ચિનુ મોદી

વિકિપીડિયામાંથી
ચિનુ મોદી
ચિનુ મોદી, અમદાવાદ, ૧૯૯૯
ચિનુ મોદી, અમદાવાદ, ૧૯૯૯
જન્મનું નામ
ચિનુ ચંદુલાલ મોદી
જન્મચિનુ ચંદુલાલ મોદી
૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯
વિજાપુર, મહેસાણા જિલ્લો, ગુજરાત
મૃત્યુ૧૯ માર્ચ, ૨૦૧૭
અમદાવાદ
ઉપનામઈર્શાદ
વ્યવસાયકવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ.એ.
  • પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થા
સમયગાળોઅનુ-ગાંધી યુગ
સાહિત્યિક ચળવળ
  • હોટેલ પોએટ્સ ગ્રુપ
  • 'રે' મઠ
નોંધપાત્ર સર્જનો
  • અશ્વમેઘ (૧૯૮૬)
  • બાહુક (૧૯૮૨)
  • કલાખ્યાન (૨૦૦૩)
નોંધપાત્ર પુરસ્કારોઉશનસ્ પુરસ્કાર
૧૯૮૨-૮૩

નરસિંહ મહેતા એવોર્ડ
૨૦૦૮

સાહિત્ય અકાદમી એવોર્ડ
૨૦૧૩
સહી
ચિનુ મોદી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધગુજરાતીમાં ખંડકાવ્ય (૧૯૬૯[૧])

ચિનુ મોદી (૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ - ૧૯ માર્ચ ૨૦૧૭) (ઉપનામ: ઈર્શાદ) ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા. તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તેમને ઘણાં પુરસ્કારો જેવાં કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા હતા.[૨]

જીવન[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

યુવાન ચિનુ મોદી

તેમનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ ચંદુલાલ અને શશિકાંતાબેનને ત્યાં વિજાપુરમાં થયો હતો. તેમનું વતન કડી હતું.[૩] તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ વિજાપુર અને માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં શેઠ હસનઅલી હાઇસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. ૧૯૫૪માં તેમણે મેટ્રિક ઉત્તીર્ણ કર્યું.[૪][૫]

  • ૧૯૫૮ - બી.એ. (ગુજરાતી/ઇતિહાસ) ગુજરાત યુનિવર્સિટી.
  • ૧૯૬૦ - એલ.એલ.બી., ગુજરાત યુનિવર્સિટી.
  • ૧૯૬૧ - એમ.એ. (ગુજરાતી/હિન્દી), ગુજરાત યુનિવર્સિટી.
  • ૧૯૬૮ - ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)[૬]

વ્યવસાય[ફેરફાર કરો]

  • ૧૯૬૧ - ૬૪ - કપડવંજ અને તલોદની કોલેજોમાં અધ્યાપન
  • ૧૯૬૪ - ૭૫ - અમદાવાદમાં સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
  • ૧૯૭૫ - ૭૭ - અમદાવાદમાં ઇસરો (ISRO)માં સ્ક્રીપ્ટરાઇટર
  • ૧૯૭૭ થી ૨૦૧૭ - જાહેરાત ક્ષેત્રે ફ્રીલાન્સર
  • પિતાના આઇ.એ.એસ. કરવાના આગ્રહને ઠુકરાવી ગુજરાતી શિક્ષક બનવાની હિમ્મત.
  • પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતાં ચંડીપાઠી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમનો ’વસંત વિલાસ’ - સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો.
  • જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહોર્યો.
  • ‘રે’ મઠના મુખ્ય કવિ, રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વિ. સહ મિત્રો
  • ‘રે’ , કૃતિ, ઉન્મૂલન, ઓમિસિયસ ( હોટેલ પોએટ્સ ગ્રુપ) સામાયિકોના તંત્રી
  • ‘આકંઠ સાબરમતી’ માં લાભશંકર ઠાકર સાથે નાટ્યપ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા.
  • તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારો ના સર્જક
  • અકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા છે
  • વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટેની વર્કશોપો કરી છે.
  • માતા-શશિકાન્તા; પિતા- ચંદુલાલ
  • પત્ની: ૧. લગ્ન – ૧૯૫૮ (કડી), ૨. હંસા – ૧૯૭૭ (અમદાવાદ)
  • સંતાનો: ત્રણ

સર્જન[ફેરફાર કરો]

ચિનુ મોદીએ કુલ ૫૨ પુસ્તકોનું સર્જન કર્યું છે.

