આત્મનિમજ્જન

વિકિપીડિયામાંથી

આત્મનિમજ્જન ([a.tmə.ni.mə.ɟɟən]) એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીના કાવ્યોનો સંગ્રહ છે જે સૌપ્રથમ ૧૮૯૫માં પ્રકાશિત થયો હતો. તેની પ્રથમ આવૃત્તિ (૧૮૯૫)માં ૪૦, બીજી આવૃત્તિ (૧૯૧૪)માં ૪૫ અને ત્રીજી આવૃત્તિ (૧૯૫૯)માં ૫૫ કાવ્યરચનાઓ સંગ્રહાયેલી છે. આ પુસ્તકમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો સમાવેશ પામી છે.[૧]

આ સંગ્રહની રચનાઓમાંથી 'ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે' અને 'ર્દગ રસભર' જેવી ગીતરચનાઓ તથા 'અમર આશા', 'દુનિયાબિયાંબા', 'કિસ્મત', 'આ જામે ઇશ્કમાં' જેવી ગઝલરચનાઓને મણિલાલની ઉત્તમ કૃતિઓ માનવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મણિલાલ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા તે જ વર્ષે (૧૮૭૬માં) તેમણે 'શિક્ષાશતક' નામનો ૧૦૧ બોધક પદ્યખંડોનો નાનકડો સંગ્રહ જાતે છપાવીને પ્રગટ કર્યો હતો અને પોતાના કવિમિત્ર બાલાશંકર કંથારીયાને અર્પણ કર્યો હતો. ૧૮૮૭માં મણિલાલે 'પ્રેમજીવન' નામે ૧૧ કાવ્યોનો સંગ્રહ અને તેની જાતે લખેલ ટીકા સહિત પ્રગટ કર્યો. ત્યારબાદ આશરે સાતેક વર્ષ પછી એટલાં જ કાવ્યોનું ઝૂમખું તેમણે 'અભેદોર્મિ' શીર્ષકથી બહાર પાડ્યું. ૧૮૯૫માં, તે જ વર્ષના જૂન માસ સુધીમાં પોતે રચેલી બધી જ પદ્યરચનાઓ—ઉપયુક્ત 'પ્રેમજીવન' અને 'અભેદોર્મિ'નાં ૨૨ કાવ્યો તથા બીજા 'મિશ્ર-ધ્વની'નાં પંદર કાવ્યો, 'જવનિકા' શિર્ષક હેઠળ પ્રગટ કરેલાં બે કાવ્યો તેમજ 'ઉપહાર' શિર્ષકનું એક કાવ્ય એમ કુલ ચાળીશ કાવ્યોનો સંગ્રહ 'આત્મનિમજ્જન' નામે પ્રગટ કર્યો.[૨]

મણિલાનું ૧૮૯૮માં મૃત્યુ થયા બાદ, આ સંગ્રહની બીજી આવૃત્તિ, તેમના નાના ભાઈ માધવલાલ દ્વિવેદીએ ૧૯૧૪માં પ્રગટ કરી હતી, જેમાં ૧૮૯૫થી ૧૮૯૮ના ગાળામાં મણિલાલે લખેલાં બીજા પાંચ કાવ્યોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ૧૯૫૯માં ધીરુભાઈ ઠાકરે મણિલાલના બીજા ૧૦ અપ્રકાશિત કાવ્યો શોધીને 'આત્મનિમજ્જન'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી હતી.[૨]

વિષયવસ્તુ[ફેરફાર કરો]

મણિલાલનો કાવ્યાત્મક આદર્શ નર્મદ સાથેના તેમના સંપર્કથી, તેમના પોતાના દાર્શનિક દૃષ્ટિકોણ અને અંગ્રેજી કવિતાના અભ્યાસથી પ્રભાવિત હતો. પોતાના સાહિત્યિક સામયિક પ્રિયંવદા (પાછળથી સુદર્શન)માં મણિલાલે લખ્યું હતું કે તેમની ઘણી કવિતાઓ તેમના પોતાના તીવ્ર અંગત અનુભવોમાંથી આવી હતી.[૩]

૨૨ વર્ષના તેમના કવિતાલેખન (૧૮૭૬–૧૮૯૮) દરમિયાન મણિલાલે વિવિધ કાવ્યાત્મક સ્વરૂપો અજમાવ્યા હતા. આત્મનિમજ્જનમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો સમાવેશ કરવામાં આવ્યો છે.[૩]

