ગુજરાત સાહિત્ય અકાદમી

વિકિપીડિયામાંથી
ગુજરાત સાહિત્ય અકાદમી
અકાદમી મુખ્યાલય, ગાંધીનગર
સ્થાપના24 September 1981 (1981-09-24)
સ્થાપકગુજરાત સરકાર
પ્રકારસાહિત્યિક સંસ્થા
હેતુસાહિત્યિક અને ભાષા વિકાસ
મુખ્યમથકોઅભિલેખાગાર ભવન, સેક્ટર-૧૭, ગાંધીનગર, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°13′28″N 72°39′16″E / 23.224431°N 72.654421°E / 23.224431; 72.654421
ક્ષેત્રોગુજરાતી સાહિત્ય
અધ્યક્ષ
ભાગ્યેશ જહા
રજીસ્ટ્રાર
જયેન્દ્રસિંહ જાદવ
Main organ
શબ્દસૃષ્ટિ
જોડાણોરમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય, ગુજરાત સરકાર
વેબસાઇટsahityaacademy.gujarat.gov.in

ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરી રહી છે. હાલમાં ભાગ્યેશ જહા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

અકાદમીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૧ના રોજ કરવામાં આવી હતી. તેનું ઉદ્‌ઘાટન ૧૭ જૂન ૧૯૮૨ના રોજ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની નિયુક્તિ સાથે કરવામાં આવ્યું હતું.[૨][૩]

પ્રવૃત્તિ[ફેરફાર કરો]

અકાદમીનો મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રમાણે છે.[૨]

 • ગુજરાતી, સંસ્કૃત અને અન્ય આધુનિક ભાષાઓના વિકાસને ઉત્તેજન આપવા માટે ગુજરાતની સંસ્થા-સંગઠનો અને લેખકોને પ્રોત્સાહિત કરવા.
 • ગુજરાતી લોક સાહિત્યને લગતા સંશોધનને પ્રોત્સાહન આપવું.
 • સાહિત્યના પુસ્તકો પ્રકાશિત કરવા.
 • પુસ્તકાલયોની જાળવણી કરવી.
 • સાહિત્યના વિભિન્ન સ્વરૂપોના વિવેચન પ્રકાશિત કરવા.
 • સાહિત્યિક સમિતિઓને ઓળખવી અને સહાયતા કરવી.
 • જાણીતા લેખક-કવિઓના જન્મદિન સમારોહનું આયોજન કરવું.
 • સાહિત્યના વિભિન્ન સ્વરૂપોમાં પ્રકાશિત પુસ્તકોને પુરસ્કૃત કરવાં.
 • સાહિત્યના વિદ્યાર્થીઓને આર્થિક શિષ્યવૃત્તિઓનો પુરસ્કાર આપવો.
 • ગુજરાતમાં વસવાટ કરનારા વયસ્ક, શારીરિક રીતે વિકલાંગ લેખકોને આર્થિક સહાય કરવી.
 • સ્થાપિત લેખકોને વાર્ષિક પુરસ્કાર ગુજરાત ગૌરવ પુરસ્કાર અને નવોદિત યુવા લેખકોને યુવા ગૌરવ પુરસ્કાર એનાયત કરવો.
 • વર્ષ ૨૦૧૬થી, અકાદમી દ્વારા ગુજરાતી લેખકોને તેમના નોંધપાત્ર પ્રદાન માટે સાહિત્ય રત્ન પુરસ્કાર તથા હાસ્ય સાહિત્યમાં યોગદાન બદલ રમણલાલ નિલકંઠ હાસ્ય પારિતોષિક આપવામાં આવે છે.

