નૃસિંહાવતાર

વિકિપીડિયામાંથી

નૃસિંહાવતારમણિલાલ નભુભાઈ દ્વિવેદી કૃત પૌરાણિક નાટક છે. આ નાટક મણિલાલે ૧૮૯૬માં લખ્યું હતું, અને તે મણિલાલના મૃત્યુ પછી ૧૮૯૯માં મુંબઈ ગુજરાતી નાટક કંપની દ્વારા ભજવાયું હતું. નૃસિંહાવતાર ૧૯૫૫માં ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું હતું.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ મણિલાલનું કાન્તા નાટક 'કુલીન કાન્તા' નામે ૧૮૮૯માં ભજવ્યું હતું. આ મંડળીની માંગણીથી મણિલાલે 'નૃસિંહાવતાર' નાટક ૧૮૯૬ના અંતભાગમાં લખ્યું હતું.[૨]

કથાવસ્તુ[ફેરફાર કરો]

મણિલાલે આ નાટકની રચના શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધમાં આવતા પ્રહલાદવૃત્તાંતને આધારે કરી હતી. વ્યવસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી લેખકે રંગભૂમિ અને લોકરુચિને ધ્યાનમાં રાખી આ નાટકમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પણ પ્રસ્તુત કર્યું છે.[૨]

સનકાદિના શાપથી વિષ્ણુના દ્વારપાળ જય-વિજય પૃથ્વી ઉપર કશ્યપ ઋષિને ત્યાં અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતરે છે. વરાહાવતારથી હિરણ્યાક્ષનું મૃત્યુ થયાનું સાંભળતાં નાનો ભાઈ હિરણ્યકશિપુ વિષ્ણુનો વેરી થાય છે. પોતાનું મૃત્યુ કોઈ રીતે ન થાય એવું વરદાન પ્રજાપતિ પાસેથી લેવા તે તપ કરવા જાય છે. દરમિયાન ઇંદ્ર તેની સગર્ભા રાણીને ઉપાડી જાય છે. નારદ રાણીનું અને તેના પુત્ર પ્રહલાદનું રક્ષણ કરે છે ને વરદાન લઈને પાછા આવેલ હિરણ્યકશિપુને તેની રાણી અને પુત્ર સોંપે છે. પ્રહલાદને ઉંમર થતાં ગુરુને ત્યાં ભણવા મોકલવામાં આવે છે. તે વિષ્ણુનો પરમ ભક્ત હોઈ પિતાની આજ્ઞા વિરુદ્ધ પણ નારાયણનું જ રટણ કરે છે. હિરણ્યકશિપુ તેને વિવિધ રીતે મારવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુ તેને ઉગારે છે. છેવટે સભા મધ્યે તપેલા લોહસ્તંભને પ્રહલાદને બાઝવાનું કહેતાં નૃસિંહસ્વરૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈને હિરણ્યકશિપુનો સંહાર કરે છે.[૧]

સન્નિવેશ[ફેરફાર કરો]

  • અરણ્ય, વિષ્ણુનું મંદિર, કશ્યપનો આશ્રમ, પારિજાતવન, દૈત્યરાજસભા, રણવાસ, રાજભવનનો બહારનો ચોક, ઇંદ્રસભા, અંતરિક્ષ, અરણ્ય
  • દૈત્યરાજસભા, રણવાસ, શુક્રનો આશ્રમ, વિદૂષકનું ઘર, શુક્રનો આશ્રમ, હિરણ્યકશિપુનો ખાનગી ઓરડો, રણવાસ, દીવાનખાનું, રણવાસ, અરણ્ય
  • રાજગૃહ, અરણ્ય, યાંત્રિકનું ઘર, સમુદ્રતટ, રણવાસ, અરણ્ય, સોમદત્તનું ઘર, રણવાસ, રાજદરબાર[૧]

ભજવણી[ફેરફાર કરો]

ઈ. સ. ૧૮૯૯ માં મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ સૌપ્રથમ આ નાટક ભજવ્યું હતું, જે નિષ્ફળ નિવડ્યું હતું. એના દિગ્દર્શક અને મુખ્ય પાત્ર તરીકે પારસીઓ હતા - એને કેટલાક લોકો આ નિષ્ફળતાનું કારણ માને છે.[૨] ત્યારબાદ ૧૯૦૬-૦૭ માં એ જ કંપનીએ આ નાટકનો ફેરપ્રયોગ કર્યો હતો જે સફળ રહ્યો હતો. આ નાટક ત્યારે ત્રીસેક નાઈટ્સ સુધી ચાલ્યું હતું. આ નાટકમાં પ્રહલાદનું પાત્ર પ્રભાશકર 'રમણી'એ, લક્ષ્મીનું પાત્ર જયશંકર 'સુંદરી' તેમજ વિષ્ણુનું પાત્ર બાપુલાલ નાયકે ભજવ્યું હતું.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ઠાકર, ધીરુભાઈ (2008). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧. OCLC 945585883.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ બારાડી, હસમુખ (1998). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૦ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૪-૩૦૫. OCLC 165832685.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]