આનંદશંકર ધ્રુવ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’ (૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨) : સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭ મા એલએલ.બી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ. ‘સુદર્શન’નું તંત્રીપદ. ૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ. ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ. ૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમનો સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજાની ધર્મવૃત્તિને સંસ્કારવી, ઉચિત દ્રષ્ટિ આપવી તેને જીવકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.


આનંદશંકરની સાહિત્યરુચિ અને સાહિત્યનાં ધોરણો પૂર્વપશ્ચિમની સમર્થ સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાયાં છે. ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧) ને ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૪૭) એમની સાહિત્યકલા-મીમાંસાના પ્રતિનિધિરૂપ સંચયો છે. ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬)માં પણ કેટલાક સામયિક સાહિત્યવિષયક લેખો, પ્રવેશકો, ગ્રંથાવલોકનો વગેરે છે. તેઓ સાહિત્યને વિશાળ સંદર્ભમાં જોવાની સાથે પ્રથમતઃ તેને કલા તરીકે સ્વીકારે છે. એમણે કવિતાને ‘અમૃતસ્વરૂપ આત્માની કલા’ તથા ‘વાગ્દેવીરૂપ’ કહી છે અને આત્માના ખાસ ધર્મો ચૈતન્ય, વ્યાપન તથા અનેકતામાં એકતાને કવિતામાં આવશ્યક લેખ્યાં છે. સાહિત્યમાં ઉપદેશના તત્ત્વ માટે એમનું વલણ ‘કાંતાસંમિતતથી યોપદેશયુ’ જેનું હતું. તેઓ કાવ્યસૃષ્ટિની યથાર્થતાને બાહ્યજગતની ભિન્ન એવું સ્વાયત્ત સ્થાન ફાળવે છે અને પ્રતીકોને ‘સાંકેતિક વાસ્તવિકતા’ તરીકે સ્વીકારે છે.

તત્કાલીન સાહિત્યવિવેચનાના ક્ષેત્રમાં જાગેલાં મતમતાંતરોની ચર્ચાવિચારણા કરતાં એમણે કેટલાક સારગ્રાહી અને મૂલગામી સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કવિતામાં ઊર્મિને જ પ્રાધાન્ય આપતા રમણભાઈ નીલકંઠના અભિપ્રાયને પડકારતાં એમણે જણાવ્યું કે કવિતા સમગ્ર સંવિતનો વ્યાપાર છે; કેવળ ઊર્મિ જ નહિ, એમાં સંવેદન, પ્રત્યક્ષબોધ, કલ્પના-વિચાર આદિ અનેક તત્ત્વોનો સમાવેશ થાય છે. કલાસિકલ અને રોમેન્ટિક સાહિત્ય વિશે પોતાના વિચારો રજૂ કરતાં એમણે ‘કલાસિકલ’ માટે ‘સંસ્કારી સંયમ’ અને ‘રોમેન્ટિક’ માટે ‘જીવનનો ઉલ્લાસ’ શબ્દો પ્રયોજીને ઉક્ત બંને પ્રકારોનો સંબંધ, ઊગમ અને તારતમ્ય સ્પષ્ટ કર્યા. તેવી જ રીતે રમણભાઈના ‘વૃ્ત્તિમય ભાવાભાસ’નો ક. મા. મુનશીના ‘કલા અને નીતિ’ વિશેના વિચારનો અને ચંદ્રશંકર પંડ્યાના ‘સાહિત્યની દરેક પ્રવૃત્તિ રાષ્ટ્રનું ભલું કરવા માટે જ થવી જોઈએ’ એવા પ્રતિપાદનનો વિરોધ કરી ને તે તે વિષયોની સર્વગ્રાહી ચર્ચા દ્વારા તાત્ત્વિક સત્યની સમજ આપીને, એમણે તાર્કિક રીતે પોતાના મંતવ્યને સિદ્ધ કરી બતાવ્યું છે.