સંસ્થા[ફેરફાર કરો]

ગુજરાત સાહિત્ય અકાદમી અન્ય પાંચ સાહિત્યિક અકાદમીઓની દેખરેખ કરી રહી છે. જેમાં હિન્દી ભાષા માટે હિંદી સાહિત્ય અકાદમી, સંસ્કૃત ભાષા માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, સિંધી ભાષા માટે સિંધી સાહિત્ય અકાદમી, કચ્છી ભાષા માટે કચ્છી સાહિત્ય અકાદમી અને ઉર્દૂ ભાષા માટે ઉર્દૂ સાહિત્ય અકાદમીનો સમાવેશ થાય છે. મહામાત્ર (રજીસ્ટ્રાર) તમામ પાંચેય અકાદમીઓના પ્રશાસનિક પ્રમુખ હોય છે. લોક સાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય તથા અન્ય ભારતીય ભાષાઓ માટે ત્રણ સ્થાયી સમિતિઓ હોય છે. પ્રત્યેક સમિતિમાં પાંચ સરકારી સભ્યો સહિત કુલ દસ સભ્યો હોય છે.[૨]

અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મહામાત્ર ત્રણેયની અકાદમી પર દૈનિક દેખરેખ હોય છે. અકાદમીનું સંપૂર્ણ નિયંત્રણ સામાન્ય સભા અને કાર્યકારી પરિષદ દ્વારા થાય છે. સામાન્ય સભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. સામાન્ય સભા કુલ ૪૧ સભ્યોની બનેલી છે. જેમાં ગુજરાતના શિક્ષા આયુક્ત (કમિશનર), શિક્ષણ વિભાગના આર્થિક સલાહકાર, અકાદમીના મહામાત્ર, ગુજરાતના ઉચ્ચ શિક્ષા આયુક્ત, ગુજરાતી ભાષાના નિર્દેશક, રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલ સાહિત્યિક સમુદાયના ૯ સભ્યો, ગુજરાત વિશ્વવિદ્યાલયના ૮ સભ્યો, સામાન્ય સભા દ્વારા ચૂંટાયેલા બે સભ્યો, ગુજરાતી લેખકો દ્વારા નિયુક્ત કરાયેલ સમિતિ દ્વારા ચૂંટાયેલા ૯ સભ્યો, તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત બે સદસ્યોનો સમાવેશ થાય છે. કાર્યકારી પરિષદ એ અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામાત્ર, ગુજરાતના શિક્ષા આયુક્ત, શિક્ષણ વિભાગના આર્થિક સલાહકાર સહિત મહત્તમ દસ સભ્યોની બનેલી હોય છે. જે પૈકી પાંચ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.[૪]

કચ્છી સાહિત્ય અકાદમી[ફેરફાર કરો]

ગુજરાત સાહિત્ય અકાદમીની જેમ કચ્છી સાહિત્ય અકાદમીએ ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીનો ભાગ છે.[૨]

અધ્યક્ષોની સૂચિ[ફેરફાર કરો]

નિમ્નલિખિત વ્યક્તિઓએ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે:[૫]

ક્રમ નામ નિયુક્તિ પદમુક્ત
મોહમ્મદ માંકડ ૧૭ જૂન ૧૯૮૨ ૨૬ એપ્રિલ ૧૯૮૪
કુલિનચંદ્ર યાજ્ઞિક ૨૭ એપ્રિલ ૧૯૮૪ ૨૭ ડિસેમ્બર ૧૯૮૪
ભૂપત વડોદરીયા ૨૮ ડિસેમ્બર ૧૯૮૪ ૧૩ માર્ચ ૧૯૮૬
રમણલાલ જોષી ૧૪ માર્ચ ૧૯૮૬ ૭ જૂન ૧૯૮૭
હસમુખ પટેલ (શિક્ષણ મંત્રી) ૮ જૂન ૧૯૮૭ ૧૦ ડિસેમ્બર ૧૯૮૮
અરવિંદ સંઘવી (શિક્ષણ મંત્રી) ૧૧ ડિસેમ્બર ૧૯૮૮ ૧૨ ડિસેમ્બર ૧૯૮૯
હસમુખ પટેલ (શિક્ષણ મંત્રી) ૧૩ ડિસેમ્બર ૧૯૮૯ ૧૧ માર્ચ ૧૯૯૦
કરસનદાસ સોનેરી (શિક્ષણ મંત્રી) ૧૨ માર્ચ ૧૯૯૦ ૧૧ ઓગસ્ટ ૧૯૯૧
મનુભાઈ પંચોળી ૧૨ ઓગસ્ટ ૧૯૯૧ ૧૯૯૮
૧૦ ભોળાભાઈ પટેલ ૫ ઓક્ટોબર ૧૯૯૮ ૨૦૦૩
૧૧ સચિવ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય, ગુજરાત સરકાર ૨૦૦૩ ૬ મે ૨૦૧૫
૧૨ ભાગ્યેશ જહા ૭ મે ૨૦૧૫[૬] ૧૩ મે ૨૦૧૭
૧૩ વિષ્ણુ પંડ્યા ૧૩ મે ૨૦૧૭[૬][૭] ૧૩ મે ૨૦૨૨
૧૪ ખાલી જગ્યા ૧૪ મે ૨૦૨૨ ૨૧ જુલાઈ ૨૦૨૨
૧૫ ભાગ્યેશ જહા[૧] ૨૨ જુલાઈ ૨૦૨૨ વર્તમાન

