ઉપદંશ

વિકિપીડિયામાંથી
ઈલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપ દ્વારા લેવાયેલ ટ્રીપોનેમા પેલિડમની તસવીર

ઉપદંશ (અંગ્રેજી: Syphilis) એ લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ છે. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી અન્ય કોઈને આપવામાં આવે તો પણ તે થાય છે. સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પણ તે પ્રસરી શકે છે. આમ, ઉપદંશ જન્મજાત અથવા તો જીવનમાં પાછળથી લિંગીય સંસર્ગથી મેળવેલો ઉપાર્જિત રોગ છે. તે વિવિધ તબક્કાઓમાં જુદા જુદા સ્વરૂપે દેખા દે છે. તેનાં ચિહ્નો અને લક્ષણો પરથી તેનો તબક્કો અને પ્રકાર સમજવા માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.[૧]

ચિહ્નો અને લક્ષણો[ફેરફાર કરો]

પ્રથમ તબક્કો[ફેરફાર કરો]

ઉપદંશના પ્રથમ તબક્કામાં લિંગ ઉપર જોવા મળતું ચાંદુ

સંસર્ગના ૧૦થી ૯૦ દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબકામાં સંસર્ગસ્થાને ચાંદુ પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદુ જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદુ એક હોય છે અને તે પીડારહિત હોય છે. ચાંદામાંથી તરલસ્ત્રાવ થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલ બીજી ચામડી ઉપર પણ ચાંદુ પડે છે. ચાંદુ થયા પછી ૭થી ૧૦ દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદુ મોટેભાગે ૩થી ૮ સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે.[૧]

બીજો તબક્કો[ફેરફાર કરો]

બીજા તબક્કામાં દર્દીની હથેળીમાં જોવા મળતા કાળા ડાઘ
બીજા તબક્કામાં દર્દીના આખા શરીરે જોવા મળતા લાલ રંગનાં ચકામા

જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. બીજો તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામા થાય છે.[૧]

સારવાર[ફેરફાર કરો]

ઉપદંશની સારવારમાં પેનિસિલિન મુખ્ય દવા છે. દર્દીને પેનિસિલિનની ઍલર્જી નથી તે ચકાસી લેવું જરૂરી છે. દર્દીને મોટેભાગે બેથી ત્રણ સપ્તાહ જેટલા લાંબા સમય સુધી અસર કરતું પેનિસિલિનનું ઇંજેક્શન અપાય છે. ઉપદંશના શરૂઆતના તબક્કાઓમાં બેન્ઝેથાઇન પેનિસિલિનનું ૨૪ લાખ યુનિટનું એક ઇંજેક્શન અપાય છે, જ્યારે ઉપદંશના પાછળના તબકાની સારવારમાં બેન્ઝેથાઇન પેનિસિલનના ૨૪ લાખ યુનિટનું એક એવાં ત્રણ ઇંજેક્શન એક એક અઠવાડિયાના અંતરે અપાય છે. આ સિવાય પી.પી.એફ તથા પેનિસિલિન-જી પણ આપી શકાય છે. જો દર્દીને પેનિસિલિનની ઍલર્જી હોય તો તેને ૧૫ દિવસ સુધી ટેટ્રાસાયક્લિન અથવા ઍરિથ્રોમાયસિન નામની એન્ટિબાયૉટિક દવા આપવામાં આવે છે.[૧]

જો સગર્ભા સ્ત્રીની યોગ્ય સારવાર કરવામાં આવે તો ગર્ભાવસ્થાનો ઉપદંશ તેનાં બાળકમાં થતો અટકાવી શકાય છે. દર્દીની સારવાર સાથે સાથે તેના જીવનસાથી તથા તેની સાથે જાતીય સંસર્ગમાં આવેલી કે આવતી બીજી વ્યક્તિઓની પણ યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે સારવાર કરવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ પરીખ, અનુગ્રહ એ. (October 2004). "ઉપદંશ (syphilis)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૭૦–૧૭૨.