સુદર્શન ગદ્યાવલિ
સુદર્શન ગદ્યાવલિનું મુખપૃષ્ઠ, પ્રથમ આવૃત્તિ, ૧૯૦૯ | |
લેખક | મણિલાલ નભુભાઈ દ્વિવેદી |
---|---|
દેશ | બ્રિટીશ ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજ સુધારણા વગેરે |
પ્રકાર | નિબંધો |
પ્રકાશક |
|
પ્રકાશન તારીખ | ૧૯૦૯ |
સુદર્શન ગદ્યાવલિ એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો 'સુદર્શન' અને 'પ્રિયંવદા'માં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન પ્રગટ કરેલાં ગદ્યલખાણોનો સંગ્રહ છે. આ લખાણોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજસુધારણા તેમજ જીવનનાં બધા જ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરવામાં આવી છે.[૧]
ઈતિહાસ
[ફેરફાર કરો]'સિદ્ધાન્તસાર' અને 'પ્રાણવિનિમય' તથા 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' જેવી સળંગ ગ્રંથરૂપે લખાયેલી કૃતિઓને બાદ કરતાં મણિલાલનું મોટાભાગનું ગદ્યપદ્યસાહિત્ય તેમનાં બે માસિકો 'પ્રિયંવદા' અને 'સુદર્શન'માં પ્રગટ થયું હતું. આ સામયિકોમાં હપ્તાવાર પ્રગટ થયેલ 'ગુલાબસિંહ' અને 'શ્રીમદભગવદગીતા' તેમજ તેમના કાવ્યો 'આત્મનિમજ્જન' નામના સંગ્રહરૂપે મણિલાલના જીવનકાળમાં જ પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. પરંતુ તેમનું મહત્ત્વનુ પ્રદાન ગણાતા આ માસિકોમાં પ્રગટ થયેલા નિબંધો મણિલાલના મૃત્યું પછી પણ લાંબા ગાળા સુધી અપ્રગટ રહ્યાં હતાં. ૧૯૦૯માં આ નિબંધોને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરિશંકર જોશી નામના મણિલાલના બે પ્રશંસકોએ આનંદશંકર ધ્રુવની સહાયથી 'સુદર્શન ગદ્યાવલિ' રૂપે સંગ્રહિત કરીને પુસ્તકાકારે પ્રગટ કર્યા હતાં. આ પુસ્તક જંબુસર ખાતેથી પ્રગટ થયું હતું. પુસ્તકમાં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન મણિલાલે લખેલ લગભગ બધા ગદ્યલેખો વિષયવાર વર્ગીકૃત કરીને મૂકવામાં આવ્યા હતા. ડબલ ક્રાઉન કદનાં ૧૧૦૦થી વધુ પૃષ્ઠો રોકે તેટલો આ લેખોનો જથ્થો હતો. આ સાથે મણિલાલના માનસ તથા સાહિત્ય ઉપર પ્રકાશ પાડે એવા આનંદશંકર ધ્રુવના બે લેખો પણ આ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં હતાં.[૧]
આવકાર અને વિવેચન
[ફેરફાર કરો]ગુજરાતી વિવેચક વિશ્વનાથ ભટ્ટે 'સુદર્શન ગદ્યાવલિ'ને 'ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર' કહ્યો છે અને મણિલાલને અર્વાચિન યુગના ઉત્તમ નિબંધકાર કહ્યાં છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ઠાકર, ધીરુભાઇ (2008). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૨–૫૯૩. OCLC 259818465.
પૂરક વાચન
[ફેરફાર કરો]- ઠાકર, ધીરુભાઈ (1962). સુદર્શન અને પ્રિયંવદા. OCLC 30821414.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સુદર્શન ગદ્યાવલિ સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર
- ગુજરાતી વિશ્વકોશમાં સુદર્શન ગદ્યાવલિ.