ચીમનલાલ ત્રિવેદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચીમનલાલ શિવશંકર ત્રિવેદી (જન્મ: ૨ જૂન ૧૯૨૯) ગુજરાતી ભાષાના વિવેચક અને સંપાદક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગુજરાતના મુજપુરમાં ‍(હવે પાટણ જિલ્લામાં) થયો હતો. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી તેમણે ૧૯૬૧માં પીએચ.ડી. પૂર્ણ કર્યું. ૧૯૫૧થી તેમણે વિભિન્ન કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન કર્યું અને છેલ્લે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા હતા.[૧]

સર્જન[ફેરફાર કરો]

પિંગલ દર્શન (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. ઊર્મિકાવ્ય (૧૯૬૬)માં ઊર્મિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલો કવિ નાકર-એક અધ્યયન (૧૯૬૬) એમનો નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની નાકર (૧૯૭૯) પુસ્તિકામાં તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- ખંડ ૨ માં જળવાયું છે. ચોસઠનું ગ્રંથસ્થ વાઙમય (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ભાવલોક (૧૯૭૬) અને ભાવમુદ્રા (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખો છે. ભાવમુદ્રામાંનો ગુજરાતીમાં છંદોરચના એ દીર્ઘ લેખ ગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે.

આપણાં ખંડકાવ્યો (૧૯૫૭), સુદામાચરિત્ર (૧૯૬૩), કુંવરબાઈનું મામેરું (૧૯૬૪), અભિમન્યુ આખ્યાન (૧૯૬૭), વિરાટ પર્વ (૧૯૬૯), કાલેલકર ગ્રંથાવલિ (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તથા ગ્રંથ અને ગ્રંથકાર- ભા.૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.[૧] મધ્ય યુગીન ઉર્મિકાવ્યો (૧૯૯૮‌), મધ્ય યુગીન ગુજરાતી કવિતાઓનું સંકલન, ચિનુ મોદી સાથેનું સહસંપાદન છે.[૨]

પુરસ્કારો[ફેરફાર કરો]

૨૦૦૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ દવે, રમેશ. "ચીમનલાલ ત્રિવેદી". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  2. D. S. Rao (૧ જાન્યુઆરી ૨૦૦૪). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. p. ૫૦. ISBN 978-81-260-2060-7. Retrieved ૨૨ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. pp. ૧૪૦૩. ISBN 978-93-5108-247-7. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]