કાન્તા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કાન્તામણિલાલ નભુભાઈ દ્વિવેદી કૃત નાટક છે. ઐતિહાસિક કથાવસ્તુવાળું આ નાટક ૧૮૮૨ની સાલમાં પ્રગટ થયું હતું.[૧]

પાત્રો[ફેરફાર કરો]

નાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[૨]

 • જયચંદ્ર - પાટણનો રાજા
 • સુરસેન - જયચંદ્રનો મિત્ર, સાળો અને સેનાધિપતિ તથા મંત્રી
 • કરણ - કલ્યાણના રાજા ભુવનાદિત્યનો પુત્ર
 • હરદાસ - સુરસેનનો મિત્ર
 • રત્નદાસ - કરણનો અપકૃત મિત્ર
 • યૌવનશ્રી - જયચંદ્રની રાણી
 • કાન્તા - સુરસેનની પત્ની
 • તરલા - યૌવનશ્રીની દાસી
 • ભીલ, યોદ્ધા, નગરવાસી જનો, સેવક, પ્રતિહાર ઇત્યાદિ

કથાવસ્તુ[ફેરફાર કરો]

ભુવનાદિત્યને હરાવીને ઘેર આવેલા સુરસેનને માન આપવા રાજા જયચંદ્ર તેને ઘેર પધારવાના છે તેની તૈયારીમાં કાન્તા-સુરસેન મંડપનાં ચિત્રો નિહાળે છે, ત્યાં જયચંદ્ર સુરસેનને બોલાવીને ભુવનાદિત્ય પ્રાત:કાળે ચઢી આવવાનો છે એવા સમાચાર આપે છે અને સુરસેનને ગર્ભવતી રાણી યૌવનશ્રીને વનમાં સુરક્ષિત જગાએ મૂકી આવવા હુકમ કરે છે. સુરસેન તે પ્રમાણે રાણીને પોતાની પત્ની કાન્તા અને દાસી તરલાની સાથે ભીલ લોકોની પાસે વનમાં મૂકી આવે છે. પાછા વળતાં સુરસેન કાન્તાના ગળામાં મોતીનો હાર નાખતાં કહે છે કે આ હારનાં મોતી વિખૂટાં નહિં પડે ત્યાં સુધી હું અને જયચંદ્ર જીવતા છીએ એમ માનજો. દરમિયાનમાં જયચંદ્ર લડાઈમાં મૃત્યુ પામે છે. ભુવનાદિત્યનો પુત્ર કરણ પાટણની ગાદીએ આવે છે. અધિકારના લોભે હરદાસ સુરસેનને પકડાવે છે. કરણ અને રત્નદાસ જંગલમાંથી કાન્તા અને તરલાને પકડી લાવે છે. કાન્તા કરણને વશ થતી નથી, પણ તરલા રાણી થવાના લોભથી રાત્રે કાન્તાની માળા કાપે છે. બીજે દિવસે સવારે કાન્તા સતી થાય છે તે જ વખતે સુરસેન આવી પહોંચે છે અને તે પણ કાન્તાની સાથે ચિતામાં બળી મરે છે.[૧]

સન્નિવેશ[ફેરફાર કરો]

 • સુરસેનના આવાસનો સભામંડપ, રાજાનું ગુહ્યાગાર, રાજાનું શયનગૃહ, વન, રણભૂમી.
 • કરણની છાવણી, તેનું દિવાનખાનું, તેનો આવાસ, વનમાં સરોવર
 • પાટણનું બંદીખાનું, કરણનો આવાસ, સરોવર તથા વનપ્રદેશ
 • કાન્તાને રાખેલી તે ઘરનો ઉપલો માળ, કરણનો આવાસ, કાન્તાને રાખેલી તે મેડો, કાન્તાનો ઓરડો, રાજમાર્ગ, વનમાંનું સરોવર, કાન્તાનો ઓરડો, રાજમાર્ગ, સ્મશાન.[૧]

ભજવણી[ફેરફાર કરો]

ઈ.સ. ૧૮૮૯માં કુલીન કાંતા એ નામથી મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ આ નાટક ભજવેલું. તેનાથી જ એ નાટક કંપનીની પ્રવૃત્તિનું ઉદઘાટન થયેલું.[૧]

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

મણિલાલને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં સત્કાર આ નાટક દ્વારા મળ્યો હતો. શિષ્ટતા અને ઉચ્ચ રસિકતાના નમૂના રૂપે આ નાટકનો તે જમાનામાં સ્વીકાર થયો હતો. રમણભાઈ નીલકંઠે કાન્તા નાટકની પ્રશંસા કરતાં છેક ઈ.સ. ૧૯૦૯ સુધીના ગુજરાતી નાટકસાહિત્યમાં 'એક જ આશ્વાસનસ્થાન' તરીકે તેને ઓળખાવ્યું હતું. આજે પણ ગુજરાતી સાહિત્યનાં શિષ્ટ કરુણાન્ત નાટકોમાં કાન્તા નાટકની ગણના થાય છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ઠાકર, ધીરુભાઈ (2008). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૨૮-૨૯. OCLC 945585883. Check date values in: |year= (મદદ)
 2. દ્વિવેદી, મણિલાલ. કાન્તા (Unknown આવૃત્તિ). p. ૧.
 3. ઠાકર, ધીરુભાઈ (1972). પ્રતિભાવ (દસ વિવેચનલેખો). અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. p. ૧૭૨-૧૭૩. OCLC 40459815. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]