  • કવિતા- વાતાયન, ઊર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ , બાહુક (નળાખ્યાન આધારિત ખંડકાવ્ય), અફવા, ઈનાયત, પર્વતને નામે પથ્થર
  • નાટક - ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી), કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ
  • નવલકથા- શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ (વિશેષ જાણીતી કથા), પહેલા વરસાદનો છાંટો
  • વાર્તાસંગ્રહ - ડાબી મૂઠી, જમણી મૂઠી (પદ્ય-સભર વાર્તાઓ)
  • વિવેચન - મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ
  • ચરિત્ર - કૃષ્ણલાલ શ્રીધરાણી
  • સંપાદન - ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ
  • અનુવાદ- વસંતવિલાસ (મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

એમની પ્રારંભકાળની ‘વાતાયન’ (૧૯૬૩)ની કવિતા સંવેદન અને છંદઆયોજન પરત્વે અનુગાંધીયુગીન સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરે છે; પરંતુ ‘રે મઠ’ના કવિમિત્રોના સંપર્કમાં આવ્યા પછી તરત એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટ થાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં બીજી રચનાઓ ઉમેરીને પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’ (૧૯૭૪)ની કવિતામાં છાંદસની સાથે અછાંદસ કવિતા રચવાનું વલણ દેખાય છે. ત્યારપછી પ્રગટ થયેલા ‘શાપિત વનમાં’ (૧૯૭૬) અને ‘દેશવટો’ (૧૯૭૮)ની રચનાઓમાં એ વલણ વિશેષ પ્રભાવક બને છે. જીવન પ્રત્યેની નિર્ભ્રાન્તિ, એકવિધ જીવન પ્રત્યેની ઉબક, માનવસમાજે ઊભાં કરેલાં મૂલ્યોની મજાક વગેરે આધુનિક સંવેદન એમાં વ્યક્ત થાય છે. અછાંદસ રચનાઓની સાથે ગઝલ પણ ‘રે મઠ’ના કેટલાક કવિમિત્રો દ્વારા આધુનિક મિજાજની વાહક બની પોતાનું નૂતન રૂપ સિદ્ધ કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં આ કવિનો પણ અગત્યનો ફાળો છે તે ‘ક્ષણોના મહેલમાં’ (૧૯૭૨), ‘દર્પણની ગલીમાં’ (૧૯૭૫) અને ‘ઇર્શાદગઢ’ (૧૯૭૯)ની ગઝલોમાં જોઈ શકાય છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. ‘બાહુક’ (૧૯૮૨) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર બાહુકને વિષય બનાવી સંસ્કૃતાઢય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું, નગરવિયોગને વાચા આપતું પરલક્ષી કાવ્ય છે.

‘રે મઠ’ના કવિમિત્રો સાથે રહી કવિતાની સાથે નાટ્યરચનામાં પણ પ્રયોગશીલ વલણ એમનાં નાટકોએ દાખવ્યું છે તે ‘ડાયલનાં પંખી’ (૧૯૬૭)નાં પદ્યમાં રચાયેલાં ઍબ્સર્ડ એકાંકીઓ બતાવે છે. આ અને પછીનાં ‘કૉલબેલ’ (૧૯૭૩)નાં એકાંકીઓમાં નાટ્યસિદ્ધિ કરતાં પ્રયોગપ્રિયતા વિશેષ છે. પરંતુ ‘આકંઠ સાબરમતી’ના નાટ્યપ્રયોગની વર્કશોપ શરૂ થઈ ત્યારપછી રચાયેલાં ‘હુકમ, માલિક’ (૧૯૮૪)નાં એકાંકીઓમાં નાટ્યતત્વ વિશેષ સિદ્ધિ થયું છે. એમાંની શીર્ષકદા ‘હુકમ, માલિક’ કૃતિમાં ચૈતન્યવિહીન યંત્રસંસ્કૃતિએ માનવજીવનને કેવો ભરડો લીધો છે એ વિચારને અરબી કથાના જીનની વાત દ્વારા સુંદર અભિવ્યક્તિ મળી છે. ‘જાલકા’ (૧૯૮૫) એ ‘રાઈનો પર્વત’ નાટકના જાલકાના પાત્રને કેન્દ્રમાં મૂકી રચાયેલું, સ્ત્રીમાં રહેલાં મહત્વાકાંક્ષા અને પુત્રપ્રેમને વ્યક્ત કરતું નવપ્રવેશી ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેઘ’ (૧૯૮૬) એ યજ્ઞના અશ્વ અને અશ્વમેઘ કરનાર રાજાની રાણી વચ્ચેના જાતીય સંભોગની શાસ્ત્રોક્ત વિધિને વિષય બનાવીને રચાયેલું, સ્ત્રીમાં રહેલી કામાવેગની ઉત્કટતા અને એમાંથી સર્જાતી પરિસ્થિતિને આલેખતું ધ્યાનપાત્ર ત્રિઅંકી નાટક છે. આમ, એકાંકી પરથી અનેકાંકી નાટ્યરચના તરફની લેખકની ગતિ જોઈ શકાય છે.

કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર’ (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે. ‘હેંગ ઓવર’ (૧૯૮૫) કામના ઉત્કટ આવેગવાળી સ્ત્રીમાં જન્મતી ઉદ્દંડ પ્રગલ્ભતાને આલેખે છે. એમની વિશેષ જાણીતી બનેલી નવલકથા ‘ભાવ-અભાવ’ (૧૯૬૯) પોતાના અસ્તિત્વથી સભાન બનેલા એક માનવીની જીવનકથા છે. વિચારતત્વનું ભારણ આ લઘુકૃતિની કલાત્મકતાને જોખમાવે છે. ‘પહેલાં વરસાદનો છાંટો’ (૧૯૮૭) એમની ધારાવાહી નવલકથા છે. ‘ડાબી મૂઠી જમણી મૂઠી’ (૧૯૮૬) એમનો ઠેરઠેર પદ્યપંક્તિઓતી મંડિત પ્રયોગલક્ષી વાર્તાસંગ્રહ છે.

મારા સમકાલીન કવિઓ (૧૯૭૩) અને પછી એ ગ્રંથના લેખોમાં બીજા લેખ ઉમેરી પ્રગટ કરેલા ગ્રંથ ‘બે દાયકા ચાર કવિઓ’ (૧૯૭૪)માં ચાર આધુનિક કવિઓ મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સૂઝભરી સહૃદયી તપાસ છે. ‘ખંડકાવ્ય-સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૪) એ મહાનિબંધ તથા ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ (૧૯૭૯) એ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા લેખકની કાવ્યવિષયક સૂઝની પ્રતીતિ કરાવે છે. ‘ચઢો રે શિખર રાજા રામના’ (૧૯૭૫) અને ‘ગમી તે ગઝલ’ (૧૯૭૬) પૈકી પહેલું ચંદ્રવદન મહેતાની પ્રતિનિધિ કવિતાનું, તો બીજું આધુનિક ગઝલકારોની નીવડેલી ગઝલોનું સંપાદન છે. ‘વસંતવિલાસ’ (૧૯૫૭) એ જ નામના મધ્યકાલીન ગુજરાતી ફાગુકાવ્યનો અનુવાદ છે.

ઇર્શાદગઢ ચિનુ મોદીનો, ગઝલો અને દશ તસ્બીઓ સમાવતો કાવ્યસંગ્રહ. ‘તસ્બી’ ‘ક્ષણિકા’ પછીનો કવિનો બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ‘ક્ષણિકા’માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘તસ્બી’માં મત્લા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી’ એ જાણીતી તસ્બી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે.

બાહુક (૧૯૮૨)[ફેરફાર કરો]

ચિનુ મોદીની, સંવિધાન અને શૈલીથી નોખી તરી આવતી દીર્ઘ કાવ્યરચના. ત્રણ સર્ગમાં વિસ્તરેલી આ રચના અરણ્યમાં જવા પૂર્વે નળ દમયંતી સાથે નગરની બહાર ત્રણ રાત્રિ ગાળે છે એને લક્ષ્ય કરી, નગરવિચ્છેદ અને એથી થતી વેદનાનું એક વિશેષ પરિમાણ મૂળના ‘નલોપાખ્યાન’માં ઉમેરે છે. ઘટનાહા્સ, વર્ણન, સંવાદ અને કવિતાના મિશ્રણથી બંધાયેલા કલેવરે અછાંદસ, વૃત્તબંધ અને માત્રાબંધમાં અભિવ્યક્તિ સાધી છે, નળ, વૈદર્ભી અને બૃહદશ્વ-આ દીર્ઘરચનાનાં ત્રણ ઘટકપાત્રો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. રાવલ, વિનાયક; જાની, બળવંત; મોદી, મનહર, સંપાદકો (૧૯૮૮). ગુજરાતી અધ્યાપકોનો માહિતીકોશ (૧લી આવૃત્તિ). ગુજરાતીનો અધ્યાપક સંઘ. પૃષ્ઠ ૬૪.
  2. "Modi Chinu Chandulal". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). . અમદાવાદ: Gujarati Sahitya Parishad. ૧૯૯૦.
  3. "Ahmedabad's art fraternity under one roof to celebrate Chinu Modi's 75th b'day". DNA News. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૧૪.
  4. "Chinu Modi". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૧૪.
  5. Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ ૯૫–૯૮. ISBN 978-93-5108-247-7.
  6. રાવલ, વિનાયક; જાની, બળવંત; મોદી, મનહર, સંપાદકો (૧૯૮૮). ગુજરાતી અધ્યાપકોનો માહિતીકોશ (૧લી આવૃત્તિ). ગુજરાતીનો અધ્યાપક સંઘ. પૃષ્ઠ ૬૪.
  • સાક્ષરનો સાક્ષાત્કાર (રાધેશ્યામ શર્મા), રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ, ખંડ - ૨

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]