સુદર્શન

વિકિપીડિયામાંથી
સુદર્શન
સુદર્શન; પુસ્તક ૧૭, અંક ૨; નવેમ્બર ૧૯૦૧
તંત્રીમણિલાલ નભુભાઈ દ્વિવેદી
આવૃત્તિમાસિક
સ્થાપકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
સ્થાપના વર્ષઓક્ટોબર ૧૮૯૦
દેશબ્રિટીશ ભારત
ભાષાગુજરાતી

સુદર્શન એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા સંપાદિત માસિક હતું. પોતાનું સામયિક 'પ્રિયંવદા' (સ્થાપના: ઓગસ્ટ ૧૮૮૫) સપ્ટેમ્બર ૧૮૯૦માં બંધ કર્યા બાદ મણિલાલે ઓક્ટોબર ૧૮૯૦માં 'સુદર્શન' શરૂ કર્યું હતું. મણિલાલના મૃત્યુ પછી આ સામયિકનું તંત્રીપદ થોડો સમય આનંદશંકર ધ્રુવે અને એમના પછી મણિલાલના નાના ભાઈ માધવલાલ નભુભાઈ દ્વિવેદીએ સંભાળ્યું હતું, અને ત્યારબાદ તે બંધ પડ્યું હતું.

ઈતિહાસ[ફેરફાર કરો]

મણિલાલે પોતાની પત્રકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ સ્ત્રીઓ માટેના સામયિક 'પ્રિયંવદા'થી કર્યો હતો, જેમાં મોટાભાગે સ્ત્રી-કેળવણી વિષયક લખાણો પ્રગટ થતાં હતાં. પરંતુ પાંચ વર્ષ બાદ એમને લાગ્યું કે જે વર્ગ માટે આ સામયિક શરૂ કરવામાં આવ્યું છે એ વર્ગ તરફથી જોઈએ એવો પ્રતિભાવ મળતો નથી. આથી સપ્ટેમ્બર ૧૮૯૦માં 'પ્રિયંવદા'નો અંતિમ અંક પ્રગટ થયા બાદ મણિલાલે સપ્ટેમ્બર ૧૮૯૦માં એ જ સામયિકનું નવું નામ 'સુદર્શન' રાખીને એનો પહેલો અંક ઑક્ટોબર ૧૮૯૦માં પ્રગટ કર્યો હતો. આમ 'પ્રિયંવદા' કે જેમાં માત્ર સ્ત્રીવર્ગને ઉદ્દેશીને લખાયેલ લખાણો પ્રગટ થતાં હતાં, એમાંથી 'સુદર્શન' શરૂ કર્યા બાદ મણિલાલે પોતાની પ્રવૃત્તિનું ક્ષેત્ર વિસ્તાર્યું હતું. सत्यं परं धीमहि — એ આ સામયિકનો ધ્યેયમંત્ર હતો.[૧]

'સુદર્શન'ના પ્રથમ અંકમાં મણિલાલે લખ્યું હતું કે:[૨]

'પ્રિયંવદા' એ નામથી ચાલતું માસિક હવે 'સુદર્શન' એ નામથી ચાલશે. 'પ્રિયંવદા'ને પાંચ વર્ષ થયાં છે, ને એ પત્ર જ્યારે સ્થાપવામાં આવ્યું ત્યારે તેને કોઈ પણ નામ આપી તે દ્વારા અમુક પ્રકારના વિચારો બહાર પાડવા, અને તે જે વર્ગને રુચે તેમને જ માટે, પછી આ પત્ર વધારે વધારે પ્રયત્ન કરે તેમ કરવું એવો ઉદ્દેશ હતો.... પણ એકાદ વર્ષના અનુભવે એમ શીખવ્યું કે જે વર્ગ માટે એ વિષયો ધારવામાં આવ્યા છે તે વર્ગ તરફથી તેમને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી. આવા સંયોગોથી મૂળનું 'પ્રિયંવદા' એ નામ પણ નિરર્થક થઈ ગયું. પાંચ વર્ષની વય થઈ, હવે લાડનું નામ મૂકીને રીતસર નામ પાડવાનો સમય પણ આવ્યો. જેનું લાડનામ પ્રિય વદનાર હતું, તેનું સિદ્ધનામ શુભદર્શનવાળું, શુદ્ધદર્શન એટલે શુદ્ધ તત્ત્વનિર્ણય કરાવનાર, શ્રીકૃષ્ણે જેનાથી અજિતમાં અજિત એવી વ્યક્તિઓ અને મહાકાલાદિ અનન્ત પદાર્થોનો પણ પરાજય કરેલો એવા સર્વમયબ્ર્હ્મરૂપી ચક્રનું સ્મરણ કરાવનાર 'સુદર્શન' એટલે જ પાડવું એમ લાગતાવળતાની પ્રેરણા થઈ.

— મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ૧૮૯૦

પ્રકાશિત સામગ્રી[ફેરફાર કરો]

બીજા અનેક કવિઓની માફક કલાપીની પ્રથમ કાવ્યકૃતિ 'ફકીરી હાલ' આ સામયિકમાં પ્રગટ થઈ હતી. મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'નું બળવંતરાય ઠાકોરને ઉદ્દેશીને લખાયેલું કાવ્ય 'સખા પ્રતિ ઉક્તિ' આ સામયિકમાં પ્રગટ થયું હતું. પાછળથી 'આત્મનિમજ્જન' નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલા મણિલાલના બધાં જ કાવ્યો પ્રથમ 'પ્રિયંવદા' કે 'સુદર્શન'માં પ્રકાશિત થયાં હતાં. 'શ્રીમદ્ ભગવદગીતા'નો અનુવાદ અને 'ગુલાબસિંહ' નામની નવલકથા, જે 'પ્રિયંવદા'માં હપ્તાવાર પ્રગટ પ્રગટ થતાં હતાં, એ 'સુદર્શન'માં પૂર્ણાહૂતી પામ્યા હતા.[૧]

મણિલાલના મૃત્યું બાદ 'પ્રિયંવદા' અને 'સુદર્શન'માં પ્રગટ થયેલાં મણિલાલના લગભગ બધા જ ગદ્યલખાણો 'સુદર્શન ગદ્યાવલિ' (૧૯૦૯) શિર્ષક હેઠળ આનંદશંકર ધ્રુવ દ્વારા સંપાદિત થઈને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરિશંકર જોશી નામના મણિલાલના બે પ્રશંસકો દ્વાર પ્રગટ થયાં હતાં.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ઠાકર, ધીરુભાઇ (2008). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૦–૫૯૧. OCLC 259818465.
  2. મહેતા, હસિત (May 2012). "પંડિતયુગનાં સાહિત્યિક સામયિકો". માં મહેતા, હસિત (સંપાદક). સાહિત્યિક સામયિકો: પરંપરા અને પ્રભાવ (1st આવૃત્તિ). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ ૬૨. ISBN 978-93-82456-01-8. OCLC 824686453. Cite has empty unknown parameter: |1= (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]