લખાણ પર જાઓ

દિગીશ મહેતા

વિકિપીડિયામાંથી
દિગીશ મહેતા
જન્મદિગીશ નાનુભાઈ મહેતા
(1934-07-12)12 July 1934
પાટણ, ગુજરાત, ભારત
મૃત્યુ13 June 2001(2001-06-13) (ઉંમર 66)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયનિબંધકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી
માતૃ શિક્ષણ સંસ્થા
નોંધપાત્ર સર્જનોઆપણો ઘડીક સંગ (૧૯૬૨)
જીવનસાથી
સ્મિતા (લ. 1963)
સંતાનો૨ પુત્રીઓ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધThe Experience of Religious Conversion and Its Impact on The Creation of the Major Personae in The Poetry of T. S. Eliot from Prufrock to Ash Wednesday (૧૯૮૧)
માર્ગદર્શકઆર. એ. મલાગી

દિગીશ નાનુભાઈ મહેતા (૧૨ જુલાઈ ૧૯૩૪ ― ૧૩ જૂન ૨૦૦૧) ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક હતા.

તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા.[]

૧૯૬૩માં તેમના લગ્ન સ્મિતા સાથે થયેલા અને એમને બે દીકરીઓ હતી.[]

તેઓ ૧૯૯૪માં નિવૃત થયા હતા અને ૧૩ જૂન ૨૦૦૧ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.[][]

આપણો ઘડીક સંગ (૧૯૬૨) એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. કૉલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટિનાં પ્રણયસગપણના વસ્તુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવીગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. ૧૫૮ પૃષ્ઠ અને બાવીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ કથાના તાણાવાણા ગૂંથાયા છે અર્વાચીના અને ધૂર્જટિના તદ્દન સીધાસાદા પ્રણય વડે; પણ લેખકે આ કથાને રૂઢ રૂપે નહિ, અરૂઢ રૂપે રજૂ કરી છે. અહીં ઘટનાઓ ઓછી છે, પણ જે કંઈ કથાંશો છે તેને તેઓ સચોટ પાત્રનિરૂપણ દ્વારા અને એ પાત્રોના આંતરજગતને કળામય રીતે અભિવ્યાંજિત કરતા પદાર્થો-પરિસ્થિતિઓ દ્વારા સઘન કરે છે. હાસ્ય-મજાકવાળી વિલક્ષણ શૈલી વડે એમણે જીવનના અનેક મર્મોને અહીં લીલયા ઉદઘાટિત કરી આપ્યા છે. એક લાક્ષણિક પ્રયોગ લેખે આ લઘુનવલનું ઐતિહાસિક મૂલ્ય ગણાયું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે લેખકની વક્રતા અને એમનો વ્યંગ વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીનો પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે.

દૂરના એ સૂર (૧૯૭૦) એ દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ છે. તેની લલિતનિબંધની ચૌદ રચનાઓમાં એમની લેખિની ‘મનુષ્ય’ને, તેના માનવવિવર્તોને, તેના સ્વભાવની વિસંગતિઓ અને વિચિત્રતાઓને તાગવા-તાકવાનું વલણ વિશેષ ધરાવે છે. પ્રસંગનું માત્ર નિરૂપણ કરવાને બદલે તેને અનેક સંદર્ભો વચ્ચે ખીલવીને મનુષ્યચિત્તના કોઈક ને કોઈક ખૂણાને અનાવૃત્ત કરી આપવો-એ પ્રકારની એમની રીત વિશિષ્ટ છે. વસ્તુ કે પાત્રને ચિત્રાત્મક ઉઠાવ આપવાની શક્તિ એમની કલમમાં છે. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની ભીંત આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના 'ઘર', 'પુલ', 'પ્રવાહ', 'પાત્રો', 'લોક' કે 'દ્રશ્યો' જેવી રચનાઓમાં એમની આ શક્તિ વિશેષ ખીલેલી જોવાય છે અને આ નિબંધો ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધોમાં સ્થાન પામેલા છે. નિબંધકારનાં અભ્યાસ, અનુભવ, કલ્પના અને તીવ્ર નિરીક્ષણમાંથી પ્રકટતી ઉપમાઓ-ઉત્પ્રેક્ષાઓ એમના નિબંધોને અનન્ય સૌંદર્ય અર્પી રહે છે.

પરિધિ (૧૯૭૬) એમની અભ્યાસનિષ્ઠાનો દ્યોતક વિવેચનસંગ્રહ છે. વિદેશના કેટલાક સર્જકોની મહત્ત્વપૂર્ણ કૃતિઓની વિચારણા, કેટલાક સૈદ્ધાંતિક મુદ્દાઓની વિશદ ચર્ચા તથા ગુજરાતી સર્જક કે ગુજરાતી કળાકૃતિ ઉપરના આ લેખોમાં એમની નિજી દૃષ્ટિનો પરિચય થાય છે.

એમણે અંગ્રેજીમાં શ્રીમદ્ રાજચંદ્ર (૧૯૮૦) નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "દિગીશ મહેતા". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2017-03-17.
  2. Sharma, Radheshyam (1999). Saksharno Sakshatkar (Question-based Interviews with biographical literary sketches). Vol. 4. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 40. OCLC 43853110. |volume= has extra text (મદદ)
  3. Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 292–295. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]