આવાં ગાર્દ

વિકિપીડિયામાંથી

આવાં ગાર્દ એ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં વપરાતી પરિભાષા છે. મૂળે યુદ્ધ ક્ષેત્રમાંથી આવેલી આ સંજ્ઞા સાથે જે-તે ક્ષેત્રની નૂતન કાર્યપદ્ધતિ અને વિચારસરણી સંકળાયેલી છે. કોઈ પણ કલા ક્ષેત્રે પૂર્વ-પ્રસ્થાપિત રૂઢિઓને તોડી, ર્દઢ થયેલા મૂલ્યોનો ઉચ્છેદ કરી, સ્થિત્યંતર લાવનાર અને પોતાના સમયથી ખૂબ આગળ વધી જનાર નવા માર્ગના પ્રવર્તકોને 'આવાં ગાર્દ' તરીકે ઓળખવામાં આવે છે.[૧]

ઈટાલિયનમાં 'અવાન્તિ' અને ફ્રેન્ચમાં 'આવાં'નો અર્થ 'મોખરે' થાય છે. 'મોખરે રહેતા સૈનિકો' સંદર્ભે પ્રયોજાતી આ સંજ્ઞા ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં યુદ્ધક્ષેત્રમાંથી ખસીને સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશી, અને ક્રમશ: કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સ્થિર થઈ હતી.[૧]

વાસ્તવવાદી અને પ્રતિનિધાનવાદી યુરોપીય સાહિત્યમાં પ્રતીક, સંદિગ્ધતા અને સૂચનાત્મકાથી આમૂલ પરિવર્તન લાવનાર બોદલેર, વર્લે, રેમ્બો વગેરે પ્રતિકવાદી સર્જકોને 'આવાં ગાર્દ' સર્જકો તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલિન પરંપરાનો વિચ્છેદ કરી અર્વાચિન તત્ત્વોનો ઉન્મેષ દાખવનાર નર્મદ તેમજ અર્વાચિન પરંપરાનો વિચ્છેદ કરી આધુનિક તત્ત્વોનો પ્રવેશ કરાવનાર સુરેશ જોષી, લાભશંકર ઠાકર કે સિતાંશુ યશશ્ચન્દ્ર વગેરે સાહિત્યકારોને આ અર્થમાં આવાં ગાર્દ સર્જકો માનવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ટોપીવાળા, ચંદ્રકાન્ત (October 1990). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ-ઈ) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૧૫.

બાહ્ય કડી[ફેરફાર કરો]