મહામાત્રની યાદી[ફેરફાર કરો]

નિમ્નસૂચિત વ્યક્તિઓએ અકાદમીના મહામાત્ર (રજીસ્ટ્રાર) તરીકે સેવા આપેલ છે:[૫][૩]

ક્રમ મહામાત્ર નિયુક્તિ પદમુક્ત
હસુ યાજ્ઞિક ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૨ ૨૯ ફેબ્રુઆરી ૧૯૯૬
ડંકેશ ઓઝા ૧ મે ૧૯૯૭ ૧૬ માર્ચ ૧૯૯૮
દલપત પઢિયાર ૧૨ જૂન ૧૯૯૮ ૯ મે ૨૦૦૦
કે.એમ.પંડ્યા ૧૦ મે ૨૦૦૦ ૩ સપ્ટેમ્બર ૨૦૦૩
વી.વી.પંડિત ૪ સપ્ટેમ્બર ૨૦૦૩ ૩ સપ્ટેમ્બર ૨૦૦૫
કિરીટ દૂધાત ૨૨ જાન્યુઆરી ૨૦૦૮ (અન્ય વિભાગમાંથી) ?
હર્ષદ ત્રિવેદી ૫ ડિસેમ્બર ૨૦૦૯ ૨૭ જુલાઈ ૨૦૧૪
ચેતન શુક્લા ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ ૧૭ ઓગસ્ટ ૨૦૧૫
મનોજ ઓઝા ૧૮ ઓગસ્ટ ૨૦૧૫ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭
૧૦ અજયસિંહ ચૌહાણ ડિસેમ્બર ૨૦૧૭ ૩ માર્ચ ૨૦૨૦
૧૧ હિમ્મત ભાલોડીયા ૧ જુલાઈ ૨૦૧૭ ૧૭ ઓગસ્ટ ૨૦૨૧
૧૨ જયેન્દ્રસિંહ જાદવ ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ ૨૭ જૂન ૨૦૨૨
૧૩ દીપક પટેલ (ચાર્જમાં) ૨૮ જૂન ૨૦૨૨ ૨૧ જુલાઈ ૨૦૨૨
૧૪ જયેન્દ્રસિંહ જાદવ ૨૨ જુલાઈ ૨૦૨૨ વર્તમાન

વિવાદ[ફેરફાર કરો]

અકાદમી એક સ્વાયત્ત સંસ્થા છે જે તેના બંધારણ અનુસાર સામાન્ય સભાના ૪૧ સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનો અધ્યક્ષ ચૂંટી શકે છે.[૮]

