લખાણ પર જાઓ

ધીરુભાઈ ઠાકર

વિકિપીડિયામાંથી
ધીરુભાઈ ઠાકર
ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૨
ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, સપ્ટેમ્બર ૨૦૧૨
જન્મ(1918-06-27)27 June 1918
કોડીનાર, ગુજરાત, ભારત
મૃત્યુ22 January 2014(2014-01-22) (ઉંમર 95)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
ધનગૌરીબહેન
(લ. 1939; તેણીનું અવસાન 2005)
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધ'મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના' (૧૯૫૬)
માર્ગદર્શકરામનારાયણ પાઠક
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓ

ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર (ઉપનામ: સવ્યસાચી) (૨૭ જૂન ૧૯૧૮ – ૨૨ જાન્યુઆરી ૨૦૧૪) ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ જૂનાગઢ જિલ્લાના કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૩માં રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ 'મણિલાલ નભુભાઈ દ્વિવેદી: એક અધ્યયન' શિર્ષકથી શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત થઇને પછી તેઓ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક રહ્યા હતા.[૧]

તેમણે ૧૯૩૯માં ધનગૌરીબહેન સાથે લગ્ન કર્યા હતા, જેમનું અવસાન ૧૫ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ થયું હતું. તેમના પુત્ર ભરતનો જન્મ ૧૯૪૧માં તથા દિલીપનો જન્મ ૧૯૪૩માં જ્યારે દિકરી હિનાનો જન્મ ૧૯૫૭માં થયો હતો.[૧]

૨૨ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અમદાવાદ ખાતે તેમનુ અવસાન થયું હતું.[૨]

સર્જન[ફેરફાર કરો]

એક સર્જકવિશેષ તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને સ્વરૂપવિશેષ રૂપે સાહિત્યનો ઈતિહાસ — આ બંને વિષયો પર ધીરુભાઈએ એકાધિક ગ્રંથો લખ્યા છે.[૩] મણિલાલ નભુભાઈ વિશેનું તેમનું શોધકાર્ય માન્ય (authentic) અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે.[૪]

‘મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના’ (૧૯૫૬), ‘રસ અને રુચિ’ (૧૯૬૩), ‘સાંપ્રત સાહિત્ય’ (૧૯૬૮), ‘પ્રતિભાવ’ (૧૯૭૨), ‘વિક્ષેપ’ (૧૯૭૩), ‘વિભાવિતમ્’ (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે. નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી ‘નાટ્યકળા’ (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે. ‘મણિલાલ નભુભાઈ: જીવનરંગ’ (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. ‘પરંપરા અને પ્રગતિ’ (૧૯૮૦) એ કસ્તુરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.

‘રંગકસુંબી’ (૧૯૬૩), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. ‘સફર સો દિવસની’-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં ‘મણિલાલની વિચારધારા’ (૧૯૪૮), ‘મણિલાલના ત્રણ લેખો’ (૧૯૪૯), કાન્તા (૧૯૫૪), નૃસિંહાવતાર (૧૯૫૫), ‘ધૂમકેતુ વાર્તાસૌરભ’-ભા.૧-૨ (૧૯૫૫), ‘જયભિખ્ખુ વાર્તાસૌરભ’ (૧૯૫૫), ‘આત્મનિમજજન’ (૧૯૫૯), ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (૧૯૭૦), ‘મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાન્ત’ (૧૯૭૯), ‘મારી હકીકત’ (૧૯૮૩), ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે ‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૮) અને ‘ચંદ્રહાસાખ્યાન’ (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. ‘અભિનય નાટકો’ (૧૯૬૨) તેમ જ ‘સુદર્શન અને પ્રિયંવદા’ (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.

ધીરુભાઈએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત 'ઊંચો પર્વત, ઊંડી ખીણ' (૧૯૯૩) નામે ચરિત્રનાટક લખ્યું છે. આ નાટકમાં લેખકે મણિલાલનાં કાવ્યો, ગઝલો વગેરેનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કરેલો છે.[૫][૬]

અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬): ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.

તેમણે પાબ્લો નેરુદાના જીવનની યાદોનો અનુવાદ (૨૦૧૦) કર્યો છે.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ પટેલ, ભોળાભાઈ; પારેખ, મધુસૂદન; શેઠ, ચંદ્રકાન્ત; દેસાઈ, કુમારપાળ; દરજી, પ્રવીણ, સંપાદકો (June 2007). સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker). અમદાવાદ: ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ. પૃષ્ઠ ૩૩૪–૩૩૫.
  2. "Pioneer behind Gujarati Vishwakosh passes away at 96". The Times of India. 25 January 2014. મેળવેલ 15 June 2018.
  3. દરજી, પ્રવીણ (ઓગસ્ટ ૨૦૧૭). "ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર 'સવ્યસાચી'". માં દવે, રમેશ ર.; દેસાઈ, પારુલ કંદર્પ (સંપાદકો). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૬ (૧૮૯૫થી ૧૯૩૫) : ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો (ત્રીજી આવૃત્તિ). અમદાવાદ: કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૪૪૩. OCLC 52268627.
  4. શાસ્ત્રી, વિજય; ગાંધી, ચંદ્રકાન્ત 'સુહાસી'; દેસાઈ, અશ્વિન (૧૯૮૭). ગુજરાતનાં ભાષાસાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ 107–108. OCLC 22732429.
  5. પટેલ, ભોળાભાઈ; પારેખ, મધુસૂદન; શેઠ, ચંદ્રકાન્ત; દેસાઈ, કુમારપાળ; દરજી, પ્રવીણ, સંપાદકો (June 2007). સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker). અમદાવાદ: ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ. પૃષ્ઠ ૨૩૮.
  6. Desai, S.D. (December 2002). More Happenings: Gujarati Theatre Today (1990 – 1999). Gandhinagar: Gujarat Sahitya Academy. પૃષ્ઠ 69. ISBN 81-7227-113-1.
  7. પટેલ, રાજેન્દ્ર (મે ૨૦૨૧). "અંતિમ શ્વાસ સુધી સજ્જ". વિશ્વવિહાર. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૬. ISSN 2321-6999.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]