લખાણ પર જાઓ

ઊંચો પર્વત, ઊંડી ખીણ

વિકિપીડિયામાંથી

ઊંચો પર્વત ઊંડી ખીણધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત ચરિત્રનાટક છે. આ નાટક ૧૯૯૩માં પ્રકાશિત થયું હતું.[]

પાર્શ્વભૂમિ

[ફેરફાર કરો]

ધીરુભાઈ ઠાકરે નાટકની પ્રસ્તાવનામાં લખે છે: 'મણિલાલના જાહેર અને અંગત જીવનની હકીકત, તેમના વિચારો, આદર્શો વગેરેની વિગત મને હસ્તામલકવત્ હતી. પરંતુ તે સામગ્રીને નાટકના રૂપમાં ઢાળીને તેમાંથી નાટ્યક્ષણો પકડીને સુર્દઢ નાટ્યબંધ તૈયાર કરવો તે કેટલું દુષ્કર કાર્ય છે તેનો અનુભવ લખતી વખતે થયો'.[]

આ નાટક ગુજરાતી નાટ્યકાર જનક દવેના દિગ્દર્શન હેઠળ ભજવાયું હતું. ભજવણીને અનુકૂળ બનાવવા માટે દિગ્દર્શકે નાટકમાં જરૂરી સુધારાવધારા કર્યા હતા.[]

કથાવસ્તુ

[ફેરફાર કરો]

ઊંચો પર્વત ઊંડી ખીણ નાટકમાં કથકનો ઉપયોગ થયો છે. લેખકે મણિલાલના કાવ્યો અને ગઝલો વગેરે સર્જનસામગ્રીનો ઉપયોગ નાટકની જરૂરિયાત મુજબ કર્યો છે.[]

બટુભાઈ ઉમરવાડિયા ટ્રસ્ટની નાટ્ય પુરસ્કાર યોજના અંતર્ગત મળેલા ૧૧ નાટકોમાંથી ઊંચો પર્વત ઊંડી ખીણ નાટકને પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યું હતું.[]

વિવેચક વિનોદ અધ્વર્યુ નોંધે છે: 'ધીરુભાઈએ મણિલાલ દ્વિવેદીની સાહિત્યસાધનાને ધ્યાનમાં રાખી અત્યંત સૂક્ષ્મતાથી સંશોધન કર્યું હોવાથી પ્રસ્તુત નાટકમાં વિગતોની પ્રમાણભૂતતા અને સત્યતા અંગે પૂરેપૂરી ચોકસાઈ રાખી છે'.[]

નાટ્યવિવેચક એસ. ડી. દેસાઈએ તા. ૨૮ જુલાઈ ૧૯૯૨ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આ નાટક વિશે લખતાં તેમાં કેન્દ્રીય સંઘર્ષનો અભાવ હોવાનું તેમજ નાટકના સંવાદો અમુક અંશે શબ્દાળુ તથા નાટકની વસ્તુગૂંથણી 'episodic' હોવાનું નોંધ્યું છે. હસમુખ બારાડી પ્રશંસા કરતા નોંધ્યું છે: 'ઊંચો પર્વત, ઊંડી ખીણ' આપણી ભૂમિની નાટ્યપ્રણાલીઓને અનુસરતું, એ પરંપરાઓને આધુનિક રીતે પ્રયોજતું ગુજરાતી નાટ્યપ્રયુક્તિઓનું વિશિષ્ટ ભૂમિજાત નાટક છે.[][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Desai, S.D. (December 2002). More Happenings: Gujarati Theatre Today (1990 – 1999). Gandhinagar: Gujarat Sahitya Academy. પૃષ્ઠ 69. ISBN 81-7227-113-1.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પટેલ, ભોળાભાઈ; પારેખ, મધુસૂદન; શેઠ, ચંદ્રકાન્ત; દેસાઈ, કુમારપાળ; દરજી, પ્રવીણ, સંપા. (જૂન ૨૦૦૭). સવ્યસાચી સારસ્વત (Life and Works of Shri Dhirubhai Thaker). અમદાવાદ: ધીરુભાઈ ઠાકર અભિવાદન સમિતિ. pp. ૨૩૮–૨૫૦.