અમૃતલાલ પઢિયાર
અમૃતલાલ પઢિયાર | |
---|---|
જન્મ | અમૃતલાલ સુંદરજી પઢિયાર ૩ એપ્રિલ ૧૮૭૦ ચોરવાડ |
મૃત્યુ | ૨ જુલાઈ, ૧૯૧૯ મુંબઇ |
વ્યવસાય | લેખક, |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
લેખન પ્રકારો | ધાર્મિક, જીવનમૂલ્યો અને વાર્તા |
નોંધપાત્ર સર્જનો | આર્ય વિધવા (૧૮૮૧), સ્વર્ગ શ્રેણીના લખાણો |
અમૃતલાલ પઢિયાર એ ગાંધીયુગ પૂર્વેના લેખક હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈ જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. કવિ ન્હાનાલાલે તેમને સૌરાષ્ટ્રનો સાધુની ઉપમા આપી હતી.[૧][૨]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૭૦ના ચોરવાડમાં થયો હતો. તેમના પિતાનું નામ સુંદરજી હતું. તેમણે પાંચ-છ ધોરણ સુધી ગુજરાતી ચોપડીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય મુંબઈ રહી તેઓ ફરી પોતાને વતન ગયા હતાં. ત્યાર પછી વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક આર્યવિધવા (૧૮૮૧) પ્રકાશિત કરવા, જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. આજીવિકા માટે તેઓ મુંબઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં વ્યવસાય કરતા હતા તથા નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય કરતા હતા. સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં તેઓ જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત કર્યું હતું.
૨ જુલાઈ ૧૯૧૯ના દિવસે કૉલેરાને કારણે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા.[૧]
સાહિત્ય
[ફેરફાર કરો]તેમનું જીવન અને લેખન સાદું અને સાત્વિક ધર્માચરણયુક્ત હતુ. તેમનું લેખન તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઇ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઇ જવાનો પ્રયાસ કરતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે.[૧]
રચનાઓ
[ફેરફાર કરો]- અધ્યાત્મ – સ્વર્ગનું વિમાન (૧૯૦૨), સ્વર્ગની કૂંચી (૧૯૦૩), સ્વર્ગનો ખજાનો (૧૯૦૬), સાચું સ્વર્ગ (૧૯૦૭), સ્વર્ગની સીડી (૧૯૦૯), સ્વર્ગની સુંદરીઓ (૧૯૧૨), સ્વર્ગનાં રત્નો (૧૯૧૨), સ્વર્ગની સડક (૧૯૧૪), શ્રીમદ્ ભાગવતનો સંક્ષિપ્ત સાર, સંસારમાં સ્વર્ગ (૧૯૦૨)
- પ્રેરણાત્મક – મહાપુરૂષોનાં વચનો, પ્રેમ, પ્રેમ અને પ્રેમ, દુઃખમાં દિલાસો, અમૃત વચનો (૧૯૦૦)
- સમાજ સુધારણા – આર્ય વિધવા (૧૮૮૧), અંત્યજ સ્તોત્ર (૧૯૧૮)
- વાર્તા – નવ યુગની વાતો (ભાગ ૧, ૨)[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં અમૃતલાલ પઢિયાર.
- અમૃતલાલ પઢિયાર - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર