આત્મવૃત્તાંત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આત્મવૃત્તાંત  
લેખકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારઆત્મકથા
પ્રકાશકનવભારત સાહિત્ય મંદિર
પ્રકાશન તારીખજુલાઈ ૧૯૭૯
OCLC નંબર6148165


આત્મવૃત્તાંતમણિલાલ દ્વિવેદી દ્વારા લીખિત આત્મકથા છે. આ પુસ્તકમાં મણિલાલે ૧૮૯૬ સુધીના પોતાના જીવનની હકિકતો આલેખી છે. મણીલાલના અવસાન પછી ૮૦ વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરએ સંપાદિત કરીને પ્રગટ કરી ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઘણો ઊહાપોહ થયો હતો, કેમ કે તેમાં લેખકના અંગતજીવનનું અને તેમના લગ્નબાહ્ય સંબધોનું નીર્ભિક આલેખન થયેલું છે. આ પુસ્તકમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

મણિલાલ દ્વિવેદી

૧૮૮૬ આસપાસ મણિલાલે ૨૮ વર્ષની ઉંમરે આ પુસ્તક કથા રૂપે લખવું શરૂ કરેલું અને પછી (૧૭-૧૧-૧૮૮૯ થી ૨૨-૮-૧૮૯૫ સુધી) ડાયરી રૂપે ચાલુ રહેલું.[૨]

મણિલાલે પોતાના મૃત્યુ પહેલાં આ આત્મકથાની હસ્તપ્રત પોતાના વિશ્વાસુ મિત્ર આનંદશંકર ધ્રુવને સોંપી હતી, જે આનંદશંકરે જીવનપર્યંત સાચવી હતી. તેમના અવસાન પછી આ હસ્તપ્રત તેમના જ્યેષ્ઠ પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસે રહી હતી. આનંદશંકરના જીવનકાળ દરમિયાન (૧૯૨૯-૩૧ દરમિયાન) અંબાલાલ પુરાણી, વિજયરાય વૈદ્ય તેમજ બીજા કેટલાક યુવાન લેખકોએ મણિલાલની આ આત્મકથા પ્રગટ કરવા માટે વિવાદ ઊભો કર્યો હતો. તથા વિજયરાય વૈદ્ય સંપાદિત સામાયિક 'કૌમુદી'માં તેને લગતા ચર્ચાપત્રો પ્રગટ થયાં હતાં. આ ચર્ચાપત્રોનો જવાબ આનંદશંકરે પોતાના સામાયિક 'વસંત'માં આપ્યો હતો. આનંદશંકરે 'કૌમુદી'ના જુલાઈ ૧૯૩૦ના અંકમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરી વિજયરાય વૈદ્યને સંબોધીને લખ્યું છે:[૩]

આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quincyનાં 'Confessions' જેવું, કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી. એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઈષ્ટ નથી એમ તો સહજ સ્વીકારાશે, અને એ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એમ નથી બલકે સાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ.ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી. આ લેખ મારા ઉપરાંત હજુ સુધી માત્ર સ્વ. માધવલાલે (સ્વ. મણિલાલના નાના ભાઈએ) જ વાંચ્યો છે અને એમણે પણ એ વાંચીને મને સ્પષ્ટ કહેલું કે એ પ્રસિદ્ધ કરવા જેવો નથી...
—આનંદશંકર ધ્રુવ, ૧૯૩૦[૩]

ત્યાર બાદ વિવાદ ઊભો કરનાર આ લેખકોની જિજ્ઞાસા સંતોષવા માટે આનંદશંકરે મણિલાલની આત્મકથા 'વસંત'માં ટુકડે ટુકડે પ્રગટ કરી હતી. તેમણે વિ.સં. ૧૯૮૬ (અંક ૪, ૭), ૧૯૮૭ (અંક ૧, ૮) અને ૧૯૮૮ (અંક ૧, ૩) દરમ્યાન છ ટૂકડે આત્મકથાનો કેટલોક ભાગ ખંડિત સ્વરૂપે પ્રગટ કર્યો હતો. તે દરમ્યાન આ યુવાન લેખકોનો ઊહાપોહ બંધ થઈ જતાં આનંદશંકરે આ આત્મકથાનો બાકીનો ભાગ પ્રગટ કરવાનું અટકાવી દીધું હતું. મૂળ હસ્તપ્રતનાં કુલ ૧૯૮ કે ૧૯૬ પાનામાંથી ૮૧ પાનાં જેટલું લખાણ આ રીતે પ્રગટ થવા પામ્યું હતું. અંબાલાલ પુરાણીએ આ આત્મકથાની હસ્તપ્રત મેળવવા ૧૫ વખત પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ એ મેળવી શકયા ન હતા. આનંદશંકરે સાચવી રાખેલી આ હસ્તપ્રત તેમના અવસાન બાદ તેમના પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસેથી ૧૯૫૦ની આસપાસ ધીરુભાઈ ઠાકરે પોતાના સંશોધનાત્મક અભ્યાસ માટે મેળવી હતી. ધીરુભાઈ ઠાકરે આ આત્મકથા પુસ્તકરૂપે ૧૯૭૯માં પ્રગટ કરી હતી.[૩]

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

ધીરુભાઈ ઠાકરે આ આત્મકથાને 'લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામનાર જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતુષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે જિંદગીભર ચલાવેલા યુદ્ધની દારૂણ કથા' કહીને ઓળખાવી છે.[૪] લેખકના જાતીય જીવનના સંઘર્ષની નિખાલસ કબૂલાતો આપતું આ આત્મચરિત્ર સત્યકથનથી નોખી ભાત પાડે છે - એમ કહીને ચંદ્રકાન્ત ટોપીવાળાએ એની પ્રશંસા કરેલ છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (૧૯૯૭). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૫૨૮. 
  2. "સવિશેષ પરિચય: મણિલાલ દ્વિવેદી, ગુજરાતી સાહિત્ય પરિષદ". Gujarati Sahitya Parishad. Retrieved ૫ જૂન ૨૦૧૮. 
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ઠાકર, ધીરુભાઈ (May 2011). કેટલાક સાહિત્યિક વિવાદો (1st ed.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૧૩૪–૧૩૮. 
  4. ઠાકર, ધીરુભાઈ (May 1980). મણિલાલ નભુભાઈ. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૨૨ (1st ed.). અમદાવાદ: કુમકુમ પ્રકાશન. pp. ૫૩–૫૪. 
  5. ટોપીવાળા, ચંદ્રકાન્ત, ed. (1998). ગુજરાતી આત્મકથાલેખન (1st ed.). ન્યૂ દિલ્હી: સાહિત્ય અકાદમી. p. ૧૧. ISBN 81-260-0371-5. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં આત્મવૃત્તાંતને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.