વર્ષ ૨૦૦૩થી ૨૦૧૫ દરમિયાન સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા ન કરવાથી અકાદમીનું અધ્યક્ષ પદ ખાલી રહ્યું હતું.[૩] આ સમયગાળામાં અકાદમીનું સંચાલન પ્રભારી મહામાત્ર તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ દ્વારા કરવામાં આવતુ હતું. એપ્રિલ ૨૦૧૫માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વિના જ નિવૃત સનદી અધિકારી તથા ગુજરાતી ભાષાના લેખક ભાગ્યેશ જહાને અકાદમીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.[૬] પરિણામે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ અને કેટલાંક લેખકો (મનિષી જાની, શિરિષ પંચાલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ભરત મહેતા, પરેશ નાયક અને રાજુ સોલંકી) દ્વારા સ્વાયત્ત અકાદમી આંદોલન ચલાવવામાં આવ્યું.[૯] પરિષદે વિરોધ દર્શાવતાં અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો. માર્ચ ૨૦૧૬માં ગુજરાતી કવિ હર્ષ બ્રહ્મભટ્ટે તેમના પુસ્તક માટે આપવામાં આવેલ પુરસ્કારનો અસ્વીકાર કર્યો.[૧૦] પ્રવિણ પંડ્યાએ પણ અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૪માં આપવામાં આવેલ પુરસ્કાર પરત કરી પોતાનો વિરોધ દર્શાવ્યો.[૧૧] અન્ય એક ગુજરાતી લેખક અને સાહિત્યકાર ભરત મહેતાએ અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૮માં આપવામાં આવેલ પુરસ્કાર પરત કરી દીધો.[૮] ધીરુ પરીખે અન્ય ગુજરાતી લેખકો સાથે મળીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં જાહેર હિતની અરજી દાખલ કરી.[૮][૧૧][૬] જાન્યુઆરી ૨૦૨૦માં બીજા એક લેખક બિપીન પટેલે અકાદમી તરફથી તેમના વાર્તાસંગ્રહ 'વાંસના ફૂલ' માટે જાહેર થયેલા એવોર્ડનો અસ્વિકાર કર્યો હતો, અને કહ્યું હતું કે "અકાદમીએ પોતાની સ્વાયત્તતા ૨૦૧૩થી ગુમાવી દીધેલ છે, અને રાજ્ય સરકાર તેને પુન:સ્થાપિત કરવા કોઈ પગલું લઈ નથી રહી".[૧૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "ભાગ્યેશ જહા ફરી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ બન્યા". janmabhoominewspapers.com. 22 July 2022. મેળવેલ 14 November 2022.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Syed Amanur Rahman; Balraj Verma (9 August 2005). The Beautiful India - Gujarat. New Delhi: Reference Press. પૃષ્ઠ 231–233. ISBN 81-88583-98-7. મેળવેલ 27 August 2017.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૩૯૬. ISBN 978-93-5108-247-7.
 4. ધમેલીયા, પ્રિતી વાય. (2016). ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર 'પરબ' તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર 'શબ્દસૃષ્ટિ'ના વિશેષાંકોનો સમિક્ષાત્મક અભ્યાસ (Thesis). ભાવનગર: ભાવનગર યુનિવર્સિટી. પૃષ્ઠ ૮–૨૭. hdl:10603/129321.
 5. ૫.૦ ૫.૧ "List of all Members | Gujarat Sahitya Academy". sahityaacademy.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-21.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "Vishnu Pandya replaces Bhagyesh Jha at Sahitya Akademi". The Times of India. 2017-05-13. મેળવેલ 2017-10-25.
 7. "Vishnu Pandya appointed Chairman of Gujarat Sahitya Akademi". DeshGujarat. 2017-05-12. મેળવેલ 2017-10-25.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ "Bharat Mehta returns state Akademi award". The Indian Express. 2015-11-04. મેળવેલ 2017-10-25.
 9. "Writers demand autonomy for Sahitya Academy". The Indian Express. 2011-06-06. મેળવેલ 2017-10-24.
 10. "Writer declines award from 'non-autonomous' Academy". The Indian Express. 2016-03-29. મેળવેલ 2017-10-24.
 11. ૧૧.૦ ૧૧.૧ "Writer returns award to Gujarat Sahitya Parishad". The Times of India. 2016-01-15. મેળવેલ 2017-10-24.
 12. Patadiya, Vishal (20 January 2020). "Writer refuses Sahitya Academy prize". Ahmedabad Mirror. મેળવેલ 20 January 2020.

બાહ્ય કડી[ફેરફાર કરો]