મણિલાલની મોટાભાગની રચનાઓમાં ગીતોની સંખ્યા ત્રીસ છે. ધીરુભાઈ ઠાકરના મતે, "ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે", "ઊડી જા તું ગાફેલ ગભારા" , "સાચી બલમ પ્રીતિ ના બને" , "પ્રિત વશકરણી વિદ્યા જાણજો" અને "અમે વૈરાગી વૈરાગી જનમના વૈરાગી" અદ્વૈત હિંદુ દર્શનશાસ્ત્રની ઉત્તમ અભિવ્યક્તિ છે.[૩]

આવકાર અને વિવેચન[ફેરફાર કરો]

ગુજરાતી વિવેચક ચીમનલાલ ત્રિવેદીએ આ રચનાને 'ઉચ્ચ કોટીની' અને મણિલાલની 'ચિરંજીવ' રચના તરીકે ઓળખાવી છે.[૪]

ધીરુભાઈ ઠાકરના મતે આધુનિક ગુજરાતી કવિતામાં મણિલાલનું યોગદાન એ આત્મનિજ્જન મારફતે તેમણે લાવેલી દાર્શનિક ગંભીરતાના સ્પર્શમાં છે. તેમણે કવિતા "દૃગ રસબર" ને કવિતાના ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી છે જે વ્યક્તિલક્ષી લાગણીને સાર્વત્રિક અનુભવમાં રૂપાંતરિત કરે છે.[૩] ઠાકર નોંધે છે કે મણિલાલની તેમની દરેક કવિતાની ટિપ્પણી ગુજરાતી કવિતાના ઇતિહાસમાં અનન્ય છે.

મણિલાલે તેમની કવિતાઓ "ઉપહાર" અને "જન્મદિવસ"માં તેમના કાવ્યાત્મક વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા માટે પૃથ્વી છંદનો ઉપયોગ કર્યો છે. ધીરુભાઈ નોંધે છે કે બળવંતરાય ઠાકોરની કવિતામાં પણ આ જ પ્રકારનો પ્રયોગ જોવા મળે છે પરંતુ આ સંદર્ભમાં મણિલાલ બળવંતરાયના પુરોગામી છે.[૩]

ગુજરાતી વિવેચક ત્રિભુવનદાસ લુહાર (સુંદરમ)એ પોતાના વિવેચન કાર્ય 'અર્વાચીન કવિતા'માં "પ્રેમજીવન" અને "અભેદ્‌ઉર્મિ" કવિતાઓને ગુજરાતી કવિતાની શ્રેષ્ઠ રચનાઓ તરીકે ટાંકી હતી.[૫]

આત્મનિમજ્જનમાં બાર ગઝલો છે[૫] જેમાં વિવેચકો ચીમનલાલ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય અને ધીરુભાઈ ઠાકર "કિસ્મત", "આનંદઉર્મી", "જામે ઇશ્ક" , "આહા ! હુ એકલો" , અને "અમર આશા"ને મણિલાલની શ્રેષ્ઠ રચનાઓ ગણે છે.[૩] ગઝલ "અમર આશા" ગુજરાતી ભાષામાં ખૂબ જ લોકપ્રિય બની હતી. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેની સમીક્ષા લખી હતી અને તેમણે તેમના સામયિક ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રકાશિત કરી હતી.[૬] વિવેચક મનસુખલાલ ઝવેરી "અમર આશા"ને 'ગુજરાતી કવિતાનું રત્ન' કહે છે.[૭]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (૨૦૦૧). "આત્મનિમજ્જન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ – આ) (બીજી આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૬૧. OCLC 248967673. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (૨૦૦૦) [૧૮૯૫]. "संपादकीय". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). આત્મનિમજ્જન. મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી–3 (ચોથી આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 9. ISBN 81-7227-075-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Thaker, Dhirubhai (1983). Manilal Dwivedi. Makers of Indian Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 80–83. OCLC 10532609.
  4. ત્રિવેદી, ચીમનલાલ (૧૯૬૩). ઊર્મિકાવ્ય (પ્રથમ આવૃત્તિ). સુરત: ધી પોપ્યુલર બુક સ્ટોર. પૃષ્ઠ ૧૮૫–૧૮૬.
  5. ૫.૦ ૫.૧ લુહાર, ત્રિભુવનદાસ 'સુંદરમ્‌' (1946). અર્વાચીન કવિતા (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. પૃષ્ઠ 173–174. OCLC 9732439.
  6. ઠાકર, ધીરુભાઈ (1956). મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના. Ahmedabad: Gurjar Grantharatna Karyalay. પૃષ્ઠ XV–XVI. OCLC 80129512.
  7. Jhaveri, Mansukhlal Maganlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 102. OCLC 639128528.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]