એમની વિવેચના સિદ્ધાંતદર્શનમાં તેમ કૃતિવિચારણામાં પણ વ્યાપકપણે કલાના મૂળ રહસ્યનું વિશદ પૃથક્કરણ અને સમતોલ મૂલ્યાંકન કરવામાં સમર્થ અને સત્ત્વશાળી રહી છે. સાહિત્યસિદ્ધાંતોની સાથે સાહિત્યસ્વરૂપોની અને ભાષાની ચર્ચા પણ એમણે કરી છે. સાહિત્ય શબ્દનો યૌગિક અર્થ એમણે દર્શાવ્યો છે તેમાં એમની સંશોધનશક્તિ અને ઇતિહાસનિષ્ઠાનો સુભગ સમન્વય જોઈ શકાય છે.

એમની પ્રતિભા ધર્મ વિશેના જાગ્રત ચિંતક તરીકેની પણ છે. સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે. નીતિ અને સદાચારમાં પોષક નીવડે એવી રસભરી કથાઓ ‘નીતિશિક્ષણ’માં આપી છે.

સંસ્કૃત ભાષાના એમના બે ગ્રંથો ‘ન્યાયપ્રવેશક’ (૧૯૩૦) તથા ‘સ્યાદ્વાદમંજરી’ (૧૯૩૩) પણ નોંધપાત્ર છે. તેમાં જૈનબોદ્ધ દર્શનગ્રંથોનું વિદ્વત્તાપૂર્ણ સંશોધન છે. રામાનુજાચાર્યકૃત ‘શ્રીભાષ્ય’ (૧૯૧૩)નું ગુજરાતી અનુવાદ સાથેનું સંપાદન બે ભાગમાં પ્રસિદ્ધ થયું છે. એમનાં કેટલાક વ્યાખ્યાનો પણ સ્વતંત્ર પુસ્તિકારૂપે પ્રગટ થયાં છે. ‘સુદર્શન ગદ્યાવલિ’ (૧૯૦૯)માં એમણે મણિલાલ ન. દ્વિવેદીના લેખોનું સંપાદન કર્યું છે.

અર્થપૂર્ણ મિતભાષિતા અને જીવન રસજ્ઞતા એ આનંદશંકરના નિબંધોની મુખ્ય લાક્ષણિકતા છે. અભિનવ ક્ષમતાવાળી અને લક્ષ્યગામી એમની શૈલીમાં ઊર્મિ અને ચિંતનનો સુભગ સમન્વય છે. સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ઘરગથ્થુ શબ્દોનો તેઓ ઔચિત્યપૂર્વક અને યથાર્થ ઉપયોગ કરે છે. પ્રસન્નગંભીર પદાવલિમાં રાચતું એમનું ગદ્ય કેવળ પાંડિત્યદર્શી નથી. સંસ્કૃતશૈલીની સુદીર્ઘ વાક્યાવલિઓ કે સૂત્રાત્મક ટૂંકાં વાક્યો તેઓ સહજસામર્થ્યની યોજી શકે છે.

સાહિત્યવિચાર (૧૯૬૬) : આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખોનો રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચનો, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણો વગેરે મળી પચાસ લેખો છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાગના તથા કલાદ્રષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન-સઘળાં શાસ્ત્રોનું પર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશો કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે.

કાવ્યતત્ત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ના વિવેચનાત્મક લેખો તેમ જ ગ્રંથાવલોકનોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. સમગ્ર ગ્રંથ બે ભાગોમાં વહેંચાયેલો છે: સાહિત્યચર્ચા અને ગ્રંથાવલોકનો. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખો પૈકી ‘કવિતા’, ‘સુંદર અને ભવ્ય’ ‘કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો’, ‘રસાસ્વાદનો અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યનો અનુભવ’ વગેરે વિષય મહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ધમ્મપદ’ ‘શાકુંતલ’, ‘વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલોકનાત્મક રસદર્શન છે. ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસી’ એ બે લેખોમાં ઉક્ત કવિઓનું તુલનાત્મક અવલોકન છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ અને ‘ધીરો’ એ બે લેખો પ્રાસંગિક પ્રવચનોનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૅક્સપિયરની નાટ્યકૃતિનું રસદર્શી અવલોકન છે. આનંદશંકર ધ્રુવના કાવ્યવિચાર અંગેનું પુસ્તક શ્રી રમેશભાઈ એમ. ત્રિવેદી દ્વારા સંપાદિત આનંદશંકર ધ્રુવનો કવિતાવિચાર આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે.

સમતોલ દ્રષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદ્રષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.