાં છે. ચિત્રકૂટનાં લોકપ્રિય કામતાનાથ અને ભરત મિલાપ મંદિર પણ અહીં જ આવેલાં છે.

ચિત્રકૂટ ખાતે રામઘાટ

રામઘાટ

[ફેરફાર કરો]

મંદાકિની નદીના તટ પર બનાવવામાં આવેલા રામઘાટ ખાતે અનેક ધાર્મિક ક્રિયાકર્મો ચાલતાં રહે છે. આ ઘાટ પર ભગવા (ગેરૂઆ) વસ્ત્ર ધારણ કરેલા સાધુ-સન્તોની મંડળી દ્વારા કરવામાં આવતાં ભજન કીર્તન જોઇને ખુબ જ ભાવવિભોર બની જવાય છે. સાંજના સમયે કરવામાં આવતી આરતી મનને અત્યંત શાંતિ પહોચાડે છે.

જાનકી કુંડ

[ફેરફાર કરો]
Shri Kamta Nath 2nd face on Kamadgiri parikrma path

રામઘાટથી ૨ કિલોમીટરના.અંતરે મંદાકિની નદીના કિનારા પર જાનકી કુંડ આવેલો છે. જનક પુત્રી હોવાને કારણે સીતામૈયાને જાનકી પણ કહેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જાનકીજી અહીં સ્નાન કરતાં હતાં. જાનકી કુંડની નજીકમાં જ રામ જાનકી રઘુવીર મંદિર તથા સંકટ મોચન મંદિર પણ આવેલાં છે.

સ્ફટિક શિલા

[ફેરફાર કરો]

જાનકી કુંડથી થોડા અંતરે મંદાકિની નદીના કિનારા પર જ આ શિલા આવેલી છે. એમ માનવામાં આવે છે કે આ શિલા પર સીતાજીના પગલાંનું નિશાન મુદ્રિત થયેલું છે. એમ પણ કહેવાય છે કે જ્યારે તેણી આ શિલા પર ઉભી હતી ત્યારે જયંતએ કાક રૂપ ધારણ કરી તેણીને ચાંચ મારી હતી. આ શિલા પર રામ અને સીતા સાથે બેસીને ચિત્રકૂટ પર્વતની સુંદરતા નિહાળતા હતા.

મંદાકિની તીરે અનુસૂયા આશ્રમ

અનસુયા અત્રી આશ્રમ

[ફેરફાર કરો]

સ્ફટિક શિલાથી લગભગ ૪ કિલોમીટર.જેટલા અંતરે ગાઢ વનરાજીથી ઘેરાયેલા એકાંતમાં આ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં અત્રી મુની, અનુસુયા, દત્તાત્રેય તથા દુર્વાસા મુનીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે.

ગુપ્ત ગોદાવરી

[ફેરફાર કરો]

ચિત્રકૂટ નગરથી ૧૮ કિલોમીટર.જેટલી દૂરી પર ગુપ્ત ગોદાવરી નામનું સ્થળ આવેલું છે. અહિયાં બે ગુફાઓ આવેલી છે. એક ગુફા પહોળી અને ઊંચી છે. પ્રવેશ દ્વાર સાંકડું હોવાને કારણે તેમાંથી આસાનીથી પ્રવેશ કરી શકાતો નથી. ગુફાના અંતભાગમાં એક નાનું તળાવ આવેલું છે જેને ગોદાવરી નદી કહેવામાં આવે છે. અન્ય બીજી ગુફા લાંબી અને સાંકડી છે, જેમાં હમેશાં પાણી વહેતું રહેતું હોય છે. એમ કહેવાય છે કે આ ગુફાના અંતભાગમાં રામ અને લક્ષ્મણ દ્વારા દરબાર ભરવામાં આવ્યો હતો.

હનુમાન ધારા

[ફેરફાર કરો]

પહાડીના શિખર પર આવેલા હનુમાન ધારા ખાતે હનુમાનજીની એક વિશાળ મૂર્તિ આવેલી છે. મૂર્તિની સામેના તળાવમાં ઝરણાનું પાણી પડે છે. એમ કહેવાય છે કે આ ધારા શ્રીરામ દ્વારા લંકા દહન કરીને આવેલા હનુમાનજીના આરામ માટે બનાવડાવી હતી. પહાડીના શિખર પર જ સીતા રસોઈ નામનું સ્થળ આવેલું છે. અહીંથી ચિત્રકૂટ નગરનો સુંદર નજારો જોઇ શકાય છે.

ભરતકૂપ

[ફેરફાર કરો]

એમ કહેવામાં આવે છે કે આ સ્થળ પર ભગવાન રામના રાજ્યાભિષેક માટે તેમના બંધુ ભરતે ભારતની બધી જ નદીઓમાંથી જળ એકત્રિત કરી રાખ્યું હતું. અત્રી મુનિના માર્ગદર્શનને કારણે ભરતે આ જળ એક કૂપમાં રાખ્યું હતું. આ કૂપને ભરત કૂપ નામ વડે ઓળખવામાં આવે છે. ભગવાન રામ સમર્પિત એક મંદિર પણ આ સ્થળે આવેલું છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]