પ્રિયંવદા

વિકિપીડિયામાંથી
પ્રિયંવદા
'પ્રિયંવદા'નું મુખપૃષ્ઠ, ડિસેમ્બર ૧૮૮૬
સંપાદકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
આવૃત્તિમાસિક
સ્થાપકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
પ્રથમ અંકAugust 1885 (1885-08)
છેલ્લો અંકSeptember 1890 (1890-09)
દેશબ્રિટીશ ભારત
મુખ્ય કાર્યાલયભાવનગર
ભાષાગુજરાતી

પ્રિયંવદા એ ગુજરાતી ભાષાનું સાહિત્યિક સામયિક હતું જેની સ્થાપના મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરી હતી. મહિલા વાચકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું આ સામયિક ઓગસ્ટ ૧૮૮૫થી ૧૮૯૦ સુધી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૧૮૯૦માં સ્ત્રીઓના મર્યાદિત વિષય ધરાવતું આ સામયિક બંધ કર્યા બાદ મણિલાલે ઓક્ટોબર ૧૮૯૦માં સ્ત્રી-પુરુષ વર્ગને ઉપયોગી થઈ પડે તેવું 'સુદર્શન' નામનું માસિક શરૂ કર્યું હતું.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૮૮૪માં મણિલાલની નારીપ્રતિષ્ઠા લેખમાળા પ્રસિદ્ધ થઈ હતી. કારકિર્દીની શરૂઆતમાં જ સ્ત્રી કેળવણીના વિચારોથી પ્રભાવિત થઈ ૧૮૮૫માં તેમણે વાર્ષિક એક રૂપિયાના લવાજમથી 'પ્રિયંવદા' સામયિકની શરૂઆત કરી હતી. તત્કાલીન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ, બાળલગ્નો, વિધવા પ્રશ્નો, સ્ત્રી શિક્ષણ જેવા મહિલાકેન્દ્રી વિચારસત્ત્વવાળું આ સામયિક 'સ્ત્રીબોધ બાદ સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપતું બીજું સામયિક હતું.[૧]:૪૫

'પ્રિયંવદા'ના પ્રકાશન સંબંધે મણિલાલે લખ્યું હતું કે :[૧]:૪૫

એ નિશ્ચય થયો કે એક ઘણું સસ્તું માસિક કાઢવું ને તેમાં સ્ત્રીઓ સંબંધી તો ખરું પણ પ્રાયશઃ એવી રીતિનું ને એવા વિષયનું લખાણ કરવું કે જે સ્ત્રીઓ પણ વાંચે અર્થાત્‌ સ્ત્રીઓને વાંચવાલાયક ન હોય તેવા વિષયો એમાં ન આવે.

— મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આત્મવૃત્તાંત

'પ્રિયંવદા'ના પ્રથમ અંકમાં મણિલાલે લખ્યું હતું કે:[૧]:૪૫

'પ્રિયંવદા' પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે પણ પોતાની સખીઓની તરફ તેની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી, તેમના કલ્યાણમાં, તેમના હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ પોતાનો ધર્મ માનશે ખરી.

— મણિલાલ નભુભાઈ દ્વિવેદી

તેમની નાદુરસ્ત તબિયતને કારણે મણિલાલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૧૮૮૮માં પ્રિયંવદા પ્રકાશિત કર્યું ન હતું, પરંતુ ઓક્ટોબરમાં ફરી શરૂ થયું હતું.[૨] સ્ત્રીકેન્દ્રી સામયિકમાં મર્યાદિત વિષયોનો જ સમાવેશ થઈ શકતો હોવાથી ૧૮૯૦માં 'પ્રિયંવદા'નું પ્રકાશન બંધ કરી મણિલાલે સ્ત્રી-પુરુષ બન્ને વર્ગને ઉપયોગી એવું 'સુદર્શન' નામનું સામયિક પ્રકટ કર્યું હતું.[૧]:૪૬

પ્રકાશિત સામગ્રી[ફેરફાર કરો]

'પ્રિયંવદા'માં ઘર, સુધારો, જ્ઞાન, વાચન, ધર્મ ઉપરાંત કાવ્યો, બાળઉછેર અને શરીરવિદ્યા સંબંધી લેખોનું પ્રકાશન કરવામાં આવતું હતું. મણિલાલની અનુવાદિત નવલકથા 'ગુલાબસિંહ' તેમાં હપ્તાવાર પ્રકટ કરવામાં આવી હતી.[૧]:૪૫ ઓગસ્ટ ૧૮૮૭થી (શ્રેણી ૩, અંક ૧) ભાષ્ય સાથે ગીતાનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર ૧૮૯૩માં સુદર્શન માં સમાપ્ત થયો હતો. (શ્રેણી ૮, અંક ૧૨). ઓગસ્ટ ૧૮૮૭થી સદવૃત્તિ શીર્ષક હેઠળની શ્રેણીમાં સેમ્યુઅલ સ્માઇલ્સના પુસ્તક કેરેક્ટરનો અનુવાદ પ્રકાશિત કર્યો હતો. આ શ્રેણી સુદર્શનમાં પણ ચાલુ રહી હતી, અને સપ્ટેમ્બર ૧૮૯૨માં (શ્રેણી ૭, અંક ૧૨)માં પૂર્ણ થઈ હતી.[૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ વ્યાસ, કિશોર (૨૦૦૯). સાહિત્યિક પત્રકારત્વ (સંવિવાદના તેજવલયો) ૨૦મી સદી પૂર્વાર્ધના સાહિત્ય-સામયિકોનો અભ્યાસ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 45–48.
  2. ૨.૦ ૨.૧ ઠાકર, ધીરુભાઈ (1957). મણિલાલ નભુભાઈ: જીવનરંગ. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ 151. OCLC 81126946.

પૂરક વાચન[ફેરફાર કરો]