આત્મા

વિકિપીડિયામાંથી

આત્મા સંસ્કૃત શબ્દ आत्मन् પરથી ઉદ્દભવેલો શબ્દ છે. જેનો અર્થ સ્વ, પોતે એવો થાય છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્મા વિશે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કોઇ પણ જીવાત્માનું સાચું સ્વરુપ તે શરીર નહિં પણ અંદર રહેલો આત્મા છે. આત્માને અનુભવગમ્ય કહ્યો છે અને તેનો પૂર્ણ રીતે અનુભવ કરી શકાય છે જેને આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. આ માટે યોગ, ભક્તિ, જ્ઞાન જેવાં માર્ગો અને તેની પદ્ધતિ પણ બતાવવામાં આવી છે. ભારતમાં અનેક આત્મસાક્ષાતકારી સંતો, યોગીઓ થયાં છે અને હાલમાં પણ છે.

આત્મા વિશે[ફેરફાર કરો]

આત્માની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે:[૧]

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥२३॥

अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः॥२४॥

अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि॥२५॥

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि॥२६॥

અર્થાત્ જેને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી કે વાયુ સુકવી શકતો નથી તે આત્મા (પોતે, દરેકનું પોતાનું સાચું સ્વરૂપ) અછેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોષ્ય છે. તે નિત્ય, સર્વગત, અચલ અને સનાતન છે. તે અવ્યક્ત છે, અચિંત્ય છે, તેને વિકારરહિત કહેવામાં આવ્યો છે. તેથી હે અર્જુન આ આત્માને ઉપરોક્ત પ્રકારનો જાણીને તારે શોક કરવો યોગ્ય નથી.

ભારતીય દર્શનશાસ્ત્રોમાં હું કોણ છું ? સાથે શરુ થયેલી શોધ આત્મ સાક્ષાત્કાર સાથે પૂર્ણ થાય છે. દાદા ભગવાન કહે છે કે, 'હું શુદ્ધાત્મા છું.'[૨] સંત મોટાને સાધનાના અંતે રામનવમીના દિવસે આત્માનો સાક્ષાત્કાર થયો હતો. જેનું વર્ણન કરતાં તેમણે કહ્યું છે કે, 'અકથ્ય, અવર્ણનિય આનંદની અનુભૂતિ થઈ હતી. રોમ રોમમાં સ્પંદનો ઊઠતાં હતાં. ત્યારથી પોતે સર્વત્ર વિદ્યમાન હોવાની અનુભવજન્ય અનુભૂતિ થઇ જે જીવનપર્યંત રહી હતી.'[૩] તેમણે વધુમાં સમજ આપતાં જણાવ્યું છે કે, 'પ્હો ફાટવાનું હોય તે પૂર્વે તેના લક્ષણો આકાશમાં દેખાય અને આપણને ખબર પડે કે હવે સવાર પડશે તેમ સાધનાના અંતે આત્માનો સાક્ષાત્કાર થવાનો હોય તે પૂર્વે તેના કેટલાક લક્ષણો દેખાય છે. મુખ્ય લક્ષણ તાદાત્મ્યતાનું છે. જીવ નાના જીવોથી માંડીને ઝાડ, પશુ, પક્ષી, મનુષ્યો અને અન્યગ્રહોના જીવો સાથે પણ જ્યાં જ્યાં તેનું નિમિત્ત હોય ત્યાં તાદાત્મ્ય અનુભવે છે. આત્મા સર્વવ્યાપી હોવાથી આવો અનુભવ શક્ય બને છે.'[૪]

ભારતીય શાસ્ત્રોમાં આત્માના કેટલાક ગુણધર્મોનું વર્ણન કરાયું છે તે મુજબ, આત્મા સત-ચિત-આનંદ એટલે મૂળભૂત આનંદ સ્વરૂપ છે. કોઇ પણ પ્રકારનો કલેશ તેને કદી સ્પર્શી શકતો નથી. તેને પરમ શાંતિનું ધામ કહ્યો છે. તેના બીજા લક્ષણોમાં સર્વ વ્યાપકપણું, અચલ, અજન્મા, અમર, તાદાત્મ્ય થવું છતાં તટસ્થ રહેવુ-નોખા રહેવુ વગેરે છે. આત્માને પરમાત્માનું જ સ્વરૂપ કહેવાયો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ગીતા, અધ્યાય ૨જો, શ્લોક ૨૩થી ૨૫
  2. http://www.dadabhagwan.org
  3. ભગતમાં ભગવાન. હરિ:ૐ આશ્રમ, સુરત.
  4. પૂજ્ય શ્રી મોટા સાથે સત્સંગ. હરિ:ૐ આશ્રમ, નડિયાદ, સુરત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]