ચન્દ્રકાન્ત ટોપીવાળા
ચન્દ્રકાન્ત ટોપીવાળા | |
---|---|
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, ઓક્ટોબર ૨૦૧૭ | |
જન્મ | ૭ ઓગસ્ટ ૧૯૩૬ વડોદરા, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી |
ચન્દ્રકાન્ત અમૃતલાલ ટોપીવાળા ગુજરાતી કવિ અને વિવેચક છે.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ વડોદરામાં થયો હતો.[૧] ૧૯૫૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એમ.એ.ની પદવીઓ મેળવી. તેમણે ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.[૨][૩]
કારકિર્દી
[ફેરફાર કરો]૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન તેઓ પોરબંદરની કે. એચ. માધવાણી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા અને ૧૯૭૧થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજમાં આચાર્યનાં પદે રહ્યા. ૧૯૮૪થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા[૨][૩].
સર્જન
[ફેરફાર કરો]મહેરામણ (૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ કાન્ત તારી રાણી (૧૯૭૧) માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યક્તિમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; તો પક્ષીતીર્થ (૧૯૮૮) ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પારદર્શક બનવા તરફ ઢળેલી છે. બ્લેક ફૉરેસ્ટ (૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતો કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો અપરિચિત (अ) અપરિચિત (ब) (૧૯૭૫) એમનો વિવેચન સંગ્રહ છે. હદ પરના હંસ અને આલ્બેટ્રોસ (૧૯૭૫) માં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરનો લઘુપ્રબંધ છે. મધ્યમાલા (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી મૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. પ્રતિભાષાનું કવચ (૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી-વિકસેલી ભાષાવિજ્ઞાનલક્ષી, સંરચનાલક્ષી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫) નૉઅમ ચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપાંતરણ વ્યાકરણને આધારે કાવ્યનો વિચલન સિદ્ધાંત આપતો એમનો શોધપ્રબંધ છે. આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ (અન્ય સાથે, ૧૯૮૬), વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ (૧૯૮૮) પણ એમણે આપ્યા છે.
એમના અનુવાદ-ગ્રંથોમાં બેકેટની અણુનવલ કલ્પો કે કલ્પના મરી પરવારી છે (૧૯૭૦) તેમ જ રિલ્કેની બે કૃતિઓ દુઈનો કરુણિકાઓ (૧૯૭૬) અને ઓર્ફિયસ પ્રતિ સૉનેટો (૧૯૭૭)નો સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી કાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક કન્ટેમ્પરરી ગુજરાતી પોએટ્રી (૧૯૭૨) પણ આપ્યું છે. મૈથિલી સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.
અપરિચિત अ અપરિચિત ब (૧૯૭૫): ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલો આ પ્રથમ વિવેચનસંગ્રહ છે. પહેલા વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની કવિતા : ભાષાભિમુખ અભિગમ’ ‘આધુનિક ગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખો છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’, ‘માણસની વાત’, ‘બીજો સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલોકનો છે; ત્રીજા વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિષ્ઠ તપાસ છે; જયારે ચોથા ખંડમાં બોદલેર, લોર્કા, વાલેરી, ચેઝારે વાલે’જો, ઓકટેવિયો પાઝ, નેરુદા, કેવેફી વગેરેના કાવ્યસર્જન-વિષયક વિવેચનાત્મક પરિચયલેખો છે.
એમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક કવિતાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી થતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ સંકેતવૈજ્ઞાનિક તપાસનો વિષય છે, જયારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વ ચિંતનનો વિષય છે. વિવેચક અહીં કૃતિની સર્જનપ્રક્રિયા વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેવી હાલની અનેક વિદ્યાશાખાઓની સહાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકતાનો સ્વીકાર, વિવિધ વિદ્યાશાખાઓની સંપ્રજ્ઞતા, તાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ગ્રંથનાં નોંધપાત્ર લક્ષણો છે.
સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫): ચન્દ્રકાન્ત ટોપીવાળાનો મહાનિબંધ, પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્ત્વનિરૂપણ ને તત્ત્વપરીક્ષા જેવા ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજિત આ અભ્યાસમાં, આધુનિક કવિતાની સર્જકતાની તપાસ પૂર્વપરંપરિત ચિત્ત-સંસ્કાર માત્રથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક ઉપાદાનો સમેત થવી જોઈએ એવા ભાષાવિજ્ઞાનની અભિગમનું નિરૂપણ થયું છે. કવિતાની ભાષાસ્થિતિ, ભાષાની તેમ જ કવિની સર્જકતા, આધુનિક કવિતા અને ભાવકગત સક્રિયતા, રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ, અમેરિકન નવ્ય વિવેચન, સંસર્જનાત્મક વ્યાકરણ, વિચલન અને તેનાં સ્વરૂપ-કાર્ય વગેરે અભ્યાસ-ઘટકોની ચર્ચા ઉપરાંત કેટલીક ઉલ્લેખનીય ગુજરાતી કાવ્યકૃતિઓની તત્ત્વપરીક્ષા પણ આ અભ્યાસમાં સામેલ છે.
આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૬): ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓનો પરિચય આપતો આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦ ઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય કોશોની સંજ્ઞાઓના સાર રૂપે, ક્યારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, ક્યારેક સ્વતંત્ર રીતે એમ ત્રિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે.
વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮): આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલ્નાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલો સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે યોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દ્રષ્ટાંત પણ આપેલું છે. ‘વેન એન્ડ વુ’ જેવી ચીની નાટ્યપરંપરાની સાથે સંકળાયેલી સંજ્ઞા કોશની વ્યાપકતા સૂચવે છે, તો ‘વીક ટેકસ્ટ’ સંજ્ઞાનો પર્યાય આપવા ઉપરાંત ‘સ્ટ્રોંગ ટેક્સટ’ જોવા માટે મુકાયેલો પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સૂચવે છે.
પુરસ્કાર
[ફેરફાર કરો]તેમને ૨૦૦૨માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૨૦૧૨માં તેમના વિવેચન ગુજરાતી સાક્ષીભાષ્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૪] તેમને ૨૦૧૩માં સાહિત્યમાં તેમના પ્રદાન માટે સમન્વય ભાષા સન્માન પુરસ્કાર મળ્યો હતો.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Chandrakant Topiwala". Muse India. July–August 2014. ISSN 0975-1815. મૂળ માંથી 2014-07-29 પર સંગ્રહિત. મેળવેલ 16 જુલાઇ 2014.CS1 maint: date format (link)
- ↑ ૨.૦ ૨.૧ Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. 5. Sahitya Akademi. પૃષ્ઠ ૪૩૬૫. ISBN 9788126012213.
- ↑ ૩.૦ ૩.૧ "Chandrakant Topiwala". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧૭ જુલાઇ ૨૦૧૪.
- ↑ "Jeet Thayil among 24 selected for Sahitya Akademi Awards". The Hindu. New Delhi. ૨૧ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2014-07-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જુલાઇ ૨૦૧૪.
- ↑ "Gujarati poet conferred award". Business Standard. New Delhi. ૨૪ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2014-07-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૧૪.