લખાણ પર જાઓ

એઝરા પાઉન્ડ

વિકિપીડિયામાંથી
એઝરા પાઉન્ડ
એઝરા પાઉન્ડ, ૧૯૬૩
એઝરા પાઉન્ડ, ૧૯૬૩
જન્મએઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ
(1885-10-30)October 30, 1885
હેઈલી, આઈડાહો રાજ્ય, યુનાઈટેડ સ્ટેટ
મૃત્યુNovember 1, 1972(1972-11-01) (ઉંમર 87)
વેનિસ, ઈટાલી
વ્યવસાયકવિ, વિવેચક
ભાષાઅંગ્રેજી
રાષ્ટ્રીયતાઅમેરિકન
નોંધપાત્ર સર્જનોધ કેન્ટોઝ

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ (૩૦ ઑક્ટોબર ૧૮૮૫ - ૧ નવેમ્બર ૧૯૭૨) અમેરિકન કવિ અને વિવેચક હતાં. પાઉન્ડને કારણે અંગ્રેજી કવિતા વિક્ટોરિયન યુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશી હતી. એમનુ લઘુકાવ્ય પેરિસના ભૂગર્ભ રેલવે સ્ટેશને આધુનિક અંગ્રેજી કવિતાનું આભૂષણ ગણાય છે.

જીવન[ફેરફાર કરો]

એઝરા પાઉન્ડનો જન્મ ૩૦ ઑક્ટોબર ૧૮૮૫ ના રોજ યુનાઈટેડ સ્ટેટના આઈડાહો રાજ્યના હેઈલી ગામ ખાતે થયો હતો. તેઓ તેમના માતા-પિતા ઈઝાબેલ વેસ્ટન (૧૮૬૦-૧૯૪૮) અને હોમર લૂમિસ પાઉન્ડ (૧૮૫૮-૧૯૪૨) ના એકમાત્ર સંતાન હતાં. પાઉન્ડના પિતા ૧૮૮૩ થી જનરલ લેન્ડ ઑફિસ, હેઈલી ખાતે મહામાત્ર તરિકે ફરજ બજાવતા હતાં. પાઉન્ડની ઉંમર દોઢ વર્ષની હતી ત્યારે એમના પિતાને ફિલોડેલ્ફિયાની સરકારી ટંકશાળમાં નોકરી મળતા તેઓ ફિલોડેલ્ફિયા આવી સ્થાયી થયા હતા. આથી પાઉન્ડે ફિલોડેલ્ફિયાની લશ્કરી શાળામાં અભ્યાસ કર્યો હતો.[૧][૨]

ડોરોથી શેક્સપિયર પાઉન્ડ, એઝરા પાઉન્ડના પત્ની

અભ્યાસકાળ દરમિયાન તેમને વિશ્વની જુદી જુદી ભાષાઓ શીખવાનો પ્રારંભ કર્યો. પંદર વર્ષની ઉંમરે તેઓ કૉલેજનો અભ્યાસ કરવા યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં દાખલ થયા. કૉલેજકાળ દરમિયાન તેઓ કેટલાક કવિઓ અને દાંતેની કવિતાના પરિચયમાં આવ્યા. ૧૯૦૬માં તેઓ એમ.એ. થયા ત્યાં સુધીમાં એમણે વિશ્વ સાહિત્યના મોટાભાગના પુસ્તકો વાંચી નાખ્યા હતાં. ૧૯૦૭માં તેઓને એક કૉલેજમાં ભાષાના અધ્યાપક તરીકે નોકરી મળી. પરંતુ થોડા સમયમાં જ એમના પર ચારિત્રહિનનો ખોટો આરોપ મૂકી એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. આથી તેઓ ૧૯૦૮માં ૨૩ વર્ષની ઉંમરે તેઓ અમેરિકા છોડી ઈંગ્લૅન્ડ ગયા અને લંડનમાં સ્થાયી થયા. થોડા જ સમયમાં લંડનના સાહિત્યક્ષેત્રે તેઓ જાણીતા થઈ ગયા. લંડનની એક કૉલેજમાં તેઓ અંગ્રેજી સાહિત્ય ભણાવવા લાગ્યા અને ૧૯૧૦માં લંડનથી પ્રગટ થતા શિકાગો પોએટ્રીના તંત્રી બન્યા. ૧૯૧૪માં એમણે પોતાની એક વિદ્યાર્થીની ડોરોથી શેક્સપિયર સાથે લગ્ન કર્યા.[૨]

સાહિત્યિક કાર્ય[ફેરફાર કરો]

એઝરા પાઉન્ડ શિકાગો પોએટ્રી ઉપરાંત ધ ડાયલ, બ્લાસ્ટ, ધ ન્યૂ એઈજ અને ધ લિટલ રિવ્યૂ જેવા ખ્યાતનામ સાહિત્યિક સામયિકો સાથે સંકળાયેલા રહ્યા હતા. આ સામયિકો દ્વારા એમણે અમેરિકા અને ઈંગ્લેન્ડમાં લખાતી અંગ્રેજી કવિતાની સમૂળગી દિશા બદલાવી નાખી હતી. તેઓ માનતા હતા કે, કવિતાની ભાષા સાહિત્યિક નહીં, પણ રોજબરોજની ભાષા હોવી જોઈએ.[૨]

ઈટલીથી તેમણે પોતાનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ, અ લ્યૂમ સ્પેન્ટો (૧૯૦૮) પોતાને ખર્ચે પ્રકાશિત કર્યો. યુરોપથી પછી તેઓ લંડન ગયાં, જ્યાં તત્કાલીન સાહિત્યવર્તુળોમાં સક્રિય બની તેમને પોતાનું આગવું સ્થાન સિદ્ધ કર્યુ. આ સમય દરમિયાન તેમણે પરસોની (૧૯૦૯), કેન્ઝોની (૧૯૧૧), રિપોસ્ટ્સ (૧૯૧૨) અને લસ્ટ્રા (૧૯૧૬) નામનાં પોતાનાં કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા. પેરિસના ભૂગર્ભ રેલવે સ્ટેશને એ તેમનુ લઘુકાવ્ય છે, જે આધુનિક અંગ્રેજી કવિતાનું આભૂષણ ગણાય છે.[૩]

મૃત્યુ[ફેરફાર કરો]

પાઉન્ડની કબર

૧૯૬૨માં, ૭૭ વર્ષની વયે પાઉન્ડને હ્રદયરોગનો હુમલો આવ્યો. આ બિમારી પછી તેઓ સાવ મૌન થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં એક દાયકો વિતાવ્યા બાદ ૧ નવેમ્બર ૧૯૭૨ના રોજ ૮૭ વર્ષની વયે ઈટલીના વેનિસ શહેરમાં એમનુ અવસાન થયું હતું.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Moody (2007), 4; Ridler, Keith. "Poet's Idaho home is reborn", Associated Press, 25 May 2008
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ દવે, રાજેન્દ્ર (૨૦૧૦). વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકારો (2nd આવૃત્તિ). રાજકોટ: પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. પૃષ્ઠ ૭૪-૭૬. ISBN 978-81-7790-257-0.
  3. મહેતા, દિગીશ (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૧. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૧૮-૧૧૯. OCLC 313489194.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]